નવજીવન ન્યૂઝ. દ્વારકાઃ Cyclone Biparjoy live tracker : અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે સર્જાયેલું બિપોરજોય વાવાઝોડાએ (Biparjoy Cyclone) દિશા બદલતા હવે ગુજરાત પર સંકટ તોળાઇ રહ્યું છે. બિપોરજોય ચક્રવાતને ધ્યાનમાં લઈને તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. ત્યારે આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપોરજોયની અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે. જેને લઈને ગુજરાતના મોટા ભાગના બંદરો પર 10 નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે. ત્યારે દ્વારકામાં (Dwarka) પણ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. વાવાઝોડું નજીક આવતા દ્વારકામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, તો દરિયામાં ઉંચા મોજા ઉઠળી રહ્યા છે. ત્યારે આજે દ્વારકાધીશ મંદિરે (Dwarkadhish Temple) એક સાથે બે ધજા (Flag) ચડાવવામાં આવી છે.

બિપોરજોય વાવાઝોડાને લઈને દ્વારકામાં ભારે પવન ફુકાવાની શરૂઆત થઈ ગઈ છે. વાવાઝોડાના ખતરા વચ્ચે આજે ભગવાન દ્વારકાધીશના જગત મંદિરના 150 ફૂટ ઊંચા શિખર પર એકસાથે બે ધજા ચડાવવામાં આવી છે. સવારે ભારે પવનના લીધે ધજા ચઢાવામાં આવી ન હતી. જેથી હાલ એક સાથે બે ધજા ફરકાવામાં આવી છે. મંદિર પર એક સાથે બે ધજા ચઢાવાથી દ્વારકા પર આવતું સંકટ ટળી જાય તેવી લોક માન્યતા છે. જેથી આજે મંદિર પર એક સાથે બે ધજા ફરકાવામાં આવી છે.
દ્વારકામાં આજે સવારથી જ ભારે પવન સાથે દરિયામાં 15થી 25 ફુટના મોજા ઉછળ્યા હતા. બિપોરજોયની અસર જોવા મળતાં દ્વારકા અને ઓખાના દરિયાકાંઠાના ગામોમાં લોકોનું સ્થળાંતર કરાવામાં આવ્યું છે. દરિયાકાંઠેથી લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે. દરિયામાં ભારે મોજા ઉછળતા ભડકેશ્વર નજીક દરિયા કાઠે મસ મોટી ભેખડ ધસી પડી હતી. દરિયા કાંઠે સ્થિત મોટી ભેખડ તૂટતાં દરિયો નજીક આવ્યો છે. દ્વારકાના ગોમતી ઘાટ પર 20 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળ્યા હતા. દરિયામાં કરંટના પગલે ગોમતી કિનારે તેમજ દરિયાઈ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બિપોરજોય વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને અનુલક્ષી દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ સમીક્ષા બેઠક કરી હતી. દ્વારકાના મંદિરે આવતા શ્રધ્ધાળુને 16 તારીખ સુધી ન આવવા માટે અપીલ પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, દ્વારકાધીશના મંદિરે ગઈકાલે પણ અડધી કાઠી પર ધજા ચઢાવામાં આવી હતી. ત્યારે આજે એક સાથે બે ધજા મંદિરમાં ચઢાવામાં આવી છે. અગાઉ ગુજરાત પર તૌકતે વાવાઝોડું આવ્યું હતું, તે સમયે પણ દ્વારકાધીશના મંદિર પર એક સાથે બે ધજા ચઢાવામાં આવી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796