રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદ ગ્રામ પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાખી ભવન સહિતનાં અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિવિધ પ્રકલ્પોનું ગુરુવારે લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીના હસ્તે એડીઆર-શિલ્ડ, બ્લૂ સર્કિટ પ્રોજેક્ટ, અભયયાત્રી પ્રોજેક્ટ, અસલાલી વિભાગીય પોલીસ અધિકારીની કચેરીનું લોકાર્પણ તથા વિરમગામ પોલીસ લાઇનનું ખાતમુહૂર્ત કરાયું હતું.
આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે અમદાવાદ ગ્રામ્ય પોલીસનું યુનિક પોલિસિંગ છે. આ વિસ્તારમાં શહેરી વસાહતો પણ આવેલી છે તો અંતરિયાળ ગામડાંઓનો પણ સમાવેશ થાય છે. એક તરફ હડપ્પન સંસ્કૃતિ ધરાવતી વિરાસતો છે તો બીજી તરફ ઔદ્યોગિક એકમો પણ મોટી સંખ્યામાં આવેલા છે.
હર્ષ સંઘવીએ સામાન્ય લોકો પોલીસ અધિકારીઓને મળી શકે એ માટે મુલાકાતના અમુક દિવસો અને અમુક કલાકો નિર્ધારિત કરવાનું સૂચવ્યું હતું. પોલીસથી ગુનેગારોના પગ જરૂર ધ્રુજવા જોઈએ, તેમની ચાલ બદલાઈ જવી જોઈ, પરંતુ સામાન્ય લોકો સાથે પ્રેમપૂર્વક વર્તન કરવું જોઈએ, જેથી લોકોનો પોલીસ પરનો વિશ્વાસ વધી શકે, એવું તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે પોલીસની ભરતી આવી રહી છે ત્યારે એ માટે તૈયારીઓ કરનારા યુવાનો માટે સમગ્ર રાજ્યના પોલીસ ગ્રાઉન્ડ ખુલ્લા મુકાશે. પોલીસની સાથે એસઆરપી વગેરેના ગ્રાઉન્ડ પર પણ યુવાનો તૈયારી કરી શકશે. આ યુવાનો માટે કોચ તેમજ ફિજિયોથેરાપિસ્ટની વ્યવસ્થા કરવામાં આવે, એવી તૈયારી પણ રાજ્ય સરકાર કરી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
સાઇબર ક્રાઇમના અપરાધીઓ જે બેન્ક એકાઉન્ટ્સનો ઉપયોગ કરે છે, એવા મ્યુલ એકાઉન્ટ પર ગુજરાત પોલીસે ઐતિહાસિક સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. ગત આઠ ડિસેમ્બરે નક્કી થયું અને મ્યૂલ – શંકાસ્પદ એકાઉન્ટ ઓળખી કાઢવા માટે પોલીસે હલ્લાબોલ કરવાનું નક્કી કરાયંન અને માત્ર 9 દિવસમાં 508 ગુનાઓ દાખલ કરીને 423 અરોપીઓને પકડી લેવામાં આવ્યા છે.








