Friday, April 19, 2024
HomeBusinessઉદ્યોગ ક્ષેત્રમાં સરકાર નામ પૂરતી! દેશ પર મોટા ઉદ્યોગગૃહોનો દબદબો?

ઉદ્યોગ ક્ષેત્રમાં સરકાર નામ પૂરતી! દેશ પર મોટા ઉદ્યોગગૃહોનો દબદબો?

- Advertisement -

કિરણ કાપૂરે Kiran Kapure (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): આપણા દેશને ગમે તેટલો વિશાળ અને વૈવિધ્યસભર કહીએ પણ જ્યારે આર્થિક બાબતની વાત આવે છે ત્યારે તેની વિશાળતા ગણ્યાગાંઠ્યા ઉદ્યોગસમૂહોની આસપાસ ફરતી દેખાય છે. ઉદારીકરણ પછી નવા નવા ઉદ્યોગ સમૂહો આવ્યા છે અને માર્કેટમાં અન્ય પ્લેયર્સનોય દબદબો દેખાય છે. પણ હજુય અંબાણી, તાતા, બજાજ, બિરલા, સિંઘાનિયા, શાપૂરજી જેવા નામો બિઝનેસ દબદબામાં કાને પડે છે. અંબાણી, ભારતી, થાપર, બાંગુર જેવા ગ્રૂપ્સ પણ તેમાં ઉમેરાયા છે. આવા સો-દોઢસો ઇન્ડસ્ટ્રીઅલ્સ્ટ (Industrialists) ગ્રૂપ્સ દેશના મોટા બિઝનેસ હિસ્સાને ચલાવે છે. આ ઉદ્યોગગૃહો કેટલાંક એવાં બિઝનેસમાં છે કે તેઓની સ્પર્ધા કરવી પણ અશક્ય લાગે છે. અને જ્યારે જ્યારે તેઓ પર કોઈ જોખમ ઊભું થાય છે ત્યારે તેની ભીતિ પૂરા દેશમાં પ્રસરે છે. છેલ્લે અદાણીના શેરમાં આવેલા ધરખમ ઘટાડાથી દેશમાં ભીતિ પ્રસરી હતી.

આ ચર્ચા કરવાનું કારણ એર ઇન્ડિયાની માલિક બનેલા તાતા ઇન્ડસ્ટ્રીઝે 470 વિમાન ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. આ ઉપરાંત, પણ વધુ 370 વિમાન ખરીદવાનું આયોજન તાતા ગ્રૂપ કરી રહ્યું છે. દેશમાં અત્યારે કુલ જેટલાં નાગરિક વિમાનો ઉડાન ભરે છે તેના કરતાં પણ સો વિમાન વધુ તાતા ગ્રૂપ ખરીદવાનું છે! તે સિવાય મુકેશ અંબાણી, કુમાર મંગલ બિરલા અને તાતા જેવી ઇન્ડસ્ટ્રીઝે માત્ર ઉત્તર પ્રદેશમાં સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ વિષય અંગે છણાવટ ‘ધ પ્રિન્ટ’ ન્યૂઝ પોર્ટલ પર ટી. એન. નાયનને કરી છે. તેઓ આગળ લખે છે કે, આ પ્રકારની જાહેરાતોથી એ પ્રશ્ન ઊભો થાય છે કે આપણા દેશમાં આવા મસમોટાં ઉદ્યોગગૃહોનો દબદબો છે અને છે તો કેટલો છે? બીજો પ્રશ્ન એ છે કે આ ઉદ્યોગગૃહોની સફળતાથી દેશનું કંઈ ભલું થાય છે કે નહીં? હવે માત્ર અદાણી સમૂહની વાત કરીએ તો તેમની પાસે દેશના સૌથી અગત્યના કહેવાય તેવાં બંદર છે. ઉપરાંત, કુલ 30 ટકાથી વધુ અનાજ ભંડાર અદાણી પાસે છે. દેશની 20 ટકા વીજળી અદાણી ગ્રૂપ પૂરી પાડે છે. ઘણે અંશે ચોથા ભાગના દેશના એર ટ્રાફિકને આ ગ્રૂપ મેનેજ કરે છે અને વીસ ટકા સિમેન્ટનું ઉત્પાદન પણ તેમની પાસે છે. હવે આ બિઝનેસનો ક્યાસ કાઢીએ તો ખ્યાલ આવી શકે કે માત્ર અદાણી પર કેટલું બધું નિર્ભર છે. ખાસ કરીને બંદર, જ્યાંથી દેશનું મોટા ભાગનું આયાત-નિકાસે થાય છે. વીજળી, અનાજ ભંડારો પણ અદાણી પાસે છે. હજુય આમાં સોનર પેનલ્સ, વીજળી ઉત્પાદન, ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન, હાઇવે, કોળસાની ખાણો, પેટ્રોકેમિકલ્સ, ડેટા સેન્ટર, ક્લાઉડ સર્વિસિઝને સામેલ કરવામાં આવી નથી. નેક્સ્ટ જનરેશનના બિઝનેસ કહેવાય તેમાંથી પણ કેટલાંક અતિ મહત્વના અદાણી ગ્રૂપ પાસે છે. હવે કોઈ એક ગ્રૂપ પાસે દેશના અતિ મહત્ત્વના બિઝનેસનો આટલો હિસ્સો હોય, તો તે ઇન્ફ્લુએન્સિઅલ બનવાનું જ છે.

- Advertisement -

એ રીતે હાલમાં તાતા ગ્રૂપના પ્રમુખ એન. ચંદ્રશેખરે એવી જાણકારી આપી હતી કે આવનારા પાંચ વર્ષમાં તાતા ગ્રૂપ એક લાખ કરોડનું રોકાણ કરવા જઈ રહ્યું છે. અદાણી અને અંબાણી સુધ્ધા ઇન્વેસ્ટમેન્ટના મુદ્દે દસ લાખ કરોડ સુધીનો આંકડો પહોંચાડી દીધો છે. અંબાણી પણ રિન્યૂએબલ એનર્જીમાં પ્રવેશી રહ્યા છે અને તે માટે રિલાયન્સ દ્વારા ગુજરાતમાં 450000 એકર જમીનની ડિમાન્ડ કરી છે. આ ક્ષેત્રફળ દિલ્હી રાજ્ય કરતાં મોટું છે.

ખનીજ, ઓપ્ટિકલ ફાઈબર અને ઉર્જા ક્ષેત્રમાં પણ એક બીજું ગ્રૂપ છે વેદાંતા. તેના સર્વેસર્વા અનિલ અગ્રવાલ છે. તેમની યોજનાઓ અદાણી-અંબાણી જેટલી મોટી નથી દેખાતી પણ આવનારાં પાંચ વર્ષમાં તેમનું રોકાણ પણ 20 અરબ ડોલરનું થવાનું છે. વેદાંતાનું નામ એ માટે પણ લેવામાં આવે છે કે ઓઇલ અને ગેસના ઉત્પાદનમાં તેનું લક્ષ્ય ઓનએનજીસીની બરાબરી કરવાનું છે. મોટા મોટા ઉદ્યોગગૃહોનું આ ચિત્ર જોઈએ તો એવું સ્પષ્ટ છે કે તેમની અસર માત્ર માર્કેટમાં જ નહીં, બલકે દેશની કેટલીક નીતિ ઘડવામાં પણ ચાલી શકે છે. તેમાં કશુંય આંગળી ચીંધીને દર્શાવી શકે એવું નથી હોતું, પરંતુ તેમ છતાં સરકાર આવાં ગ્રૂપને જમીનોના હિસ્સા આપે છે, મોટી લોન આપે છે અને બિઝનેસ કરવા માટે સારી એવી અનુકૂળતા પણ કરી આપે છે. હવે કેટલાંક કામો એવા છે જે પૂર્ણ રીતે માર્કેટ પર અવલંબે છે, પણ કેટલાંક કાર્યો સીધા પ્રજાની પાયાની જરૂરિયાત અને સુખાકારી માટે આવશ્યક છે; તો તેવા ક્ષેત્રોને સરકાર પોતાના હસ્તક રાખવા જોઈએ. દેશ આઝાદ થયો ત્યારે આવું થયુંય ખરા કે જેમાં વિમાની સેવા, ખનીજનું ખનન, વીજળીનું ઉત્પાદન સરકાર હસ્તક રહ્યું. આ બધા બિઝનેસમાં નફો કમાવવા કરતાં તંત્ર-વ્યવસ્થા યોગ્ય રીતે ચાલે તે અગત્યનું હતું. પરંતુ હવે ઉદારીકરણ પછી સરકાર આવાં બધા બિઝનેસમાંથી નીકળતી જાય છે અને તેમાં માત્ર નામ પૂરતી સરકાર રહી છે. એટલે હવે જાણે-અજાણે આ મોટાં ઉદ્યોગગૃહો દેશની કરોડરજ્જુ બની ગયા છે.

અદાણી, અંબાણી, તાતા અને બજાજ સિવાય પણ અનેક મોટાં ગ્રૂપ્સ એવાં છે, જેમનાં હસ્તક દેશના અતિ મહત્ત્વના સેક્ટર છે. જેમ જેમ વિકાસની રફ્તાર પકડાઈ રહી છે અને માળખાગત સુવિધા નિર્માણ થઈ રહી છે તેમ તેમાં નવા પ્લેયર્સ પણ છે. તેમાં એક છે સજ્જલ જિંદાલનું ગ્રૂપ. તેમનું ‘જેએસડબલ્યુ’ ગ્રૂપ સ્ટીલ, સિમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટી હિસ્સેદારી રાખે છે. આ ગ્રૂપ પણ ઇન્વેસ્ટમાં પાવરધું છે. ‘જેએસડબલ્યુ’ ગ્રૂપ સિમેન્ટમાં ઉત્પાદન ક્ષમતા ત્રણ ગણી કરવાની ઇચ્છે છે અને સાથે સાથે બંદર અને ટર્મિનલ્સ પણ તેમની માલવાહનની ક્ષમતા છ ગણી કરવાની મહત્ત્વકાંક્ષા ધરાવે છે.

- Advertisement -

આ કારણે આર્થિક બાબતે પ્રજાનું સર્વાંગી હિત જોનારાઓ તે અંગે કેટલાંક સમાધાન આપણી સમક્ષ મૂકી ગયા છે. દેશ આઝાદ થયો ત્યારે તે સમાધાન લાગુ પણ થયા, પરંતુ હવે બદલાઈ રહેલા જમાના સાથે તેમાં પ્રજાહિતનો છેદ ઊડતો જઈ રહ્યો છે. ‘માનવ અર્થશાસ્ત્ર’ નામના પુસ્તકમાં નરહરિ દ્વારકાદાસ પરીખે આ વિશે ‘સાર્વજનિક કામગીરીઓ માટેના ઇજારા’ના મથાળેથી લખ્યું છે કે “કોઈ પણ શહેરને ગેસ, પાણી, વીજળી, એવી વસ્તુઓ પૂરી પાડનારી સંસ્થા એક જ હોય તેમાં જ સગવડ રહેલી છે. વીજળી પહોંચાડવા તારનાં દોરડાં નાંખવા પડે, પાણી પૂરું પાડવા જમીનની અંદર મોટા નળ નાખવા પડે. આવા કામો એક કરતા વધારે સંસ્થા કરવા જાય તો કેટલાં તારનાં દોરડા અને કેટલાં પાણીના નળ નાખવા પડે અને કોણ નાંખે? તેમાં મોટી અગવડ ઊભી થાય. મોટાં શહેરોમાં ટ્રામો તથા મોટર બસો એક જ મંડળ તરફથી ચાલતી હોય તેમાં જ સગવડ છે. એ જ માર્ગ માટે એક કરતાં વધારે રેલવે કંપનીઓ હોય તેમાં નાહકનું મોટું ખર્ચ છે. તેવું જ બંદર ઉપરના ડક્કાનું છે. હરીફાઈમાં જે બગાડ અનિવાર્ય છે તે આવાં કામ એક જ મંડળ પાસે હોય તો સહેજે અટકે છે અને લોકોને પણ આવી સેવાઓ સસ્તી અને સગવડભરેલી રીતે મળી શકે છે. પણ તે ત્યારે જ બની શકે જ્યારે હેતુ નફો કરવાનો નહીં પણ લોકોને સગવડ આપવાનો હોય. આવાં કામના ઇજારા ખાનગી વ્યક્તિ કે કંપની પાસે હોય તો તેઓ મોટા નફા કરવા તરફ જ લક્ષ આપે એવો સંભવ છે. માટે આવાં કામ લોકલ બોર્ડો તથા મ્યુનિસિપાલિટીઓ જેવી કાયદાના અંકુશવાળી સાર્વજનિક સંસ્થાઓ પાસે હોય અથવા તેમના અંકુશ નીચે હોય એ ઇષ્ટ છે.”

આ અંગે આપણી પાસે મસમોટા ઉદાહરણ પણ છે અને મોરબી જેવા શહેરના બ્રિજનું પણ. અલ્ટીમેટલી તેમાં પ્રજાહિત જોવાતું નથી, માત્ર નફો કેન્દ્રમાં હોય છે. અને જ્યારે તેમાં કશુંય ખોટકાય ત્યારે જવાબદારી કોઈની બનતી નથી. મસમોટા ઉદ્યોગગૃહો નફા માટે જ કાર્ય કરે છે અને આજે તેઓનો નફો સામાન્ય માણસની પાયાની જરૂરિયાતમાંથી ઊભો થઈ રહ્યો છે. તેઓ ઇચ્છે તે રીતે આવશ્યક સેવાઓને મોંઘી કરી શકે છે અને તેમાં સરકાર પણ નિસહાય દેખાય છે. બજારનું આ મોડલ એટલું જડબેસલાક રીતે નિર્માયું છે કે તેને અંકુશમાં રાખવું હવે સરકારનાંય હાથમાં નથી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular