નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રેશ્મા પટેલને ગોંડલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવી હતી. પરંતુ જ્યારે કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થયું ત્યારે, રેશ્મા પટેલનું પત્તુ કપાયું હતું. પરિણામે NCP ના નેતાઓ અને કાર્યકરોએ રાજીનામા આપવાની શરૂઆત કરી હતી. બાદમાં રેશ્મા પટલે (Reshma Patel)પણ NCP છોડી AAPનો ખેસ ધારણ કર્યો હતો. અને હવે સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખે પણ રાજીનામું ધરી દીધું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકીય પક્ષના નેતાઓ મેદાને આવી ગયા હતા અને, પોતાના સોગઠા સેટ કરી રહ્યાં હતા. પરંતુ કેટલાક નેતાઓના રીતસર પત્તા કપાતા તેઓ પોતાના પક્ષથી ગીન્નાયા હતા. તેવું જ કંઈક રેશ્મા પટેલના કિસ્સામાં પણ જોવા મળ્યું છે. રેશ્મા પટેલે NCP સાથે છેડો ફાડતા હવે તેમની પાછળ NCPના અન્ય નેતાઓ પણ પક્ષ સાથે છેડો ફાડી રહ્યાં છે. જે સીલસીલામાં આજરોજ સવારે સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ સેજાદખાન જહાંગીરખાન મલીકે પણ રાજીનામું ધરી દીધું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ પદેથી સેજાદખાને રાજીનામું આપતા પત્રમાં લખ્યું છે કે, હું રેશ્માબેન પટેલી પાર્ટીમાંથી અવગણના થઈ હોવાથી NCPના સંગઠનના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી રહ્યો છું. સાથે જ તેમણે કહ્યું છે કે તેમની સાથે તેમની ટીમ પણ રાજીનામું આપી NCP છોડી રહ્યું છે. ત્યારે ગણ્યા-ગાંઠ્યા કાર્યકરો સાથે ગુજરાતમાં ચાલતી NCPને કાર્યકરોના સાંસા પડે તેવી સ્થિતી જોવા મળી રહી છે.








