Tuesday, October 13, 2026
HomeGujaratIAS-IPS કેટલું કમાયા તેની સટાસટ વિગતો એ બોલવા લાગ્યો | શતરંજ-57

IAS-IPS કેટલું કમાયા તેની સટાસટ વિગતો એ બોલવા લાગ્યો | શતરંજ-57

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-57, નવજીવન ન્યૂઝ): બદલીનો ઑર્ડર મળતાં જ બાર વાગ્યા સુધીમાં ડીઆઇજી અક્ષય જૈન પોતાની સીઆઇડી ક્રાઇમની ઑફિસમાં ચાર્જ લેવા આવી ગયા. આવતાની સાથે જ તેમણે ઇન્સ્પેક્ટર વિનોદ પરમારને પોતાની ચેમ્બરમાં નિઝામ કેસના કાગળો સાથે બોલાવ્યા. તેમણે પરમારને બેસવા સુધ્ધાંનું કહ્યું નહીં. જૈન કાગળો જોઈ રહ્યા હતા. પરમાર મનમાં વિચારી રહ્યા હતા કે આ આખો દિવસ કાગળો વાંચશે તેમ છતાં કોઈ ટપ્પી પડવાની નથી. છતાં જૈન ચીવટપૂર્વક કાગળો જોવાનો ડોળ કરતા હતા. તેમની નજર પરમાર તરફ જતાં, તેમને લાગ્યું કે તે પકડાઈ જશે! તેમણે પરમારને કહ્યું, “આપ જાઈએ… કોઈ કામ હોગા તો બુલા લૂંગા. લેકિન યાદ રહે અબ મેરી પરમિશન બિના કુછ મત કરના.” પરમાર સલામ કરી બહાર નીકળ્યા. ગઈ કાલે વિવેક પંતે જે સ્ટેટસ રિપોર્ટ તૈયાર કરી દીધો હતો તે તેમણે સવારે આવતાં જ દિલ્હી મોકલી દીધો હતો, જે તેમને કહેવું જોઈએ નહીં તેવું પરમાર માનતા હતા, એટલે તે સંદર્ભમાં તેમણે કંઈ કહ્યું જ નહીં.

વિનોદ પરમાર ખૂબ ગુસ્સામાં હતા. હવે તેઓ આ કેસ ઉપરાંત બીજા કેસમાં કંઈક કરવું જોઈએ તેવું વિચારીને આવ્યા હતા. રાતભર તેમના મનમાં કઈ રીતે વિવેક પંતની બદલીનો બદલો લેવો તે વાત જ ઘૂમરાયા કરતી હતી. તેની કોઈને ગંધ સુધ્ધાં ન હતી. પરમાર હવે માસ્ટર સ્ટ્રોક મારવાના હતા. અક્ષય જૈને તેમને નવી તપાસમાં આગળ વધતાં પહેલાં પરમિશન લેવાનું કહ્યું હતું, પણ જૂની તપાસ ઉપર બ્રેક મારવાની વાત કરી ન હતી. પોતાની ઑફિસમાં ગયા પછી તેમણે પોતાના રાઇટરને બોલાવી ગાડી લગાવવાની સૂચના આપી. તેઓ ઑફિસમાંથી નીકળી રહ્યા હતા, ત્યારે પરમારના હાથમાં એક સફેદ કાગળનું કવર હતું. ગાડીમાં બેઠા પછી ડ્રાઇવરે પૂછ્યું, “કઈ તરફ? ગોલ્ડન ફાર્મ?” પરમારના રાઇટરે તેમની સામે જોતાં તેમણે કહ્યું, “વૉચમૅન નાગજી રબારીનું એક વધારાનું નિવેદન લેવું છે.” ગાંધીનગરથી ફાર્મ નજીક હોવાને કારણે પંદર મિનિટમાં તેઓ ફાર્મ હાઉસ પહોંચી ગયા. પણ ત્યાં તે ન હતો, તે જે રૂમમાં રહેતો હતો તેની ઓરડી પણ ખાલી હતી. પરમારને ફાળ પડી. નાગજી ક્યાં ગાયબ થઈ ગયો?

- Advertisement -

પરમારે કંઈક વિચાર કરી તરત ફાર્મ હાઉસના માલિક નેમચંદ શાહને ફોન જોડ્યો અને પૂછ્યું, “શેઠ, નાગજીને ક્યાં ભગાડી દીધો છે?” નેમચંદે જવાબ આપ્યો, “ના ના, સાહેબ! મને તો કંઈ જ ખબર નથી. તે છેલ્લા પંદર દિવસથી ફાર્મ હાઉસ આવ્યો જ નથી.” પરમારનો પિત્તો ગયો. તેણે રાડ પાડતાં કહ્યું, “નેમચંદ. તમને પોલીસનો માર ખાવાની ટેવ નથી ને? તો સીધો સવાલ છે, સીધો જવાબ આપો… ક્યાં છે નાગજી?” નેમચંદ રીતસર કગરી પડતા હોય તેમ બોલ્યા, “સાહેબ, તમને નિવેદન આપ્યું તે દિવસથી અમારી મુશ્કેલી વધી ગઈ છે. રોજ કોઈ ને કોઈ પોલીસ-અધિકારી, નેતાઓ, વેપારી અને સંબંધીઓ સુધ્ધાં આવી અમને સમજાવે છે કે, સીઆઇડીએ જબરજસ્તી સ્ટેટમેન્ટ લીધું છે, તેવી ઍફિડેવિટ કરી આપો. પણ સાહેબ, મેં તમને વચન આપ્યું છે એટલે તેમને ના પાડી દીધી.”

“નેમચંદ, તેમાં જ તમારી ભલાઈ છે, જો ખોટી ઍફિડેવિટ કરી તો આરોપી બનાવી દઈશ, પછી આખી જિંદગી સડતા રહેજો જેલમાં. પણ નાગજી ક્યાં છે?” તે વાત ઉપર પરમાર પાછા આવ્યા. ફરી નેમચંદે બહાનાં શરૂ કર્યાં, “સાહેબ, ખરેખર મને ખબર નથી.” પરમારે કહ્યું, “સારું, તમને ખબર નથી ને? કોઈ વાંધો નહીં. હું મારી ઑફિસ પહોંચું છું. તમે મારી ઑફિસ આવી જાવ. હું ગાંધીનગર પોલીસ-ઇન્સ્પેક્ટરને ફોન કરી દઉં છું. તમે તમારો વૉચમૅન ગુમ થયાની ફરિયાદ આપી દો.” બીજી તરફ નેમચંદ શાંત થઈ ગયા. તેઓ કંઈ બોલ્યા જ નહીં. સામે છેડેથી વિનંતીના સૂરમાં અવાજ સંભળાયો : “સાહેબ, જવા દો ને… વેપારી માણસ છીએ.” પરમારને ખબર હતી કે, નાગજીને ક્યાં મોકલી દેવામાં આવ્યો હતો, કારણ કે નિઝામ અને રૂપાને ફાર્મ હાઉસમાં જોનાર તે એક સ્વતંત્ર સાક્ષી હતો. પરમારે પણ નેમચંદ સાથે સહાનુભૂતિ દર્શાવતાં કહ્યું, “મને પણ ખબર છે કે, તમે વેપારી છો. મારે પણ તમને હેરાન કરવા નથી. બીજું કે મેં તમને આ કેસમાં કોઈ પૈસા આપવા પડશે, વ્યવહાર કરવો પડશે, તેવી વાત કરી? હવે આ કેસમાંથી તમે નીકળી જાવ તેવા જ મારા પ્રયાસ છે.” નેમચંદને પરમારની વાત સાચી લાગી હોય તેમ બોલ્યા “સારું, સાહેબ! હું ફાર્મ હાઉસ પહોંચું છું.”

પંદર મિનિટમાં નેમચંદ પણ ત્યાં આવી પહોંચ્યા. તે પોતાની સાથે એક કર્મચારીને લઈને આવ્યા હતા. તેણે ફાર્મ હાઉસ ખોલી અંદરથી ખુરશીઓ બહાર કાઢી ગોઠવી. ત્યાં બેઠા પછી તેમણે કહ્યું, “સાહેબ, ઇન્સ્પેક્ટર કેતન રાજપૂત આવ્યા હતા. તેમણે કહ્યું કે, ‘નાગજીને હમણાં બહાર મોકલી દો’, એટલે મેં મોકલી આપ્યો છે.” પરમારને નાગજી ક્યાં છે તે જાણવું હતું. તે કંઈ બોલ્યા નહીં. ઘણી વખત પોલીસ-અધિકારી શાંત રહે ત્યારે વધારે બીક લાગતી હોય છે. નેમચંદે તેનું સરનામું આપતાં કહ્યું, “મહેસાણાથી પંદર કિલોમીટરે સુરપુર છે, તેનું જ ગામ છે તે ત્યાં છે, ત્યાં ગયો છે.” પરમારે પોતાની આંખો ઝીણી કરતાં પૂછ્યું, “તમે તેને ફોન તો નથી કરી દીધો ને?” નેમચંદે પોતાનો મોબાઇલ ફોન આગળ કરતાં કહ્યું, “જોઈ લો સાહેબ, કોઈ ફોન નથી કર્યો.”

- Advertisement -

પરમારે પોતાના રાઇટરને બોલાવી સુરપુરનું સરનામું આપ્યું અને કહ્યું, “હમણાં જ લઈ આવો, કોઈ માથાકૂટ કરે તો મારી સાથે વાત કરાવી દેજો. શેઠ, નાગજી આવે ત્યાં સુધી આપણે અહીંયાં જ બેસીશું.” નેમચંદને તેમાં કોઈ વાંધો ન હતો. તેણે પોતાના કમર્ચારીને બૂમ પાડી કંઈક ઠંડું લઈ આવવાની સૂચના આપી. પછી બંને વાતે વળગ્યા. નેમચંદને જમીનનો ધંધો હતો. તે પોતાના ધંધાની વાત કરવા લાગ્યા. તેમને ત્યાં રોકાણ કરી કયા કયા પોલીસ-અધિકારીઓ, આઇએએસ ઑફિસરો કેટલું કમાયા તેની વિગતો આપવા લાગ્યા. કેટલાંક નામ પરમાર માટે આઘાત જનક હતાં. તેઓ જેમને પ્રામાણિક અધિકારી માનતા હતા, તેમનાં નામ પણ નેમચંદના લાભકર્તામાં હતાં. ધીરે રહી નેમચંદે પૂછ્યું, “સાહેબ, તમારે પણ કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કહેજો. મારે ઔડાના ચૅરમૅન રીતેશ પટેલ ખરા ને તેમની સાથે વાત થઈ ગઈ છે. તે પણ અમારામાં સાઇલેન્ટ પાર્ટનર છે. રાચરડામાં બે વર્ષ પછી ટીપી પડવાની છે. હમણાં મળતો પાંચસોનો માલ ટીપી પડતાં પાંચ હજારનો થઈ જશે. આપણે ક્યાં ખોટું કરવાનું છે?” પરમાર હસવા લાગ્યા, કહ્યું ઃ “ના શેઠ, હમણાં તો કોઈ ઇરાદો નથી, પણ ઇચ્છા થશે તો જરૂર કહીશ. પણ પછી તો તમે બીજા કોઈ અધિકારી સામે મારું નામ પણ બોલશો ને કે પરમારસાહેબે પણ આપણે ત્યાં રોકાણ કર્યું છે.”

નેમચંદ ઝંખવાણા પડી ગયા. તેમણે કહ્યું: “અરે સાહેબ, તમને જેમનાં નામ આપ્યાં, તે અમસ્તાં આપ્યાં, મારો બીજો કોઈ ઇરાદો ન હતો.” તેમની વાતોમાં ક્યાં બે કલાક પસાર થઈ ગયા, તેની ખબર જ ના પડી. ત્યાં પરમારની ગાડી ફાર્મ હાઉસમાં પ્રવેશી હતી. તેમાં નાગજી પણ હતો. તેણે સુરપુરથી આવતાં કોઈ માથાકૂટ કરી નહીં. સીધો ગાડીમાં બેસી ગયો હતો. પરમારે તેને ‘ડરવાની જરૂર નથી’ તેવું આશ્વાસન આપી, તેનું વધારાનું નિવેદન લેવાની શરૂઆત કરી હતી. જોકે પરમાર જે સવાલો પૂછી રહ્યા હતા, તે સાવ સામાન્ય છે તેવું તેમનો રાઇટર પણ માની રહ્યો હતો, છતાં સાહેબને કોણ કહે! નિવેદન દરમિયાન જ તેમણે પોતાના હાથમાં રહેલું સફેદ કવર ખોલી બે ફોટોગ્રાફ બતાવ્યા અને નાગજીને પૂછ્યું, “આ બંને છોકરા-છોકરીને અહીંયાં રાખવામાં આવ્યાં હતાં?” નાગજી ધ્યાનથી ફોટા જોવા લાગ્યો. વિચાર કરીને તેણે કહ્યું, “હા સાહેબ, રાખ્યાં તો હતાં, પણ લાંબો સમય થઈ ગયો.” નેમચંદ વાંકા વળી ફોટો જોવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, એટલે પરમારે તેમના હાથમાં ફોટા મૂક્યા. નાગજીએ કહ્યું, “સાહેબ, આ બંનેને તો લગભગ બે-ત્રણ વરહ પહેલાં લાવ્યાં હતાં અને પછી લઈ ગયાં હતાં.”

પરમારે સૂચના આપી તે પ્રમાણે ફરી નિવેદન નોંધાયું : “તમે મને જે ફોટાઓ બતાડ્યાં તે છોકરા અને છોકરીને આશરે ત્રણ વર્ષ પહેલાં લાવવામાં આવ્યાં હતાં, જેમને હું જોવાથી ઓળખતો હતો. મારા શેઠ નેમચંદ શાહનો ફોન આવતાં મેં ફાર્મ હાઉસ ખોલી આપ્યું હતું. મને યાદ છે ત્યાં સુધી તેમને લઈ ક્રાઇમ-બ્રાન્ચના સાહેબો આવ્યા હતા, જેમનાં નામની મને હમણાં ખબર નથી.” તેવી જ રીતે નેમચંદ શાહનું પણ વધારાનું નિવેદન નોંધાયું કે “ત્રણ વર્ષ પહેલાં ડીસીપી વછરાજાનીએ મને ફોન કરી કોઈક મહેમાન આવતા હોવાનું જણાવી ફાર્મ હાઉસની માગણી કરી હતી. મેં મારા ચોકીદારને સૂચના આપી હતી, જોકે જે ફોટોગ્રાફ મને બતાવ્યા, તેમને મેં જોયા નથી કારણ કે હું ફાર્મ હાઉસ ઉપર આવ્યો ન હતો.”

- Advertisement -

વિનોદ પરમાર શું કરવા જઈ રહ્યા છે, તેનો અંદાજ તેના રાઇટરને આવી ગયો હતો. જોકે તે કેસને નિઝામ સાથે કોઈ સંબંધ ન હતો, છતાં એક બીજો વિસ્ફોટ થવા જઈ રહ્યો હતો. આખો દિવસ ફાર્મ હાઉસમાં જ પસાર થયો. ઑફિસ પાછા ફરતાં ગાડીમાં રાઇટરે પરમારને પૂછ્યું : “સાહેબ, યાકુબ મેમણવાળી તપાસ આપણી પાસે નથી. આપણે શું કરીશું આ નિવેદનનું?” પરમાર હસ્યા. તેમણે જવાબ આપ્યો : “આપણે કંઈ કરવાનું નથી, પણ જેમણે કરવાનું છે તેમણે તો કરવું પડશે ને?”

ઑફિસમાં આવી તે એક ગુપ્ત રિપોર્ટ તૈયાર કરવા લાગ્યા. તેમણે તે રિપોર્ટ આઇજીપી કેશવ દત્તને ઉદ્દેશી લખ્યો હતો, જેમાં તેમણે તેમને સત્તાવાર જાણકારી આપી હતી. નિઝામ કેસની તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે ત્રણ વર્ષ પહેલાં સરખેજ ચોકડી પાસે યાકુબ મેમણ અને તેની પ્રેમિકા સુલતાનાના થયેલા ઍન્કાઉન્ટરની ઘટના પહેલાં આ બંને વ્યક્તિઓની કસ્ટડી ક્રાઇમ-બ્રાન્ચ પાસે હતી અને તેમને પણ નિઝામ અને રૂપાની જેમ ગોલ્ડન ફાર્મમાં રાખવામાં આવ્યાં હતાં. આ કેસને સીઆઇડી ક્રાઇમ સાથે નિસબત નહીં હોવાને કારણે કેસના સંદર્ભમાં ફાર્મ હાઉસના માલિક નેમચંદ શાહ અને ચોકીદાર નાગજી રબારીનાં વધારાનાં નિવેદન આ પત્ર સાથે સામેલ કર્યાં હતાં. તેમણે બે કવરમાં રિપોર્ટ તૈયાર કર્યો, જેમાં એક કેશવ દત્તા — તપાસકર્તા અમલદારના નામનો અને બીજું કવર આ કેસનું. સુપરવિઝન ગુજરાત હાઇકોર્ટ કરતી હોવાને કારણે રજિસ્ટ્રાર ગુજરાત હાઇકોર્ટ નામનું તૈયાર કરી, સીઆઇડી ક્રાઇમની રજિસ્ટ્રી બ્રાન્ચના ઇનવર્ડ નંબર પડાવી બંને કવર મોકલી આપ્યાં હતાં.

પરમાર જાણતા હતા કે, માત્ર કેશવ દત્તને આ જાણકારી આપવાનો કોઈ અર્થ ન હતો, કારણ કે કેશવ દત્ત સરકારના પટ્ટા બાંધેલા કૂતરા જેવા હતા. તેઓ ભસવાનું ભૂલી જ ગયા હતા. કરડવાની વાત તો દૂરની હતી. જો માત્ર દત્ત સુધી રિપોર્ટ ગયો હોત તો કદાચ તે કચરાટોપલીમાં જ જતો રહેતો, પણ હાઇકોર્ટની નોટિસમાં પત્ર આવશે તો તેની ઉપર ઍક્શન લેવાની ફરજ પડશે તેવી તેમને ખબર હતી. વિવેક પંત સાથે માત્ર એક જ મહિનો કામ કરી પરમાર હોશિયાર થઈ ગયા હતા. તેમને ખબર પડવા લાગી હતી કે, ક્યાં કઈ કૂકરી હિટ કરો એટલે તે ક્યાં જઈ અથડાય.
(ક્રમશ:)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular