નવજીવન ન્યૂઝ. સુરતઃ ગુજરાતમાં આજે રવિવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે. રાજ્યમાં ત્રણ જગ્યા પર GIDCમાં આવેલી કંપનીમાં બ્લાસ્ટની ઘટના સામે આવે છે. સુરત, ખંભાત અને રાજકોટમાં GIDSમાં બ્લાસ્ટ થયો હતો. સુરતની GIDCમાં થયેલા બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે ખંભાત અને રાજકોટના બ્લાસ્ટમાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.
પ્રાપ્ત વિગત અનુસાર, સુરત સચિન GIDCમાં આવેલી અનુપમ રાસાયણ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી હતી. કંપનીમાં જ્વલનશીલ કેમિકલના ડ્રમ ભરેલા હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ લીઘું હતું. ડ્રમ ફાટવાના કારણે ધડાકાભેર અવાજ આવતા સ્થાનીકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આગનો બનાવ બનતા ફાયર વિભાગની 30 ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરુ કર્યું હતું. આ બનાવમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. કંપનીમાં ફસાયેલા 10 લોકોને ફાયર વિભાગે રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા.

રાજકોટમાં મેટોડા GIDCમાં આવેલી પર્વ મેટલ નામની ફેક્ટરીમાં આજે સવારે ધડાકાભેર અવાજ સાથે બ્લાસ્ટની ઘટના બની હતી. કંપનીમાં બોઈલર ફાટતા સ્થાનીકોને ભૂંકપનો અહેસાસ આવી થઈ ગયો હતો. કંપનીમાં બ્લાસ્ટની ઘટના બનતા તંત્ર પણ દોડતું થયું હતું. કંપનીમાં આગ ફાટી નીકળતા ફાટર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે કંપનીના શેડના પતરા પણ ઉડી ગયા હતા. આ બનાવમાં 5 જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
આણંદના ખંભાતની લુણેજ GIDCમાં બ્લાસ્ટ થયાની ઘટના બની હતી. ટેકનિચેમ નામની કંપનીમાં બ્લાસ્ટની ઘટના બની હતી. કંપનીમાં બોઈલર ફાટતાં પ્રચંડ ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. આ બનાવમાં કંપનીના 4 કામદોરો ઈજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોમાંથી બે લોકોને કરમસદ અને બે લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવી કુલીંગ પ્રોસેશ શરૂ કરી છે.








