નવજીવન ન્યૂઝ. સુરતઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election 2022) આડે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ચૂંટણીના મેદાનમાં રોજ નવા દાવપેંચ જોવા મળી રહ્યા છે. જોકે આ વખતની ચૂંટણીમાં સુરત જિલ્લો ખૂબ વિવાદમાં રહ્યો છે. ગઈકાલે સુરતમાંથી સ્ટેટેક્ટીસ ટીમએ એક કારમાંથી મોટી સંખ્યામાં રોકડ રકમ જડપી પાડી હતી. જોકે આ કારમાંથી કોંગ્રેસ પક્ષનું વીઆઈપી પાર્કિગ લખેલું સાહિત્ય પણ મળી આવ્યું હતું. હાલ સમગ્ર બાબતની તપાસ ઈડીને સોંપવામાં આવી છે. ત્યારે પૈસા ભરેલી કાર બાબતે એક નવો વળાંક આવ્યો છે.
સુરતના મહીધરપુરા વિસ્તારમાં સ્ટેટેક્ટીસ ટીમ ચેંકિગ કરી રહી હતી આ દરમિયાન મોડી રાત્રે એક મહારાષ્ટ્ર પાસિંગની ઈનોવા કારને રોકીને તપાસ કરતાં તેમાંથી 75 લાખની રોકડ રકમ મળી આવી હતી. જોકે આ કારમાં કોંગ્રેસ પક્ષનું સાહિત્ય પણ મળી આવ્યું હતું. આ કારમાં ત્રણ લોકો સવાર હતા. જે પૈકી એક વ્યક્તિ ભાગવામાં સફળ થયો હતો. જ્યારે બે વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યા હતા. આટલી મોટી રકમ મળી આવતા પોલીસ અને આવકવેરાની ટીમ પણ તપાસ માટે આવી પહોંચી હતી. પૈસા કોના છે અને કોને આપવાના હતા તે અંગે તપાસ કરવામાં આવી હતી.
કારમાંથી ઝડપાયેલા બે વ્યક્તિમાંથી સુરતના રાંદેર વિસ્તારનો રહેવાસી ઉદય ગૂર્જર છે. ઉદય કોંગ્રેસ સીધો સંકળાયેલો અને રાજસ્થાન PRO યુથ કોંગ્રેસ સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયામાં ઉદયના ફોટો અશોક ગેહેલોત અને રાહુલ ગાંધીની સભામાં પણ હાજર હોવાના સામે આવ્યા છે. બીજીબાજૂ કાર ઝડપાઈ તેના 100 મીટરમાં આવેલા CCTV ચેક કરતા એક ચોંકાવાનારા ફુટેજ પણ સામે આવ્યા છે.
CCTV ફુટેજમાં દેખાતો વ્યક્તિ AICCના સેક્રેટરી બી.એમ.સંદીપ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પૈસા ભરાયલી ગાડી પકડાય તે સમયે પોતે ત્યાં હાજર હોવાનું પુરવાર ન થાય માટે તેમણે રોડ પર ભાગતા જોવા મળી રહ્યા છે. કારમાંથી બી.એમ.સંદીપનું આધાર કાર્ડ પણ મળી આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કેટલાક નેતાઓનું માનવું છે કે, આ પૈસા રાહુલ ગાંધીની મહુવા ખાતે યોજાયેલી સભાના આયોજન માટેના ખર્ચ લાવવામાં આવ્યા હતા. જોકે બી.એમ.સંદીપનું સત્તાવાર નિવેદન હજી સુધી સામે આવ્યું નથી. જોકે કોંગ્રેસ દ્વારા તમામ આરોપો ફગાવી દેવામાં આવ્યા છે.