નવજીવન ન્યૂઝ.સુરત: ભારતીય સંસ્કૃતિમાં વિદ્યાર્થીઓ શિક્ષકોને પૂજનીય અને ઈશ્વરતુલ્ય ગણવામાં આવ્યાં છે. શિક્ષકને વિશ્વના સર્જનકાર તરીકે ગણવામાં આવે છે, ગુરૂ અને શિષ્યો વચ્ચે આત્મીય સંબંધ રહેલો હોય છે. ગુરૂ અને શિષ્યના સંબંધને નવી પરિભાષા આપતાં સુરતના વેડરોડ સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુલ વિદ્યાલયના ગુરૂભક્ત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સંકટના સમયે ગુરૂને અનોખી દક્ષિણા અર્પણ કરી પ્રેરણા પૂરી પાડી છે અને ગુરૂ અને શિષ્યના ઋણાનુબંધને નવી મજબૂતી બક્ષી છે.
વાત એમ છે કે, મૂળ મહારાષ્ટ્રના વતની ગણિત વિષયના શિક્ષક સુરેશભાઈ સાટોટે સુરતના સ્વામિનારાયણ ગુરૂકુલ વિદ્યાલયમાં છેલ્લા ૨૪ વર્ષથી ધો. ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓને ખંત અને પ્રેમથી વિદ્યાભ્યાસ કરાવે છે. થોડા દિવસ પહેલા ચાલુ ક્લાસમાં અભ્યાસ કરાવતી વખતે જ સુરેશભાઈ નર્વસ બ્રેકડાઉન થઈ ગયાં હતા. બેચેનીનો અનુભવ થતાં ખુરશી પર બેસી ગયાં હતાં. આ અંગે જાણ થતાં આચાર્ય અરવિંદભાઈ ઠેસિયાએ તેમને એક રૂમમાં આરામ કરવાની વ્યવસ્થા કરી આપી હતી. એ દિવસે પ્રાથમિક સારવાર મેળવી પણ તબિયત બગડતાં બીજા દિવસે પરિવારજનોએ તેમને INS હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા. જ્યાં તેમને બ્રેઈન ટ્યુમર હોવાનું નિદાન થયું હતું, જેની સારવાર શરૂ કરવામાં આવી હતી.
સુરેશસર બિમાર હોવાની અને હાલ હોસ્પિટલમાં દાખલ છે એવી તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને જાણ થતાં વિદ્યાર્થીઓ ચિંતિત થયાં હતાં. સાયન્સના વિદ્યાર્થીઓને બહુ પ્રેમથી અભ્યાસ કરાવતા હોવાથી પૂર્વ વિદ્યાર્થીઓના હ્રદયમાં તેમના પ્રત્યે અનોખો ગુરૂભાવ સ્થાપિત થયો હતો. એટલે ગુરૂને શક્યત્તમ સહાયરૂપ બનવાની ભાવનાથી વિદ્યાર્થીઓએ પોતાના વોટ્સએપ ગ્રુપમાં આર્થિક સહાય આપવાનો મેસેજ મૂકતા એક દિવસમાં જ રૂ.પાંચ લાખની ગુરૂદક્ષિણા એકઠી થઈ હતી. તમામ ભુતપૂર્વ વિદ્યાર્થીઓ વતી પ્રકાશ રાખોલિયા, વિપુલ વિરાણી, મેહુલ સુતરિયા અને શિક્ષક રમેશભાઈ પટેલ તેમજ આચાર્ય અરવિંદભાઈ ઠેસીયાએ સાથે મળી શિક્ષકના પરિવારને રૂ.પાંચ લાખની રકમ અર્પણ કરી હતી. સાથોસાથ, ગુરૂકુલના મહંત સ્વામી ધર્મવલ્લભદાસજીએ સંતોને તેમના ઘરે મોકલી ગુરૂકુલ દ્વારા રૂ.દોઢ લાખની મેડિકલ સેવા અર્પણ કરી હતી. વિદ્યાર્થીઓએ સુરેશભાઈના જલદી સ્વસ્થ થવાની કામના કરી ભગવદ્દ પ્રાર્થના કરી હતી. ચાર દિવસની સારવાર બાદ તેમને હોસ્પિટલથી રજા આપવામાં આવતા શિષ્યોમાં આનંદની લાગણી પ્રસરી હતી. આમ, શિષ્યોએ ગુરૂના વિકટ સમયમાં અનોખું વિદ્યાઋણ ચૂકવ્યું હતું. શિક્ષક માટે પણ આ ક્ષણ એવી હતી કે તેનું વર્ણન શબ્દોમાં કરવું અઘરું છે કારણ, શિક્ષક પણ એક શિલ્પકાર છે જે વિદ્યા જ નહીં પણ જીવનના ખરા ઘડતર કરીને વિદ્યાર્થીને બેનમૂન શિલ્પમાં તબ્દીલ કરે છે, સુરેશભાઈ માટે પણ આ વિદ્યાર્થીઓ એક બેનમૂન શિલ્પ બનીને સામે આવ્યા તે જોવું ગૌરવપૂર્ણ રહ્યું હશે.
![]() |
![]() |
![]() |











