હરેશ ભટ્ટ (નવજીવન. સુરત): સાત વર્ષની બાળકી પોતાના માતા-પિતા નોકરી પરથી પરત ઘરે ફરે તેની રાહ જોઈ ઘરની બહાર ઊભી હતી. એવા સમયે એક યુવાન ત્યાંથી પસાર થાય છે અને તેને સમોસા ખાવાની લાલચ આપી ત્યાંથી બાળકીનું અપહરણ કરે છે. ઘરથી થોડે દૂર અવાવરુ જગ્યા પર લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરે છે. બાળકીને રડતી હાલતમાં એકલી તરછોડી આ યુવાન નોકરી પર જતો રહે છે. મામલો કડોદરા જીઆઈડીસી પોલીસ સુધી પહોંચ્યો. એ સાથે જ પોલીસની ટીમ કામે લાગી. સીસીટીવી કેમેરાના ફુટેજ જોયા તો બાળકીને લઈ જનારો યુવાન બાળકી સાથે એક જગ્યાએ દેખાયો. જેણે લાલ રંગના બૂટ પહેર્યા હતા. બસ, થઈ રહ્યું. આ વાતને કેન્દ્રમાં રાખી પોલીસે લાલ રંગના બૂટના આધારે આરોપીને પકડી પાડ્યો. જેને કોર્ટે અંતિમ શ્વાસ સુધીની સજા ફરમાવી છે. આવો જાણીએ સંપૂર્ણ વિગતો
આ વાત છે તા. 18-3-2019ની. વરેલી ગામના એક એપાર્ટમેન્ટ નીચે સાત વર્ષીય બાળકી ઊભી રહી હતી અને માતા-પિતાની રાહ જોઇ રહી હતી. સમય હતો રાત્રિના આઠ વાગ્યાનો. બરાબર આ સમયે એક યુવાન આવી બાળકીનું અપહરણ કરી જવામાં સફળ રહે છે. બાળકીએ બૂમાબૂમ કરવાનો પ્રયાસ કર્યો તો મોઢું દબાવી દીધું. બાળકીને સમોસા લઈ દઈ આ યુવાન વરેલી હરિપુરા રોડ પર અવાવરુ જગ્યાએ પહોંચ્યો. જ્યાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યું. બાળકીએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો પણ યુવાને બળજબરી આચરી બાળકીને શાંત કરી દીધી. બાળકી રડતી રહી ‘ને નરાધમ દુષ્કર્મ આચરતો રહ્યો. દુષ્કર્મ આચર્યા બાદ બાળકી રડતી કકડતી હાલતમાં બોલી અંકેલ મુઝે ઘર પે છોડ દો. આ નફ્ફટ યુવાને કહ્યું, મુઝે નોકરી પે જાના હૈ. આમ કહી તે યુવાન બાળકીને એકલી મૂકી જતો રહ્યો.
બીજી બાજુ બાળકીએ હિંમત કરી કપડાં પહેર્યા ‘ને ચાલતી ચાલતી રસ્તા પર પહોંચી. ત્યાંથી બાઇક પર એક યુવાન પસાર થયો. જેણે આ બાળકીને ડરની મારી થર થર કાંપતી ‘ને રડતી જોઈ. યુવાનને દયા આવી. તેમણે બાળકીને પૂછ્યું તો બાળકીએ પોતાના ઘરે મૂકી જવાની વિનંતી કરી. એ સાથે જ સેવાભાવી યુવાન બાળકીને ઘરે મૂકી ગયો.
હવે આ બાળકીના માતા-પિતા પણ નોકરી પરથી ઘરે આવી ચૂક્યા હતા. પોતાની દીકરીને ઘરે હાજર ન જોતાં બન્ને ચિંતાગ્રસ્ત હાલતમાં બાળકીને શોધવાના કામે લાગ્યા. એવામાં બાળકી આવી ગઈ અને પોતાની સાથે જે ઘટના બની તેની જાણકારી પોતાની માતાને આપી. માતા-પિતાએ 108 બોલાવી ઇજાગ્રસ્ત પુત્રીને સ્મીમેર હોસ્પિટલમાં લઈ જઈ પોલીસને જાણ કરી હતી.
કડોદરા જીઆઈડીસી પોલીસ મથકની હદમાં આ બનાવ બન્યો હતો. જેથી કડોદરા પોલીસ મથકની ટીમ આરોપીને શોધવાના કામે લાગી. ડીવાય.એસ.પી. રૂપાબહેને તપાસનો દોર સંભાળતાની સાથે જ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. જેમાં સીસીટીવી કેમેરામાં આ યુવાન બાળકી સાથે જોવા મળ્યો. જેણે લાલ રંગના બૂટ પહેર્યાં હતા. પોલીસે લાલ રંગના બૂટના આધારે તપાસ કરી બળાત્કારી યુવાન વિકાસ ઉર્ફે વિક્કી ચંદ્રદેવ રાજવંશીને પકડી પાડ્યો હતો. જેની સામેના તબીબી, વૈજ્ઞાનિક પુરાવા ઢગલા મોઢે એકત્ર કરી કોર્ટમાં રજૂ કરતા જજે વિકાસ ઉર્ફે વિક્કીને અંતિમ શ્વાસ સુધીની સજા ફરમાવી હતી.
આધુનિક ટેક્નોલોજી સાથે માનવીય સાથનો સમન્વય થાય ત્યારે જ ડિટેક્શન થાય છે
સુરત રેન્જના આઈજીપી ડો. એસ.પી. રાજકુમારે (રાજકુમાર પાંડિયન) કહ્યું હતું કે માત્ર આધુનિક ટેક્નોલોજીથી આરોપી સુધી પહોંચી શકાતું નથી. આધુનિક ટેક્નોલોજીનો લાભ લઈ કેટલીક વિગતો મેળવી શકાય છે જે વિગતોના આધારે સ્થાનિક માણસો-બાતમીદારોનો સંપર્ક કરવામાં આવે છે. આ રીતે આધુનિક ટેક્નોલોજી અને માનવીય સાથ મળે ત્યારે જ આરોપી સુધી પહોંચી શકાય છે.
![]() | ![]() | ![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.