Sunday, May 24, 2026
HomeGujaratSuratસુરતમાં કાળજું કંપાવતી ઘટના: 13મા માળેથી માતાએ 2 વર્ષના દીકરાને ફેંક્યો, 12...

સુરતમાં કાળજું કંપાવતી ઘટના: 13મા માળેથી માતાએ 2 વર્ષના દીકરાને ફેંક્યો, 12 સેકન્ડ બાદ પોતે પણ લગાવી મોતની છલાંગ

- Advertisement -

સુરતના અલથાણ વિસ્તારની માર્તન્ડ હિલ્સ સોસાયટીમાં બનેલી હચમચાવી દેતી ઘટના.

લૂમ્સ કારખાનેદારની પત્નીએ 2 વર્ષના માસૂમ પુત્ર સાથે 13મા માળેથી કૂદી જીવન ટૂંકાવ્યું.

પહેલા પુત્રને ફેંક્યો અને 12 સેકન્ડ પછી પોતે પડતું મૂક્યું, સમગ્ર ઘટના CCTVમાં કેદ.

દુર્ઘટના સોસાયટીમાં સ્થાપિત ગણપતિ દાદાની મૂર્તિથી માત્ર 20 ફૂટ દૂર બની.

નવજીવન ન્યૂઝ.સુરતઃ ગણેશોત્સવના તહેવાર વચ્ચે સુરત શહેરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને સ્તબ્ધ કરી દેનારી ઘટના સામે આવી છે. શહેરના પોશ ગણાતા અલથાણ વિસ્તારની માર્તન્ડ હિલ્સ સોસાયટીમાં રહેતા એક પાટીદાર કારખાનેદારની પત્નીએ પોતાના બે વર્ષના માસૂમ પુત્ર સાથે 13મા માળેથી પડતું મૂકી આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

surat news
surat news

12 સેકન્ડનું અંતર: CCTVમાં કેદ થયેલી કરુણાંતિકા

- Advertisement -

આપઘાતની આ સમગ્ર ઘટના સોસાયટીના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ કાળજું કંપાવી દે તેવા છે. મૂળ મહેસાણાના અને લૂમ્સનું કારખાનું ધરાવતા વિલેષભાઈ પટેલના પત્ની પૂજાબેન (ઉંમર 30), પોતાના બે વર્ષના પુત્ર ક્રિશિવને લઈને બિલ્ડીંગની C વિંગમાં ગયા હતા. ત્યાં 13મા માળે પહોંચીને તેમણે પહેલા પોતાના પુત્ર ક્રિશિવને નીચે ફેંકી દીધો અને તેના માત્ર 12 સેકન્ડ બાદ તેમણે પોતે પણ મોતની છલાંગ લગાવી દીધી હતી.

Surat na samachar
Surat na samachar

સુખી સંપન્ન પરિવારમાં માતમ

પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, પટેલ પરિવાર માર્તન્ડ હિલ્સની A વિંગના છઠ્ઠા માળે રહેતો હતો અને સુખી સંપન્ન જીવન જીવી રહ્યો હતો. પૂજાબેન C વિંગમાં કોઈ દરજી પાસે કપડાનું સ્ટીચિંગ કામ કરાવવાના બહાને ગયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, તેમણે દરજીના ઘરનો બેલ વગાડ્યો હતો, પરંતુ દરવાજો બંધ હોવાથી અને આસપાસ કોઈ ન હોવાનો લાગ મળતા તેમણે આ અંતિમ પગલું ભરી લીધું હતું. આ ઘટનાએ પતિ વિલેષકુમાર અને સમગ્ર પરિવારને ઊંડા આઘાતમાં ગરકાવ કરી દીધો છે.

- Advertisement -
surat news
surat news

તહેવારનો ઉમંગ પળવારમાં માતમમાં ફેરવાયો

સૌથી કરુણ બાબત એ છે કે માતા અને પુત્રના મૃતદેહ સોસાયટીમાં ગણેશ સ્થાપન માટે બનાવેલા પંડાલથી માત્ર 20 ફૂટના અંતરે જ પડ્યા હતા. આ ઘટનાને પગલે સોસાયટીનો તહેવારનો આનંદમય માહોલ પળવારમાં માતમમાં ફેરવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જોકે, માતા-પુત્રને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું અને ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.

પોલીસ તપાસ શરૂ, કારણ અકબંધ

- Advertisement -

અલથાણ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે સોસાયટીના CCTV ફૂટેજ કબ્જે કર્યા છે, જેમાં માતા-પુત્ર લિફ્ટમાં 13મા માળે જતા સ્પષ્ટ દેખાય છે. હાલ મામલતદારની હાજરીમાં બંને મૃતદેહોનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પરિવારજનોના નિવેદન લીધા બાદ જ આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણી શકાશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular