Monday, October 5, 2026
HomeNationalCEC જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ પર સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ આપવાનો...

CEC જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ પર સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો, ECI સહિત અન્યને નોટિસ

- Advertisement -

Supreme court CEC Gyanesh Kumar vote chor SIR Protest resignation Delhi Jantarmantar: સુપ્રીમ કોર્ટે સોમવારે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરતી અરજી પર એકતરફી વચગાળાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટનું કહેવું હતું કે Special Intensive Revision (SIR) સાથે જોડાયેલા કેટલાક નિર્ણયો એકતરફી રીતે લેવામાં આવ્યા હોવાના આક્ષેપો અંગે પહેલાં ચૂંટણી પંચ અને અન્ય પ્રતિવાદીઓનો જવાબ મેળવવો જરૂરી છે.

ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જૉયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠે અરજી પર કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ (ECI), CEC જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશનર ડૉ. સુખબીર સિંહ સંધૂ અને ડૉ. વિવેક જોશી, ડેપ્યુટી ચૂંટણી કમિશનર મનીષ ગર્ગ તથા DG (IT) સીમા ખન્નાને નોટિસ પાઠવી છે.

- Advertisement -

આ અરજી The Indian Expressના એક અહેવાલ બાદ દાખલ કરવામાં આવી હતી. તેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે SIR સાથે જોડાયેલા 14 મહત્વપૂર્ણ નિર્ણયો ECIના નામે CEC જ્ઞાનેશ કુમાર દ્વારા લેવામાં આવ્યા હતા, જ્યારે અન્ય બે ચૂંટણી કમિશનરોએ આ નિર્ણયો સામે વાંધો નોંધાવ્યો હતો. અરજીકર્તા રાકેશ કુમાર સિંહ તરફથી હાજર સિનિયર એડવોકેટ વિકાસ સિંહે કહ્યું હતું કે CECની નિમણૂક સાથે જોડાયેલા કાયદાને પડકારતો મામલો મોટી ખંડપીઠ સમક્ષ પેન્ડિંગ છે. તેમના કહેવા મુજબ, હાલની સ્થિતિમાં કેટલાક વચગાળાના પગલાં જરૂરી છે, કારણ કે નાગરિકોમાં તેમના મતાધિકારને લઈને ચિંતા ઊભી થઈ રહી છે.

વિકાસ સિંહે CEC Actની કલમ 18નો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ચૂંટણી પંચના નિર્ણયો શક્ય હોય ત્યાં સુધી સર્વસંમતિથી લેવાવા જોઈએ અને સર્વસંમતિ ન હોય તો બહુમતીના આધારે નિર્ણય લેવો જોઈએ. તેમણે CEC Actની કલમ 16નો પણ ઉલ્લેખ કર્યો હતો, જે સત્તાવાર ફરજના નિર્વહન સાથે જોડાયેલા કૃત્યો માટે CECને કાયદાકીય સુરક્ષા આપે છે.

અરજીકર્તા તરફથી CECને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો વચગાળાનો આદેશ આપવા માંગ કરવામાં આવી હતી. દલીલ કરવામાં આવી હતી કે મામલો ગંભીર છે અને તેની અસર લોકશાહી વ્યવસ્થાના પાયે પડી શકે છે. આ દરમિયાન ખંડપીઠે સવાલ કર્યો હતો કે જો CECને સસ્પેન્ડ કરવામાં આવે તો ચૂંટણી પંચનું કામકાજ કોણ સંભાળશે અને “ચૂંટણી કોણ કરાવશે?” તેના જવાબમાં વકીલે સૂચન કર્યું હતું કે આવી સ્થિતિમાં અન્ય બે ચૂંટણી કમિશનર પંચનું કામકાજ સંભાળી શકે છે.

- Advertisement -

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોઈપણ આદેશ પહેલાં સંબંધિત પક્ષોનો જવાબ લેવો જરૂરી છે. CJI સૂર્યકાંતે કહ્યું કે કાયદો ફરજિયાત છે અને કોર્ટ અપેક્ષા રાખે છે કે તેનું પાલન કરવામાં આવે. જો કાયદાનું ઉલ્લંઘન થયું હોવાનું સામે આવશે તો કોર્ટ સંબંધિત નિર્ણયોને રદ કરી શકે છે. જસ્ટિસ જૉયમાલ્ય બાગચીએ પણ સવાલ કર્યો હતો કે પ્રતિવાદીઓને સાંભળ્યા વિના એટલે કે ex-parte આ પ્રકારનો આદેશ આપી શકાય કે નહીં. તેમણે કહ્યું હતું કે જો રેકોર્ડ પરથી સામે આવે કે કોઈ નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો નહોતો, તો કોર્ટ તે નિર્ણય પર રોક લગાવી શકે છે. જોકે, માત્ર તમામ નિર્ણયો એકતરફી રીતે લેવામાં આવ્યા હોવાના અહેવાલના આધારે પ્રતિવાદીઓને સાંભળ્યા વિના નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નહીં હોય.

અરજીકર્તા તરફથી દલીલ કરવામાં આવી હતી કે ચૂંટણી પંચની પ્રેસ રિલીઝ પણ મીડિયા રિપોર્ટમાં સામે આવેલા તથ્યોની પુષ્ટિ કરે છે. તેના પર CJI સૂર્યકાંતે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ માત્ર અખબારમાં પ્રકાશિત અહેવાલના આધારે આદેશ આપી શકે નહીં. ત્યારબાદ ખંડપીઠે અરજી પર નોટિસ જારી કરી હતી. સુપ્રીમ કોર્ટે એડવોકેટ શૈલેન્દ્ર મણિ ત્રિપાઠી તરફથી દાખલ કરવામાં આવેલી સંબંધિત અરજી પર પણ નોટિસ જારી કરી હતી. આ મામલે સિનિયર એડવોકેટ મેનકા ગુરુસ્વામી હાજર થયા હતા. આ અરજીમાં કથિત રીતે એકતરફી રીતે લેવામાં આવેલા 14 SIR સંબંધિત નિર્ણયો રદ કરવાની તેમજ સ્વતંત્ર ન્યાયિક તપાસ પંચ અથવા SITની રચના કરવાની માંગ કરવામાં આવી છે. આ તપાસની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ પાસે કરાવવાની તથા તેમાં સાયબર સિક્યોરિટી અને IT નિષ્ણાતોને સામેલ કરવાની માંગ કરવામાં આવી છે.

અરજીમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે SIR પ્રક્રિયા દરમિયાન 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીમાંથી આશરે 13 કરોડ નામ દૂર કરવામાં આવ્યા છે. અરજીકર્તાએ આ મામલે ECINet અને ERONet ડેટાબેઝના ફોરેન્સિક ઓડિટની માંગ કરી છે. જોકે, આ દાવાઓ હાલમાં અરજીકર્તાઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો છે અને સુપ્રીમ કોર્ટે આ અંગે હજુ કોઈ અંતિમ નિષ્કર્ષ આપ્યો નથી.

- Advertisement -

અરજીમાં જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 32 હેઠળ CEC જ્ઞાનેશ કુમાર, વરિષ્ઠ ડેપ્યુટી ચૂંટણી કમિશનર મનીષ ગર્ગ, DG (IT) સીમા ખન્ના સહિત સંબંધિત અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી કાર્યવાહી શરૂ કરવાની માંગ પણ કરવામાં આવી છે. અરજીમાં Form 6માં કથિત અનધિકૃત ફેરફાર, મતદાર યાદીના ડેટાબેઝનું કેન્દ્રીકરણ, ECINet મારફતે પાત્ર મતદારોના નામ પુનઃસ્થાપિત ન કરવા અને પશ્ચિમ બંગાળમાં મતદાર નોંધણી સાથે જોડાયેલી 16.10 લાખ અપીલ સહિતના મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા છે. હાલમાં સુપ્રીમ કોર્ટે CEC જ્ઞાનેશ કુમારના સસ્પેન્શન અંગે કોઈ વચગાળાનો આદેશ આપ્યો નથી અને સંબંધિત પક્ષો પાસેથી જવાબ માંગ્યો છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular