નવજીવન.ચંદીગઢ: વર્ષ 1994માં ટ્રિપલ મર્ડરના આરોપી પંજાબ પોલીસના પૂર્વ અધિકારી સુમેધ સિંહ સૈની સોમવારે સીબીઆઈ કોર્ટની વર્ચ્યુઅલ સુનાવણીમાં હાજરી આપી હતી. આ દરમિયાન તે પલંગ પર સૂતો હતો. તેના વર્તન પર નારાજગી વ્યક્ત કરતા કોર્ટે ચેતવણી આપી હતી. વિશેષ CBI ન્યાયાધીશ સંજીવ અગ્રવાલે સુમેધ સૈનીને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યવાહીમાં ભાગ લેતી વખતે ધ્યાનમાં રાખવા જણાવ્યું હતું કે ભવિષ્યમાં આ પ્રકારની હરકત ના થવી જોઈએ. તેમજ કોર્ટની ગરિમા જાળવવી.
આ અંગે સુમેધ સિંહ સૈનીએ જણાવ્યું હતું કે તેમની તબિયત ખરાબ છે. તેને તાવ હતો. જોકે, તેણે કોર્ટમાં આ અંગે મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું ન હતું. જણાવી દઈએ કે સુમેધ સૈની અને અન્ય ત્રણ પોલીસકર્મીઓ પર 1994માં લુધિયાણામાં ત્રણ લોકો વિનોદ કુમાર, અશોક કુમાર અને તેમના ડ્રાઈવર મુખત્યાર સિંહના અપહરણ અને હત્યાનો આરોપ છે.
સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે સુમેધ સૈનીએ અન્ય આરોપી પોલીસકર્મીઓ સુખ મોહિન્દર સિંહ સંધુ, પરમજીત સિંહ અને બલબીર ચંદ તિવારી સાથે મળીને પંજાબમાં ઓટોમોબાઈલ ડીલરશીપ વિરુદ્ધ કાવતરું ઘડ્યું હતું. વિનોદ અને અશોક સૈની મોટર્સના મુખ્ય ફાઇનાન્સર હતા.