નવજીવન ન્યૂઝ. નર્મદા: ગુજરાતમાં સરદાર સરોવર ડેમ પર સ્ટેચ્યું ઑફ યુનિટી(Statue of Unity) બન્યા બાદ કેવડીયા હાલમાં પ્રવાસન માટેનું એક અગત્યનું સ્થળ માનવમાં આવે છે, પણ એક એવી કહેવત છે જ્યાં ‘પાપ છાપરે ચઢી પોકારે.’ તેવી જ રીતે સ્ટેચ્યું ઑફ યુનિટી ખાતે પણ હવે ટિકિટના નામે છેતરપિંડી કરવાની ઘટના સામે આવી છે. અગત્યની વાત એવી છે કે, છેતરપિંડી ગ્રાહક સાથે નથી થઈ, પરંતુ સ્ટેચ્યું ઑફ યુનિટીના પ્રશાસન સાથે થઈ છે, જેમાં એક પ્રવાસીએ નકલી ટિકીટ બનાવી ઘુસવા પ્રયાસ કર્યો હતો પરંતુ અધિકારીની સતર્કતાને કારણે તેનો ભાંડો ફૂટી ગયો હતો.
શું હતી ઘટના?
30 ડિસેમ્બરના રોજ જ્યારે સ્ટેચ્યું ઑફ યુનિટીના જનપ્રતિનિધિ રાહુલ પટેલ આદિવાસી કેફેટેરિયામાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે પ્રાંજલી લાડ નામના એક પ્રવાસી પાસે એક જ ટિકિટ છે અને તેમની સાથે અન્ય 7 પ્રવાસીઓ હતા. જેના કારણ તેમને દાળમાં કંઈક કાળુ હોવાની શંકા ઉપજી હતી અને ચકાસણી કરી હતી. અગત્યની વાત એ છે કે સ્ટેચ્યું ઑફ યુનિટીની વેબસાઈટ પર જ્યારે પણ ટિકિટ બુક કરવામાં આવે ત્યારે એક સાથે માત્ર છ વ્યક્તિઓની જ ટિકિટ બુક થઈ શકે છે. જેના કારણે રાહુલ પટેલને શંકા જતાં તેમણે પ્રવાસી પાસેથી ટિકિટ માગી હતી. ટિકીટ જોતા જ પ્રવાસીઓના કારસ્તાનનો ભાંડો ફૂટી ગયો હતો.
કેવી રીતે ચોરી પકડાઈ?
પ્રવાસીઓ પાસે રહેલી શંકાસ્પદ ટિકીટને ચેક કરતા ખુલ્યું હતું કે તે ટિકીટ નકલી છે. પ્રવાસીઓ પાસે રહેલી ટિકીટની વધુ તપાસ કરતા સમજાયું હતું કે, અસલ ટિકીટમાં સુધારો કરી નકલી ટિકીટ બનાવવામાં આવી હતી. બોગસ ટિકીટના આ મામલે પોલીસ બોલાવી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે સ્ટેચ્યુ ઑફ યુનિટીને ચૂનો ચોપડી રહેલા પ્રવાસી પ્રાંજલી લાડ અને બોગસ ટિકીટ બનાવવામાં જેના નામ ખુલે તેમની સામે આઈપીસીની કલમ 420, 465, 471 આઇટી એકટની કલમ 66(ડી) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રવાસીએ શું ધ્યાન રાખવું જોઈએ?
સ્ટેચ્યુ ઑફ યુનિટીના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી અને સંલગ્ન પ્રવાસિય પ્રોજકટના પ્રવાસનું આયોજન કરો ત્યારે અમારી વેબસાઈટ www.soutickets.in પરથી જ ટીકિટ બૂક કરાવવાનો આગ્રહ રાખે, અને અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન statue of unity ticket official પરથી પણ ટીકિટ બૂક કરાવી શકાશે. વધુ માહિતી મેળવવા માટે ટોલ ફ્રી નંબર – 1800 233 6600 પર ફોન કરી શકો છો( મંગળવાર થી રવિવાર,સવારે 8.00 થી સાંજે 6.00 સુધી ).’ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, પ્રવેશ સ્થળે અત્યાધુનિક મશિનરી દ્વારા ટીકિટ પર છપાયેલ બારકોડ સ્કેન થાય છે અને અત્રે ખાસ તાલીમ પ્રાપ્ત કર્મચારીઓ રાઉન્ડ ધી કલોક પ્રત્યેક ટીકિટ સ્કેન કરતા હોય છે એટલે છેડછાડ કરેલ ટીકિટ અથવા તો ડુપ્લીકેટ ટીકિટ તુરંત જ પ્રકાશમાં આવી જાય છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796