ઈબ્રાહીમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): જગતના સૌથી મોટા સોયાબીન ઉત્પાદક અને નિકાસકાર બ્રાઝિલની સરકારી એજન્સી કોનાબએ ઉત્પાદનનો નવો અંદાજ, જાન્યુઆરીના ૧૪૦૫ લાખ ટનથી ઘટાડીને ૧૨૫૪ લાખ ટન મૂક્યો છે. પણ ગુરુવારે મોડેથી એવી અફવા ચગી હતી કે ચીને સોયાબીન આયાતના કેટલાંક બ્રાઝિલિયન સોદા રદ્દ કર્યા છે. શિકાગો બોર્ડ ઓફ ટ્રેડના સોયાબીન કોમ્પ્લેકસ પર માર્ચ વાયદો નફાબુકિંગમાં શુક્રવારે ઘટીને ૧૫.૬૮ ડોલર મુકાયો હતો. દક્ષિણ અમેરિકામાં દુષ્કાળગ્રસ્ત સોયાપાકની ચિંતાઓ વધારી દેતા ઓગસ્ટ ૨૦૧૨ની નજીક જવા અગ્રેસર આ વાયદો ગુરુવારે એક તબક્કે ૧૬.૨૮ ડોલર પ્રતિ બુશેલ (૨૭.૨૧૮ કિલો) હતો.
સામાન્ય રીતે કોનાબ ખૂબ જ રૂઢિચુસ્ત આંકડા રજૂ કરતી હોય છે, પણ ઉકત આંકડાએ ઘણા ટ્રેડરોની આંખ પહોળી કરી દીધી હતી. અમેરિકન કૃષિમંત્રાલયે પણ લા-નિનોની અસર હેઠળના બ્રાઝીલના ૨૦૨૨ના સોયાપાકનો અંદાજ, જાન્યુઆરી કરતાં ૫૦ લાખ ટન ઘટાડીને ૧૩૪૦ લાખ ટન મૂક્યો હતો. આર્જેન્ટિનાનો ૧૫ લાખ ટન ઘટાડીને ૫૪૦ લાખ ટન, તેમજ પેરુગવેનો ૨૨ લાખ ટન ઘટાડીને ૬૩ લાખ ટન મૂક્યો હતો.
કેટલાંક ટ્રેડરોનું માનવું છે કે બ્રાઝીલના પાકની પોલ, અમેરિકન નિકાસ તુલામાં મોટી ઊંચનીચ કરશે. ચીનની આયાત માંગ ઘટી હોવાની નોંધ હજુ સુધી આ ગણતરીમાં લેવાઈ નથી. પણ જાગતિક ટ્રેડરો હજુ પણ અમેરિકાના જૂના સોયાપાકને આધાર બનાવીને જ ટ્રેડ કરી રહ્યા છે. આથી જો બ્રાઝિલનો પાક ધારણા કરતાં વધુ નબળો આવશે તો અમેરિકન બિઝનેસ અને ભાવ બન્નેને ઉપર જવાની તક રહેશે.
ટ્રેડરોનું માનવું છે કે યુએસડીએ હવે પછી પાકમાં વધુ ઘટાડો કરશે. કેટલાંક એનાલિસ્ટોએ તો આ અગાઉ જ કહ્યું હતુ કે બ્રાઝીલના દક્ષિણ વિસ્તારમાં દુષ્કાળની સ્થિતિ વધુ ખરાબ હોવાથી ઉત્પાદન ઘટીને ૧૨૫૦ લાખ ટન જ અંદાજયું હતું. યુએસડીએ એ જાગતિક સોયાબીન વર્ષાન્ત સ્ટોક ૯૫૨ લાખ ટનથી ઘટાડીને ૯૨૮.૩ લાખ ટન મૂક્યો હતો. અલબત્ત, બજારના અનુમાન ૯૧૫.૧ લાખ ટન કરતાં વધુ છે.
કૂલ વૈશ્વિક સોયાબીન નિકાસ બજારમાં બ્રાઝિલનો હિસ્સો છેલ્લા ૧૦ વર્ષમાં ૪૦ ટકાથી વધીને આજે ૫૫ ટકાની ઊંચાઈએ પહોંચ્યો છે. બ્રાઝિલમાં દુષ્કાળ છતાં અમેરિકા કરતાં ૬૦ ટકા વધુ નિકાસદર હાંસલ કરશે. બ્રાઝીલના સોયાબીનની જબ્બર માંગને પગલે છેલ્લા એક દાયકામાં એક તરફ વાવેતર બમણું થયું બીજી તરફ ઉત્પાદકતામાં પણ વ્યાપક વધારો કરવામાં સફળતા મળી છે. ૨૦૧૭-૧૮માં પહેલી વખત બ્રાઝિલે, અમેરિકા કરતાં વધુ લણણી કરીને ઇતિહાસ રચ્યો હતો.
છેલ્લા ૧૦ વર્ષમાં અમેરિકન નિકાસમાં ૫૦ ટકાનો વધારો થયો છે, પણ વૈશ્વિક સોયાબીન બજારમાં આ ગાળા દરમિયાન ધરખમ બદલાવો આવ્યા હતાં. આ ગાળામાં અમેરિકન સપ્લાય ૩૫૦૦ લાખથી ૩૨૫૦ લાખ બુશેલ જેટલી ઘટી હતી, શક્યતા એવી પણ છે કે આ ઘટાડો વધુ આગળ વધશે. યુએસડીએ એ વર્તમાન મોસમમાં સોયાબીનના વાર્ષિક સરેરાશ ભાવ બુશેલ દીઠ ૪૦ સેંટ વધારી ૧૩ ડોલર કર્યા છે. તેણે સોયા ખોળના ભાવ ટન દીઠ ૩૫ ડોલર વધારી ૪૧૦ ડોલર અને સોયાતેલ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) વધારીને ૬૬ સેંટ અંદાજયા છે.
જો કે ટ્રેડરોને અમેરિકન સોયાપાક વિષે જાણવામાં વધુ રસ હોય છે, પણ આ વખતે ધ્યાન દક્ષિણ અમેરિકા તરફ વધુ કેન્દ્રિત હતું. ખરાબ હવામાનને લીધે છેલ્લા કેટલાંક દિવસથી બજાર તેજીધ્યાને સોયા કોમ્પલેક્સને ડિસ્કાઉન્ટ કરી રહ્યું હતું. આ બધી ઘટનાઓને આધારે કહી શકાય કે જાગતિક વર્ષાન્ત સ્ટોકનો અંદાજ, માંગની તુલનાએ ૮ વર્ષના તળિયે જશે. પણ જો ચીનની આયાત માંગ ધીમી પડશે, તો આ અનુમાન થોડા હળવા થઈ શકશે.
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












