નવજીવન ન્યૂઝ.ભુજ/કચ્છ: ગુજરાતમાં દારૂબંધીના અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ પશ્ચિમ કચ્છમાં અત્યાર સુધીની એક મોટી રેડ કરી છે. SMCના અધિકારીઓએ બાતમીના આધારે ભુજ તાલુકાના વડવાળા ગામની સીમમાં દરોડા પાડીને વિદેશી દારૂનું મસમોટું કટિંગ પકડી પાડ્યું છે. પોલીસે ઘટનાસ્થળ પરથી 56 હજારથી વધુ દારૂની બોટલો સાથે કુલ રૂપિયા 5 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહીને પગલે કચ્છના બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.
ખેતરમાં ધમધમતું હતું દારૂનું કટિંગ
SMCના PSI એસ.વી. ગળચર અને તેમની ટીમે 20 ફેબ્રુઆરી, 2026ના રોજ પશ્ચિમ કચ્છના ભુજ તાલુકાના વડવાળા ગામના સર્વે નંબર 39માં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ત્યાં દારૂનું કટિંગ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL)ની કુલ 56,088 બોટલો જપ્ત કરી છે. આ દારૂની કિંમત જ રૂપિયા 4,00,85,270 (ચાર કરોડ પંચાસી હજાર બસો સિત્તેર) થાય છે.
2 આરોપી ઝડપાયા, 23 વોન્ટેડ
પોલીસે સ્થળ પરથી બે આરોપીઓ – જસરામ જગા ભરવાડ (રહે. રાપર) અને વિશાલ બિરેન કરમકામ (રહે. મેઘપર, બોરીચી) ને ઝડપી લીધા છે અને પદ્ધર પોલીસ સ્ટેશનને સોંપ્યા છે. જ્યારે આ રેકેટ ચલાવનારા મુખ્ય સૂત્રધારો સહિત કુલ 23 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.
કુખ્યાત અને લિસ્ટેડ બુટલેગરો સામે ગુનો દાખલ
આ દરોડામાં કચ્છના નામચીન અને લિસ્ટેડ બુટલેગરોની સંડોવણી ખુલી છે. પોલીસે જેમને વોન્ટેડ જાહેર કર્યા છે તેમાં નીચેના લિસ્ટેડ બુટલેગરોનો સમાવેશ થાય છે:
- નવજોત ઉર્ફે નવઘણ રાજગોર મહારાજ (રહે. ગણેશનગર, ભુજ)
- અનોપસિંહ અભેસિંહ રાઠોડ (રહે. કેરા, ભુજ)
- દેવેન્દ્ર ઉર્ફે દેવો ખોડીદાસ કાપડી (રહે. ગાંધીધામ)
આ ઉપરાંત હરિયાણાના મેવાતથી દારૂ સપ્લાય કરનાર મુસ્તફા ઉર્ફે રાહુલ ઉર્ફે મહાકાલ જબ્બારખાન પઠાણનું નામ પણ ગુનામાં ખૂલ્યું છે.
કુલ 5.09 કરોડનો મુદ્દામાલ જપ્ત
પોલીસે દારૂ ઉપરાંત દારૂની હેરાફેરીમાં વપરાયેલા મોટા વાહનો પણ જપ્ત કર્યા છે.
- દારૂની કિંમત: ₹ 4,00,85,270
- વાહનો: 2 ટાટા ટ્રક, 3 ટાટા મિની ટ્રક અને 1 મહિન્દ્રા પીકઅપ (કુલ 6 વાહનો, કિંમત ₹ 1,08,21,000)
- અન્ય: 2 મોબાઈલ અને તાડપત્રી.
- કુલ મુદ્દામાલ: ₹ 05,09,06,270/-
આ સમગ્ર મામલે પદ્ધર પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (BNS-2023)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વોન્ટેડ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.








