Thursday, May 16, 2024
HomeEducation Newsશું બાયજૂસ બાળકો માટે સબસ્ક્રાઈબ કરવું જોઈએ કે નહીં?

શું બાયજૂસ બાળકો માટે સબસ્ક્રાઈબ કરવું જોઈએ કે નહીં?

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): છેલ્લા દાયકામાં જે રીતે દુનિયા બદલાઈ રહી છે તે પ્રમાણે કેટલાંક બિઝનેસને ચાંદી-ચાંદી થઈ ગઈ છે. તેમાં એક છે ઓનલાઈન લર્નિંગ એપ્સ (E Learning App) . તેમાં પણ આ બિઝનેસમાં ડગ માંડનારાંઓમાં તમે પહેલા વહેલા હોય તો તે કંપનીઓ ટૂંકા ગાળામાં કરોડો કમાતી થઈ છે. બાયજુસનું (BYJU’S) નામ પણ તેમાં આવે છે. બાયજુસ કંપનીની શરૂઆત હજુ તો 2015માં થઈ હતી અને 2021 આવતાં-આવતાં તો આ કંપની એક લાખ કરોડની થઈ ગઈ. બાયજુસ કંપનીની શરૂ થઈ તે અગાઉ 2011માં જ તે માટેના પ્રયોગો થવા માંડ્યા હતા. બાયુજસના કર્તાહર્તા દંપતી બાયજુ રવીન્દ્રન અને દિવ્યા ગોકુલનાથ છે. તેમણે પ્રથમ ‘થિન્ક એન્ડ લર્ન પ્રાઇવેટ લિમિટેડ’ નામની કંપની બનાવી હતી. તે વખતે એક નાનકડાં ગ્રૂપને આ દંપત્તી શિક્ષણ આપતાં હતાં. બાયજુસ જેના નામથી આ લર્નિંગ પ્લેટફોર્મ પ્રચલિત છે તે બાયજુ રવીન્દ્રન એન્જિનિયર છે અને 2006થી તે ગણિતના કોચિંગ ક્લાસ ચલાવતો હતો. આ રીતે ખૂબ મર્યાદિત રીતે બાયજુસની શરૂઆત થઈ; પરંતુ સમય સાથે આ કંપની એટલી જાયન્ટ બની કે ઇન્ડિયન ક્રિકેટ ટીમના જર્સીના પાંચ વર્ષ સુધી તેનું નામ ચમકે તે માટેનો કોન્ટ્રાક્ટ બાયજુસને મળ્યો! આ ઉપરાંત શાહરૂખ ખાન પણ બાયજુસનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો.

Byjus Online Learning APP
Byjus Online Learning APP

બાયજુસની આ કહાની અદ્વિતિય છે અને તેના મૂળ આઇડિયાને ટેક્નોલોજી સાથે એવી ગતિ પકડી કે બાયજુસ એપ્સના સબસ્ક્રાઇબર હજારોમાં હતા; તે 2017 આવતાં સુધીમાં દોઢ કરોડ સુધી પહોંચી ગયા અને તેમાંથી 9,00,000 પેઇડ યુઝર્સ હતા. 2019માં બાયજુસના 60 ટકા વિદ્યાર્થીઓ નોન-મેટ્રો સિટીના હતા. મતલબ કે શહેરથી વધુ બાયજુસનું ચલણ નોન-મેટ્રોમાં હતું. કોરોના દરમિયાન બાયજુસનો વ્યાપ ઓર વધ્યો જ્યારે ઓફલાઈન કોર્સનો ડર પૂરા દેશ-દુનિયામાં પ્રસર્યો હતો. આ ગાળામાં બાયજુસ એક પછી એક નાની લર્નિંગ એપ કંપનીઓને ખરીદતી ગઈ. ‘ટ્યુટર વિસ્ટા’, ‘ઓસ્મો’, ‘વ્હાઇટહેટ જુનિયર’, ‘લેબિનએપ’ અને ‘સ્કોલર’ નામની અનેક કંપનીઓ જે આ ક્ષેત્રમાં ઊભરી રહી હતી તેના પર બાયજુસનું મેનેજમેન્ટ નજર રાખતું અને છેલ્લે તેને તગડાં દામથી ખરીદી કરી લેતું. બાયજુસ સફળતાના પરચમ આ રીતે સર્વત્ર લહેરાતા ગયા. અઢળક એવોર્ડ, દામ અને ફૂલપ્રૂફ વ્યવસ્થાથી બાયજુસનું નામ એ રીતે ચમકવા લાગ્યું કે તેની આસપાસ લર્નિંગ એપમાં કોઈ દેખાતું નહોતું. ઝુકરબર્ગ અને તેની સહજીવનસાથીના નામથી ચાલતું ‘ચાન ઝુકરબર્ગ ઇનિશેટીવ’ સુધ્ધા બાયજુસના લર્નિંગ મોડલ પર વિશ્વાસ દાખવીને તેમાં નાણાંનું રોકાણ કર્યું. આ રીતે દુનિયાભરના અચ્છા-અચ્છા લોકોએ બાયજુસની સારાં પાસાંઓ જોઈને તેમાં ઇન્વેસ્ટ કર્યું.

- Advertisement -
Byjus Learning APP
Byjus Learning APP

બાયજુસ એવી બ્રાન્ડ બની ચૂકી હતી કે તેને નાનાં અમથા ધક્કાથી અસર ન થઈ શકે અને એટલે બાયજુસની આ બુલંદીઓ દરમિયાન કેટલાંક પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓ તેનાથી છેતરાયાં હોવાની અનુભૂતિની વાત જાહેરમાં કરી ત્યારે તેમની ફરિયાદને કોઈએ મહત્ત્વ ન આપ્યું. એવું માની લેવામાં આવ્યું કે આટલી મોટી વ્યવસ્થામાં થોડાંકને ખરાબ અનુભવ થાય તો તેમાં કશુંય ખોટું નથી. બાકી કરોડો બાળકોને તેનાથી લાભ જ થઈ રહ્યો છે ને. જોકે આ વાત હવે થોડા વિદ્યાર્થીઓ કે બાયજુસના ગ્રાહક કહીએ તેના સુધી સિમિત રહી નથી. બાયજુસ સામે હવે અવાજ બુલંદ થઈ રહ્યો છે અને તેની સામે અગણિત ફરિયાદો આવી રહી છે. આ કારણે બાયજુસનું નામ ખરડાયું છે અને છેલ્લા કેટલાંક વખતમા તો તેમાં થઈ રહેલી નાણાંકીય ગેરરીતિની વાતો પણ સામે આવી છે. હવે તે કેવી રીતે થયું તે આપણે સમજીએ.

Byjus News
Byjus News

‘સત્યમ’, ‘કિંગફીશર’, અનિલ અંબાણી ‘રિલાયન્સ’ અને આવી અન્ય કંપનીઓના પણ નામ લઈ શકાય; જે કંપનીઓ એક સમયે બજારમાં ધૂમ મચાવતી હતી. પરંતુ છેલ્લે આ કંપનીઓ નાદારી સુધી પહોંચી ગઈ. બાયજુસ નામે પણ મીડિયામાં હવે અહેવાલ આવવા માંડ્યા છે. પહેલાં તો બાયજુસમાંથી જે કર્મચારીઓને છુટ્ટી કરવામાં આવી તેમની ખબરો વહેતી થઈ. આને લઈને બાયજુસે મીડિયામાં સ્પષ્ટ જવાબ ન આપ્યા. તે પછી એમ કહીને ફેરવી તોડ્યું કે અમે કંપનીની સધ્ધરતા માટે જે પગલાં લેવાવા જોઈએ તે લઈશું. ત્યાર બાદ કંપની નુકસાન કરી રહી છે અને કંપની પાસે લિક્વિડિટી એટલે કે રોકડ નાણાં નથી તેવી ખબરોય આવી. કંપની આ કારણે અન્ય ઇન્વેસ્ટરો પાસે હાંક નાંખી રહી છે તેમ પણ કેટલાંક અખબારી અહેવાલોએ કહ્યું. યૂટ્યુબ પર ‘સોચ’ નામનું એક પ્લેટફોર્મ છે, જે મોહક મંગલ નામનો યુવક ચલાવે છે, તેણે એક વર્ષ પહેલાં બાયજુસની ગેરરીતિને લઈને એક કાર્યક્રમ કર્યો હતો. આ કાર્યક્રમ છત્રીસ લાખ લોકોએ જોયો છે. તેમાં મોહન મગંલ બાયજુસની સેલ્સની ટેકનિક વિશેની માહિતી આપે છે. તે કહે છે કે, “એક કાઉન્સિલ સેશન દરમિયાન બાયજુસના એક સેલ્સ એક્ઝુક્યુટિવે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી અનુષ્કા નામની છોકરીને પુછ્યું કે તેને મોટાં થઈને શું બનવું છે? અનુષ્કાએ ડૉક્ટર બનવું છે તેમ ઉત્તર આપ્યો. આ ઉત્તર પછી તે સેલ્સ એક્ઝુક્યુટિવે એક કલાકમાં જ અનુષ્કાના માતા-પિતાને સાત વર્ષના સબસ્ક્રિબ્શન માટે 1,20,000 ફી આપવા માટે મનાવી લીધા. સેલ્સ એક્ઝુક્યુટીવે આ કર્યું કેવી રીતે? એક્ઝ્યુકિટીવે અનુષ્કાને એક ટેસ્ટ આપવાનું કહ્યું અને અનુષ્કાને તે પ્રશ્નોના જવાબ આપવા માટે ચાર મિનિટ આપ્યા. અનુષ્કાએ તે જવાબ માત્ર બે મિનિટમાં આપી દીધા. તેના માતા-પિતાએ કહ્યું કે અનુષ્કા હોશિયાર છે પણ અમારી પાસે તેના માટે સમય નથી. એટલે અનુષ્કાને ટ્યુશન સેન્ટર મોકલવી છે. બાયજુસના એક્ઝુક્યુટિવને પોતાના સેલ્સ માટે બસ આ જ મુદ્દો જોઈતો હતો. બસ પછી એક્ઝ્યુક્યુટિવ કહ્યું કે, બાયજુસ અનુષ્કાનો અભ્યાસનો પાયો મજબૂત કરી આપશે. અમારા વિડિયો બાળકો પસંદ કરે છે અને તેનાથી જરાસરખું ધ્યાન હટાવતા નથી. અનુષ્કાના માતા-પિતા તેનાથી ખુબ ખુશ થયા. બસ, પછી એક્ઝ્યુક્યુટિવે થોડાં અઘરા પ્રશ્નો અનુષ્કાને પુછ્યા. અનુષ્કાને તે ન આવડ્યા. બસ, સેલ્સ એક્ઝ્યુક્યુટિવનો આ પ્લાન હતો. તેણે બાયજુસનું એક સબસ્ક્રિબ્શન 1,20,000માં અનુષ્કાના માતા-પિતાને વેચી દીધું.” હવે આ વાત ત્યારે બહાર આવી જ્યારે બાયજુસના એક સેલ્સ એક્ઝ્યુક્યુટિવે તેમને પોતાના સબસ્ક્રિબ્શન વેચવા માટે આ પ્રકારની ટ્રેનિંગ આપવાની વાત કહી, જેમાં બાળકોને ન આવડે તેવાં સવાલો પુછવાની વાત હતી.

બાયજુસનો ખેલ શિક્ષણ પર ચાલે છે અને તેથી તેની સાથે જોડાયેલાં જે કોઈ છે તે બૌદ્ધિક ક્ષમતા ધરાવનારા છે, અને તે કારણે તેમણે બજારમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે એ જ પ્રકારની ટેકનિકનો ઉપયોગ કર્યો જેથી તેમની અનૈતિક પ્રેક્ટિસનો જલદીથી ખ્યાલ ન આવે. એટલે સૌથી પહેલાં બાયજુસની એપ જો તમે ડાઉનલોડ કરો તેમાં પહેલાં 15 દિવસની ફ્રી ટ્રાયલ મળે છે, ત્યાર બાદ તેમાં રજિસ્ટર ફોન નંબર બાયજુસની ટીમ પાસે જાય એટલે તેના પર સેલ્સ એક્ઝ્યુકિટિવ ફોન કરે અને તમને જાતભાતના પ્રલોભન આપે. આ વાત અહીં સુધી જ સિમિત નથી રહેતી, બલકે જેઓને બાયજુસનું સબસ્ક્રિબ્શન પોસાતું નથી, તેમને લોનની પણ ઓફર થાય છે અને આ રીતે માતા-પિતા એવાં ચક્કરમાં ફસાય છે જેમાં બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય. બાયજુસનો આવો એક કિસ્સો ‘રેસ્ટ ઑફ વર્લ્ડ’ નામની વેબસાઇટ પર ટાંકવામાં આવ્યો છે. તેમાં એક વિદ્યાર્થીનીએ 10માં ધોરણની પરીક્ષા આપી અને તેને ‘નેશનલ એલિજિબિલિટી એન્ટ્રાસ ટેસ્ટ’[નીટ]ની તૈયારી વહેલાસર કરવાની હતી. જ્યારે આ સેલ્સ એક્ઝ્યુકિટીવને આ વિગત વિદ્યાર્થીનીની માતા-પિતાએ જણવી ત્યારે સેલ્સ એક્ઝ્યુક્યુટિવે કહ્યું કે તમારી દીકરીના દસમાં ધોરણમાં 95 ટકા નથી અને તમારી દીકરી કેવી રીતે ‘નીટ’ની પરીક્ષા આપવાના સપના જુએ છે. આવી તો બાયજુસની અનેક વાતો સામે આવી છે, જેમાં દરેકના વ્યક્તિગત કેસ છે. બાયજુસની ગેરરિતીના અહેવાલ ‘બીબીસી’ સુધ્ધામાં પ્રકાશિત થઈ ચૂક્યા છે. જોકે બાયજુસની વેબસાઈટ અને તેની માર્કેટિંગ રીતભાતમાં હજુય ક્યાંય તેમની કંપનીની ગેરરિતી પકડી શકાતી નથી.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular