નવજીવન ન્યૂઝ. અમદાવાદ: તાજેતરમાં જ મહેસાણામાં પાટીદાર આગેવાન કિરીટ પટેલે (Kirit Patel) આત્મહત્યાની સુસાઈડ નોટ સામે આવતા પોલીસ સહિત ભાજપ પર સવાલો પેદા થયા હતા. આ સુસાઈડ નોટમાં કિરીટ પટેલે મહેસાણા જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી અને મોઢેરા પોલીસના સબ ઈન્સ્પેક્ટર રાઠોડ સહિત ભાજપના કેન્દ્રિય મંત્રી પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે. જેના કારણે અનેક સવાલો પેદા થયા છે. ત્યારે ગુનો દાખલ થયાના સવા મહિના બાદ પણ આરોપીની ધરપકડ નહીં થઇ હોવાથી આજરોજ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને કિરીટ પટેલના પરિવારજનો દ્વારા પત્રકાર પરિષદ યોજી ગંભીર સવાલો પેદા કરવામાં આવ્યા હતા.
આજરોજ અમદાવાદના જુના સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા મહેસાણાના પાટીદાર આગેવાન કિરીટ પટેલ આત્મહત્યા કેસ મામલે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં જીગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રી પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, દાદા ગરીબો, વંચીતોના દાદાતો નથી બની શકતા પણ પટેલોના દાદા બને તેવી આશા રાખીએ છીએ. સાથે જ તેમણે તપાસ કાર્યવાહી પર શંકા વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે, કિરીટ પટેલની ભાજપના નેતાઓ અને કેન્દ્રના મંત્રી સાથેના ફોટા બતાવી અને કેન્દ્રીય મંત્રી સાથે બેઠકો કરાવી રૂપિયા 2.40 કરોડની છેતરપીંડી કરવામાં આવી હતી. બાદમાં પોલીસે ફરિયાદ નહીં નોંધતા તેમને મરવા માટે મજબૂર થવું પડ્યું છે. ઉપરાંત 5 આરોપી વિરૂધ્ધ ગુનો નોંધાયો હોવા છતાં તેમની ધરપકડ આજસુધી કરવામાં નથી આવી. ત્યારે આરોપીઓ સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે પહોંચ્યા છે જેના પરથી જણાય છે કે પોલીસ અને સરકાર આરોપીઓને જામીન મળી જાય તો પકડવા નહીં તેવી રીતે કામગીરી કરી રહી છે.
જીગ્રેશ મેવાણીએ ઉમેર્યું હતું કે, કિરીટ પટેલે આત્મહત્યા પહેલા 7થી 8 વખત પોલીસ વડા અને પોલીસને જાણ કરી કાર્યવાહી માગણી કરી હતી. પરંતુ પોલીસે કાર્યવાહી નહીં કરતા આખરે તેમણે અંતિમ પગલું ભર્યું હતું. સાથે જ કિરીટ પટેલે 2 પાનાની સુસાઈડ નોટમાં જણાવ્યું હતું કે, ઘરની અંદર ટીવી પાછળ વધુ પુરાવા રાખેલા છે જેમાં બધી જ માહિતી અને વિગતો મળી રહેશે. તે તમામ પુરાવા મહેસાણા પોલીસ રફેદફે ન કરી નાખે તેનું ધ્યાન રાખી સાચવી લેજો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સવાલ કરતા મેવાણીએ કહ્યું હતું કે, જુનાગઢમાં પોલીસ કોન્સ્ટેબલનો મૃતદેહ મળવા મામલે સરકારે કોઈ પગલા ન લીધ. તે પહેલા દોહોદના કોન્સ્ટેબલને ઉઠાવી ગયાના 1 વર્ષ બાદ પણ તેની ભાળ મેળવી શક્યા નથી અને હવે કિરીટ પટેલનો પરિવાર ન્યાય માટે રઝળે છે. તો કિરીટ પટેલની સુસાઈડ નોટના આધારે 5 આરોપી વિરૂધ્ધ ગુનો નોંધાયો હોવા છતાં ધરપકડ કેમ નથી નથી ? શું કોઈ દિલ્હીથી દબાણ કરે છે માટે ધરપકડ કરતા નથી. શા માટે પોલીસ કિરીટ પટેલના પરિવારને જવાબ આપતી નથી ? સી.આઈ.ડી.ને તપાસ તો સોંપી દેવાઈ છે પણ તે પણ સરખા જવાબ આપતા નથી. આમ દારૂ-જુગારના પૈસા ખાઇ બેઠા હોય તેની પાસે ન્યાયની આશા રહેતી નથી. માટે કિરીટ પટેલ કેસની તપાસ એસ.આઈ.ટી.ની રચના કરી તેમને સોંપી દેવામાં આવે.
જીગ્નેશ મેવાણીએ પોલીસ અને સરકાર આરોપીને છાવરતી હોવાના આરોપ કરતા જણાવ્યું હતું કે, આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ થતાની સાથે જ તે વિમાન પકડી કેનેડા નાસી જાય છે તો શું ભાજપે કે પોલીસે તેને માહિતી આપી હતી ? ભાજપ આરોપીને ભાગી જવાનો મોકો આપી રહી હોય અને આગોતરા જામીનનો મોકો આપી રહી હોય તેવું વલણ અપનાવી રહી હોય તેમ જણાય છે. ત્યારે મહત્વનો સવાલ છે કે કોઈ ચમરબંધીને નહીં છોડવામાં આવે તેવી વાત કરતી સરકારને આ કેસના આરોપી કેમ મળતા નથી ?
કિરીટ પટેલ આત્મહત્યા કેસ મામલે કાર્યવાહીની માગણી કરતા તેમના પરિજનો અને જીગ્રેશ મેવાણીએ આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી. તેમણે જણાવ્યું હતું કે જો 72 કલાકમાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં મહેસાણા બંધ અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. ઉપરાંત કિરીટ પટેલના પરિજન નરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જિલ્લા પોલીસ વડા, સબ ઈન્સ્પેક્ટર રાઠોડ સહિતના 7 લોકોને 15 ઑગસ્ટના રોજ ધ્વજવંદન કરવા દેવામાં ન આવે તેવી પણ અમારી માગણી છે. કારણ કે આ તમામના હાથ અમારા ભાઈના લોહીથી રંગાયેલા છે.