Friday, April 17, 2026
HomeGujaratAhmedabad"પાણિયારે દીવો કરી દો"- ડૉક્ટરનું કહેવું હતું અને એક બહાદુર સ્ત્રીના શ્વાસ...

“પાણિયારે દીવો કરી દો”- ડૉક્ટરનું કહેવું હતું અને એક બહાદુર સ્ત્રીના શ્વાસ થંભી ગયા!

- Advertisement -

પ્રશાંત દયાળ (શિવા. ભાગ-17): શિવાનીના પિરિયડ્સની સાયકલ બગડી રહી હતી. ઘણા દિવસો સુધી તેના પિરિયડ્સ ચાલું રહેતાં હોવાને કારણે નબળાઈ પણ આવી જતી. આખરે અમે અમદાવાદનાં (Ahmedabad) શાહીબાગમાં આવેલી રેશમબાઈ હૉસ્પિટલમાં (Reshambai Hospital) પહોંચ્યાં. ડૉ. હસમુખ અગ્રવાલે શિવાનીને (Shivani Dayal) તપાસીને કહ્યું, “યુટ્રસ રિમુવ કરવા સિવાય કોઈ રસ્તો નથી.”

શિવાની હવે થાકી ગઈ હતી. આખરે અમે મન બનાવી લીધું કે, ગર્ભાશય કાઢી નાખવું જોઈએ. ઑપરેશનની તારીખ નક્કી થઈ, અમે હૉસ્પિટલ પહોંચ્યાં, શિવાનીને એડમિટ કરવામાં આવી. ઑપરેશન પહેલાંના તમામ બ્લડ ટેસ્ટ થઈ ગયા હતા. આમ તો બધું નોર્મલ હતું, પણ શિવાનીને ઑપરેશન પહેલાં તપાસવા આવેલા ડૉ. જિજ્ઞેશ પ્રજાપતિ, જેઓ એમ.ડી. મેડિસિન હતા, તેમણે મને બોલાવ્યો અને પુછ્યું, “આ સમસ્યા ક્યારથી છે?”

- Advertisement -

મેં પુછ્યું, “કઈ સમસ્યાની તમે વાત કરો છો?”

તેમણે કહ્યું, “શિવાનીને ઉધરસ થાય છે, તેની વાત કરું છું.”

મેં કહ્યું, “એ તો સિઝનલ છે. અમુક સિઝનમાં થાય છે અને દવા લે એટલે મટી જાય છે.”

- Advertisement -

તેમણે કહ્યું, “આ સામાન્ય ઉધરસ નથી. તેમને બ્રૉન્કાઇટિસ નામની બીમારી છે. જોકે ચિંતા કરવાં જેવું નથી, પણ તેમનાં ફેફસાંની સ્થિતિ હમણાં સારી નથી. ઑપરેશન વખતે તેમને એનેસ્થેસિયા આપવાનું હોય છે, પણ ફેફસાંની સ્થિતિ ધ્યાનમાં લેતાં તેમને જનરલ એનેસ્થેસિયા આપી શકાય નહીં.”

હું વિચાર કરવા લાગ્યો. તેમણે કહ્યું, “જનરલ એનેસ્થેસિયા એટલે કે ઑપરેશન માટે દર્દીને સંપૂર્ણ બેભાન કરવામાં આવે છે એ. જે શિવાનીના કિસ્સામાં શક્ય નથી. એટલે લોકલ એનેસ્થેસિયા આપવામાં આવશે. એટલે કે કમરથી નીચેનો ભાગ બહેરો કરીને ઑપરેશન કરીશું.”

વાત મેડિકલ સાયન્સની હતી. અમારી પાસે કોઈ વિકલ્પ જ નહોતો. ત્યારે મને અને શિવાનીને પહેલી વખત ખબર પડી કે, તેને બ્રૉન્કાઇટિસ નામની બીમારી છે. આ બીમારી આમ ગંભીર નથી. ઘણા લોકોને આ બીમારી થાય છે. શિવાનીનું ગર્ભશાય દૂર કરવાનું ઑપરેશન થઈ ગયું. પછી અમે ડૉ. જિજ્ઞેશ પ્રજાપતિ પાસે પાછાં ગયાં હતાં. હવે શિવાનીની બ્રૉન્કાઇટિસની દવા શરૂ થઈ હતી. દવાની સાથે સાથે તેને પંપ લેવાની પણ ડૉકટરે સૂચના આપી હતી. આમ હવે મારી આઈ અને શિવાની એક સાથે અલગ અલગ બીમારીની હોડીમાં મુસાફરી કરી રહ્યાં હતાં.

- Advertisement -

આઈ ભાઈના ઘરે જ હતી. સવારની દવા આપવાથી લઈ સાંજ સુધી ત્રણ–ચાર વખત મારે આઈનાં ઘરે જવું પડતું હતું. કારણ કે તે દવા લેવા, જમવા, દરેક વખતે મારી રાહ જોતી હતી. મારો ભાઈ મનિષ અને ભાભી ઉજ્જવલા કામ પર જતાં હતાં. ઘરે મારી ભત્રીજી અનેરી એકલી રહેતી. અનેરી નાની પણ હતી. એક વખત તો એવું બન્યું કે, હું અને શિવાની વડોદરા જઈ રહ્યાં હતાં. અમે એક્સપ્રેસ–વૅ ઉપર હતાં. ઘરે અનેરી અને આજી બે જણ એકલાં જ હતાં અને નાનકડી અનેરીનો ફોન આવ્યો. મને કહ્યું, “કાકા, આજી ધાબા ઉપર જઈ રહી છે.”

મરાઠીમાં દાદીને આજી કહેવામાં આવે છે. મારી આઈ માંડ ચાલી શકતી હતી, તો પછી ધાબા ઉપર કેમ જતી હશે? તેવો મને પ્રશ્ન થયો. મેં અનેરીને પુછ્યું, “આજી ધાબા ઉપર કેમ જાય છે?”

તેણે કહ્યું, “આજી આત્મહત્યા કરવી છે— તેવું કહે છે.”

મારો શ્વાસ થંભી ગયો, મેં કાર બ્રેક કરી સાઈડમાં ઊભી રાખી. મેં અનેરીને કહ્યું, “આજી ક્યાં છે?”

તેણે કહ્યું, “આ રહી.”

ત્યારે મારી આઈ ધાબા ઉપર જવાં માટે પગથિયાં ચઢી રહી હતી. મેં કહ્યું, “આજી સાથે વાત કરાવ.”

અનેરીએ ફોન આજીને આપ્યો. મેં કહ્યું, “શું થયું આઈ?”

તેણે કહ્યું, “બસ! હવે મરી જવું છે.”

મેં કહ્યું, “કેમ મરી જવું છે?”

તેણે કહ્યું, “મારું કોઈ સાંભળતું નથી.”

મેં કહ્યું, “કોણ સાંભળતું નથી?”

તેણે કહ્યું, “અનેરી.”

મને વિચાર આવ્યો કે, અનેરી સાથે શું વાંધો પડ્યો હશે? મેં કહ્યું, “અનેરી તારી કઈ વાત માનતી નથી?”

તેણે કહ્યું, “હું કેટલા દિવસથી અનેરીને કહું છું કે, મને ફેસબુક એકાઉન્ટ ખોલી આપ. પણ અનેરી માનતી જ નથી.”

મને એકદમ હસવું આવ્યું. આઈને ફેસબુક એકાઉન્ટ ખોલવું હતું! તે હવે નાનાં બાળક જેવી થઈ ગઈ હતી. તેને વાતે વાતે માઠું લાગી જતું હતું. મેં કહ્યું, “અનેરીને ફોન આપ. હું તેને ઠપકો આપું છું અને હું સાંજે ઘરે આવીશ એટલે તને ફેસબુક એકાઉન્ટ ખોલી આપીશ.”

આઈની સ્થિતિ કથળી રહી હતી. 28 સપ્ટેમ્બર 2011નો દિવસ હતો. સવારે હું આઈને દવા આપી, જમાડી કામ ઉપર નીકળ્યો. હું અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ઑફિસમાં એ.સી.પી. મયુર ચાવડાની ચેમ્બરમાં હતો. અચાનક મારું ધ્યાન ચેમ્બરમાં રહેલી ઘડિયાળ તરફ ગયું. બપોરના ત્રણ વાગી રહ્યા હતા. મને યાદ આવ્યું કે, આઈને જ્યૂસ આપવાનો સમય થયો છે. હું એકદમ ઊભો થયો અટલે એ.સી.પી. મયુર ચાવડાએ મને પુછ્યું, “શું થયું? કેમ ઊભા થયા?”

મેં કહ્યું, “આઈને જ્યૂસ આપવાનો સમય થયો છે.”

હું તરત નીકળ્યો અને રસ્તામાંથી આઈ માટે જ્યૂસ લઈ ઘરે પહોંચ્યો. આઈ ખૂબ થાકેલી લાગતી હતી. મને જોઈ તેના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. તેણે મને પુછ્યું, “આવ્યો?”

મેં કહ્યું, “હા, જ્યૂસ લાવ્યો છું.”

તે પથારીમાંથી એકલી ઊભી થઈ શકતી નહોતી, પણ લાકડાના દરવાજા બહાર રહેલી લોંખડની જાળી ખુલવાનો અવાજ આવે એટલે તે પુછતી, “કોણ?”

હું તેને મોટા અવાજે કહેતો, “ડૉકટર…”

તે કહેતી, “ગધેડો આવ્યો…”

હું તેને મળવા આવું તેની એ રાહ જોતી, પણ આવું એટલે નારાજ એટલા માટે થતી કે, તેને હવે દવા લેવી ગમતી નહોતી. એ દવાઓથી કંટાળી ગઈ હતી. હું આવીને દવા આપું એટલે ગુસ્સામાં તે મને ગધેડો કહેતી. મેં તેને પુછ્યું, “જ્યૂસ પીશુંને?”

તેણે કહ્યું, “હા.”

પછી તેણે મને કહ્યું, “બાથરૂમ જવું છે.”

મેં તેનો હાથ પકડી ટેકો આપ્યો, તેને ઊભી કરી બાથરૂમ સુધી લઈ ગયો, પાછી તેને પથારી પાસે લાવ્યો. એ વખતે તે અસ્પષ્ટ શબ્દમાં કંઈક બોલી. મેં તેને પુછ્યું, “શું?”

તેણે મને પુછ્યું, “તારા પગ ક્યાં છે?”

મને પ્રશ્ન થયો, તે મારા પગ વિશે શું કામ પુછી રહી છે? મેં પુછ્યું, “મારા પગ આ રહ્યા. મારા પગને શું થવાનું છે?”

તેણે ધીમા અવાજે કહ્યું, “મારે તને પગે લાગવું છે.”

મેં કહ્યું, “પાગલ છે? મા કોઈ દિવસ દીકરાને પગે લાગે?”

તેણે કહ્યું, “એક વખત તો પગે લાગવું જ છે.”

મેં પુછ્યું, “શું કામ તારે મને પગે લાગવું છે?”

તેણે કહ્યું, “તે મારા માટે ખૂબ કર્યું છે. તારો આભાર માનવો છે.”

મેં કહ્યું, “તું મારી મા છે. તારા માટે મેં કંઈ જ કર્યું નથી.”

તેમ કહી મેં તેને જ્યૂસ પીવડાવ્યું અને પછી સુવડાવી દીધી. તે મનમાં ને મનમાં કંઈક બોલતી હતી. બોલતાં બોલતાં એવી તો સૂઈ ગઈ, સાંજે પણ જાગી નહીં. તે કોમામાં જતી રહી હતી. 29 સપ્ટેમ્બર 2011નો દિવસ હતો. સવારે ઉજ્જવલાનો ફોન આવ્યો. હું અને શિવાની આઈનાં ઘરે પહોચ્યાં. શિવાની આઈનો હાથ પકડી તેની પાસે બેસી રહી; આઈનો શ્વાસ ચાલી રહ્યો હતો; બપોરે બે વાગી રહ્યા હતા. આઈની સ્થિતિ જોવા માટે મેં ડૉ. ભુપેન્દ્ર શુક્લને બોલાવ્યા. તેમણે આવીને પલ્સ તપાસી મને કહ્યું, “પાણિયારાંમાં દીવો કરી દો.”

હજી તો ડ઼ૉ. શુક્લ ઘરમાં જ હતા અને આઈનો શ્વાસ થંભી ગયો! આમ અમારી જિંદગીમાંથી એક બહાદુર સ્ત્રીની એક્ઝિટ થઈ! જે મને શીખવાડતી ગઈ કે, ડરવું એના કરતાં લડવું ઉત્તમ છે!

ક્રમશઃ

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular