Navaratri weather Update for October: ઓક્ટોબલનો આ મહિનો તમને યાદ રહી જશે તેવો બનવાની સંભાવનાઓ છે. વિશ્વ આખું અલ નીનોની ઈફેક્ટને કારણે ઘણી બધી સમસ્યાઓથી લડી રહ્યું છે. સામાન્યતઃ આપણે ત્યાં નવરાત્રી આવે ત્યારે ધીમે ધીમે ઠંડીનો અનુભવ લોકોને થઈ જ જાય છે. રાત્રે ગરબાની મોજ માણ્યા પછી ખેલૈયાઓ જ્યારે વહેલી પરોઢે ઘર તરફ જતા હોય ત્યારે રીતસર ઠંડીથી ઠુઠવાઈ જવાતું હતું.
જોકે ધીમે ધીમે વર્ષે વર્ષે ગરમીની એન્ટ્રી ગજબની જોવા મળી રહી છે અને તેમાં પણ આ વખતે અલનીનોની ઈફેક્ટના કારણે ઓક્ટોબરનો આ મહિનો ગરમ રહે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે. સામાન્ય રીતે ઓક્ટોબર મહિનો આવતાં ગરમી ઓછી થવા લાગે છે અને ધીમે ધીમે ઠંડીનો અહેસાસ થવા લાગે છે. પરંતુ આ વર્ષે પરિસ્થિતિ અલગ જોવા મળી રહી છે. ઓક્ટોબર મહિનામાં પણ અનેક ઘરોમાં AC ચાલુ છે અને લોકો ગરમીથી પરેશાન છે. સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાય બાદ શિયાળાની શરૂઆત થવાને બદલે ગરમીનો અનુભવ વધી રહ્યો છે. આ સ્થિતિને કારણે લોકોના મનમાં સવાલ ઊભો થયો છે કે ચોમાસા પછી પણ ગરમી કેમ ઓછી થતી નથી? આ પાછળ અલ નીનોની અસર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની નબળી ગતિવિધિ અને વરસાદની ઘટ જેવા પરિબળો જવાબદાર હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે જાણિતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ 13મીથી 16મી ઓક્ટોબર સુધી ગરમીનો પારો હાઈ રહેશે તેવી વકી આપી હતી. તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે આ દિવસોમાં 40 ડિગ્રીથી વધારે તાપમાન રહે તો પણ નવાઈ નહીં.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સામાન્ય રીતે ભૂમધ્યસાગર આસપાસના વિસ્તારોમાં સર્જાતી હવામાન પ્રણાલી છે, જે ઉત્તર ભારતમાં ઠંડક અને વરસાદ લાવવામાં મદદ કરી શકે છે. ઓક્ટોબરની શરૂઆતમાં તેની ગતિવિધિ નબળી રહેતાં વાદળો, વરસાદ અને ઠંડા પવનોને કારણે તાપમાનમાં ઘટાડો થવાની પ્રક્રિયા ધીમી પડી શકે છે. બીજી તરફ, શહેરી વિસ્તારોમાં ઊંચી કોંક્રિટની ઇમારતો, પાકા રસ્તા અને છત દિવસ દરમિયાન સૂર્યની ગરમી શોષી લે છે અને સૂર્યાસ્ત પછી ધીમે ધીમે છોડે છે. તેના કારણે શહેરોમાં ગરમીનો અનુભવ વધુ થઈ શકે છે.

સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ ન પડવાથી પણ તાપમાનમાં વધારો થવાની સ્થિતિ સર્જાઈ હોવાનું અહેવાલમાં જણાવાયું છે. આકાશ ચોખ્ખું રહેવા અને ભેજના પ્રમાણને કારણે દિલ્હી-NCR સહિતના વિસ્તારોમાં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચ્યું હતું. ઓક્ટોબર મહિનામાં સામાન્ય કરતાં વધુ ગરમી અનુભવાવાની સ્થિતિને ‘ઓક્ટોબર હીટ’ કહેવામાં આવે છે. ચોમાસાની વહેલી વિદાય અને વરસાદની ઘટને કારણે આ વર્ષે તેની અસર વધુ અનુભવાઈ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
વર્ષ 2026ના ચોમાસાને છેલ્લા દસ વર્ષમાં સૌથી સૂકા ચોમાસા તરીકે વર્ણવવામાં આવ્યું છે. અહેવાલ મુજબ, આ વર્ષે વરસાદ સામાન્ય કરતાં 12.6 ટકા ઓછો નોંધાયો છે. આ પરિસ્થિતિ પાછળ પ્રશાંત મહાસાગરમાં વધતું તાપમાન અને અલ નીનોની અસરને પણ જવાબદાર ગણાવવામાં આવી છે. અલ નીનો દરમિયાન પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વીય ભાગમાં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં વધી જાય છે, જે વૈશ્વિક હવામાનની સ્થિતિને અસર કરી શકે છે. અહેવાલમાં જણાવાયું છે કે સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં અલ નીનોની તીવ્રતા માપવા માટે ઉપયોગમાં લેવાતા પ્રશાંત મહાસાગરના મુખ્ય વિસ્તારમાં તાપમાન સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધુ પહોંચ્યું હતું. અમેરિકાના નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના સંદર્ભ સાથે વર્ષના અંત સુધીમાં શક્તિશાળી અલ નીનો સર્જાવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.
અહેવાલ મુજબ, ભારતના 38 ટકા વિસ્તારમાં ઓછો વરસાદ નોંધાયો છે અને સપ્ટેમ્બર સુધીમાં દેશના અડધાથી વધુ વિસ્તારો કોઈને કોઈ રીતે દુષ્કાળની અસર હેઠળ હોવાનું જણાવાયું હતું. કૃષિ મંત્રાલયે નબળા ચોમાસા અને અલ નીનોની અસરને ધ્યાનમાં રાખીને 315 જિલ્લાઓને જોખમગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાખ્યા હોવાનો પણ ઉલ્લેખ છે. તેમાં મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓનો સમાવેશ થાય છે. ઓછા વરસાદને કારણે જળસંકટની ચિંતા પણ વધી છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં દેશના 178 મુખ્ય જળાશયોમાં તેમની ક્ષમતાની સરખામણીએ માત્ર 70 ટકા પાણીનો સંગ્રહ થયો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
અલ નીનોની અસર માત્ર ચોમાસા પૂરતી સીમિત રહેતી નથી. અહેવાલમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે તેની અસર ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધી વધુ તીવ્ર બની શકે છે અને ફેબ્રુઆરી 2027 સુધી ચાલુ રહી શકે છે. જોકે, તેની ચોક્કસ તીવ્રતા અને સમયગાળો હવામાનની સ્થિતિ પર આધારિત રહેશે. બીજી તરફ, ક્લાઈમેટ ઈમ્પેક્ટ લેબના પૂર્વાનુમાનને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે તાપમાન સામાન્ય કરતાં 1.2 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહી શકે છે અને અત્યંત ગરમ દિવસોની સંખ્યામાં 44 ટકા સુધીનો વધારો થઈ શકે છે.
અહેવાલમાં સંશોધકોના અનુમાનને ટાંકીને સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે ગરમીને કારણે ભારતમાં 15,800 લોકોનાં મૃત્યુ થવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આ એક પૂર્વાનુમાન છે, નિશ્ચિત આંકડો નથી. ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન દિવસના તાપમાન અને રાત્રિના તાપમાનમાં મોટો તફાવત અનુભવાઈ શકે છે. દિવસે ગરમી અને રાત્રે તાપમાનમાં ઘટાડાની આ સ્થિતિમાં સ્વાસ્થ્ય અંગે સાવચેતી રાખવી જરૂરી છે. ચોમાસાની વિદાયનો અર્થ ગરમી અને ઓછા વરસાદથી ઊભા થતા જોખમોનો અંત નથી; અલ નીનોની સંભવિત અસરને કારણે આગામી મહિનાઓમાં હવામાન પર નજર રાખવી મહત્વપૂર્ણ રહેશે.








