Friday, October 9, 2026
HomeGujaratરુપાની ડેડ બોડીને કેવી રીતે PI રાજપૂતે ઠેકાંણે લગાવી તેની આખી કહાની...

રુપાની ડેડ બોડીને કેવી રીતે PI રાજપૂતે ઠેકાંણે લગાવી તેની આખી કહાની CID પાસે આવી | શતરંજ-53

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-53, નવજીવન ન્યૂઝ): આદેશ માટે આ સ્થિતિ બહુ વિચિત્ર હતી. તેની પાસે એક બ્રેકિંગ સ્ટોરી હતી. હજી સુધી વિશ્વ અંધારામાં હતું કે નિઝામની પત્નીની પણ હત્યા થઈ છે. પણ તે વાત આદેશ જાણતો હોવા છતાં જ્યાં સુધી પંત રૂપાની વાત કાગળ ઉપર ના લે ત્યાં સુધી તે લખવી જોઈએ નહીં. તે આદેશનું સેલ્ફ કમિટમેન્ટ હતું. પંત પણ આદેશને મળ્યા પછી પોતાની ઑફિસે પરત ફર્યા હતા. તેમણે વિનોદ પરમારને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા હતા. પરમાર પણ જ્યારે રૂપા અંગે પંતે કરેલી વાત સાંભળી ત્યારે સ્તબ્ધ હતા. તેમને પોલીસ-અધિકારી તરીકે પણ પોતાના સાથી પોલીસના ઘૃણાસ્પદ કામ માટે શરમ અને તિરસ્કાર થયો હતો.

મોડે સુધી પંત અને પરમાર પોતાની ઑફિસમાં બેસી આગળની તપાસની તૈયારી કરતા હતા. રાતે દસ વાગે પંત પોતાની ઑફિસમાંથી જવા નીકળ્યા હતા ત્યારે તેમણે પરમારને કહ્યું, “મૈં સુબહ ચાર બજે આ જાઉંગા. આપકી મહેન્દ્રસિંહ સે બાત હો ગઈ. જરૂર હો તો ઉસકે ઘર પે હમારા એક ગાડી ભેજ દેના.” પરમારે ‘સર’ કહી જવાબ આપ્યો. “મહેન્દ્રસિંહને બતાયા હૈ, વો ખુદ હી આ જાયેગા. મૈંને દો પંચોં કા ઇંતેજામ ભી કર લિયા હૈ.” ‘ગુડ ઍન્ડ ગુડ નાઇટ’ કહી પંત ઘરે જવા નીકળ્યા. પરમારે ઑફિસમાં જ રોકાઈ જવાનો નિર્ણય કર્યો હતો. પંત ઘરે જતાં, પરમારે પોતાના કૉન્સ્ટેબલને બોલાવી કહ્યું, “ભૂખ પણ લાગી છે. ઘણા દિવસથી નૉન-વેજ ખાધું નથી. મીનાબજારમાંથી આપણું જમવાનું લઈ આવ.” કૉન્સ્ટેબલે જતાં પહેલાં પૂછ્યું, “બીજી કોઈ વ્યવસ્થા કરવાની છે?” પરમાર તેનો અર્થ સમજી ગયા હતા. તેમણે કહ્યું, “ના ભાઈ, આ પંત સાહેબનો કોઈ ભરોસો નહીં. આ તો ઊંઘ ના આવે તો ઑફિસ પાછા પણ આવી જાય.” કૉન્સ્ટેબલ દારૂ લાવવાનું પૂછતો હતો. પરમાર રેગ્યુલર ડ્રિંકર ન હતો, પણ તેમને દારૂ પીવો ગમતો હતો.

- Advertisement -

કૉન્સ્ટેબલ જ્યાંથી નૉનવેજ લાવવા ગયો તે મીનાબજાર જૂના સચિવાલય પાછળ આવેલું બજાર હતું, આખું બજાર સરકારી કર્મચારીઓ ઉપર જ ચાલતું હતું. સાંજ પડે એટલે બજાર બંધ થઈ જતું, પણ માત્ર અબ્દુલની હોટલ ચાલુ રહેતી હતી. મોટા ભાગે તેની સાંજ પછીની ગ્રાહકી દારૂ પીધેલાઓની જ હતી. પણ તે નૉનવેજ ખૂબ જ ટેસ્ટી બનાવતો હોવાને કારણે પાર્સલ લઈ જનારની ગ્રાહકી પણ રહેતી હતી. જમ્યા પછી પરમારે પોતાની ચેમ્બરમાં રહેલા સોફા ઉપર જ લંબાવ્યું. તેમણે પોતાના મોબાઇલ ફોનમાં સાડા ત્રણ વાગ્યાનું અલાર્મ મૂક્યું હતું. કારણ કે પંત સાહેબ આવે તે પહેલાં તૈયાર રહેવું જરૂરી હતું. પંત પોતાના ટાઇમમાં બહુ પંક્ચુઅલ હતા. પરમાર ખૂબ જ એક્સાઇટ હતા. તેમને ખબર હતી કે તેમની તપાસ ઉપર ભારતની સર્વોચ્ચ અદાલતની નજર તો હતી. પણ આખો દેશ આ કેસને બારીકાઈથી જોઈ રહ્યો હતો. પરમાર પાસે પોસ્ટિંગ માટે કોઈ પોલિટિકલ બૅક ગ્રાઉન્ડ ન હતું, તેના કારણે તેમને બહુ ઓછો સમય પોલીસ સ્ટેશનમાં નોકરી કરવાની તક મળી હતી. જે પોલીસ-ઇન્સ્પેક્ટરો પૈસા અથવા રાજકીય નેતાની ખુશામત કરી પોસ્ટિંગ લેતા હતા તેઓ કાયમ એવું માનતા હતા કે તેમની ઍબિલિટીને કારણે સારા પોસ્ટિંગ મળે છે. જે વાતને લઈ પરમાર ખૂબ દુઃખી રહેતા હતા, પણ હવે પરમાર પાસે નિઝામનો કેસ હતો. તેઓ પોતાના કામ દ્વારા પોતાના ડિપાર્ટમેન્ટને બતાવી દેવા માગતા હતા કે તેમની ઍબિલિટી કેટલી છે. આ વિચાર કરતાં કરતાં પરમારને ઊંઘ આવી ગઈ.

ઈન્સપેક્ટર વિનોદ પરમાર સવારે ઊઠી ફ્રેશ થઈ રહ્યા હતા, ત્યાં તેમના કાને અવાજ પડ્યો : “જયહિંદ સાહેબ.” પરમારે પાછું વળીને જોયું… “સર, મહેન્દ્રસિંહ.” પરમાર અને મહેન્દ્રસિંહ પહેલી વખત મળી રહ્યા હતા. આદેશ અને મહેન્દ્રસિંહની મુલાકાત પછી ફાસ્ટ ડેવલપમેન્ટ થયું હતું. પરમારે ફોન ઉપર જ મહેન્દ્રસિંહ સાથે વાત કરી હતી. તરત પરમારે તેને બેસવાનો ઇશારો કરતાં કહ્યું, “આવી ગયા? સારું થયું. કોઈ ચિંતા કરતા નહીં. હમણાં પંત સાહેબ પણ આવતા જ હશે.” પરમારે પોતાના કૉન્સ્ટેબલને બોલાવી કહ્યું, “ગાડી લઈ પથિકાશ્રમ જઈ ચાર-પાંચ ચા લઈ આવ.” મહેન્દ્રસિંહના ચહેરા ઉપર ડર હતો. તેનો ડર પણ સ્વાભાવિક હતો. નિઝામ કેસમાં સાક્ષી થયા પછી આવનાર પરિણામોની તેને ખબર હતી, કારણ, હવે પછીના દિવસોમાં પહેલાં તો કદાચ તેની બદલી થવાની હતી. બીજું, હમણાં સુધી તેણે જે એટીએસના અધિકારીઓ સાથે કામ કર્યું હતું, તે તેને દગાખોર તરીકે જોશે અથવા સંબોધશે તેવી પણ ખબર હતી. વર્ષો સુધી જેમની સાથે કામ કર્યું તેની વિરુદ્ધ જુબાની આપવાની હતી. તેના કારણે હૃદયમાં એક પ્રકારનું ભારેપણું હતું. મહેન્દ્રસિંહે સાક્ષી થવાનું નક્કી કર્યા પછી, આખી રાત ઊંઘ આવી જ નહોતી. તેને થતું હતું કે જલદી સવાર પડે અને તેનું નિવેદન નોંધાઈ જાય તો સારું, એટલે ચાર વાગતાં પહેલાં જ તે સીઆઇડી ક્રાઇમની ઑફિસમાં પહોંચી ગયો હતો. જોકે મહેન્દ્રસિંહને એક વાત સમજાઈ નહોતી, કે આટલી પરોઢમાં પોતાનું નિવેદન લેવાનું કારણ શું હોઈ શકે?

ચા આવતા સુધી પરમારે મહેન્દ્રસિંહ સાથે વાત કરવાની શરૂઆત કરી. આખો ઘટનાક્રમ કેવી રીતે બન્યો તે જાણવો જરૂરી હતો. મહેન્દ્રસિંહના કહેવા પ્રમાણે, ઇન્સ્પેક્ટર કેતન રાજપૂતના મનમાં રૂપાને મારી નાખવાની કોઈ યોજના નહોતી, પણ રૂપાએ ધમકી આપી હતી કે, તે તેમનો ભાંડો ફોડી નાખશે. આ વાતની જાણ, રાજપૂતે ઇન્દ્રસિંહ જાડેજાને કરી હતી અને તેમણે સૂચના આપી હતી કે, ઉપરથી ગ્રીન સિગ્નલ આવી ગયું છે, તેનું કામ પૂરું કરવામાં આવે. જે રાતે રૂપાની હત્યા કરવામાં આવી ત્યારે મહેન્દ્રસિંહની નોકરી ફાર્મ ઉપર હતી. રાજપૂત લગભગ એક વાગે ફાર્મહાઉસ ઉપર આવ્યા હતા, ત્યારે તેમની ગાડીમાં કૉન્સ્ટેબલ અનિલ પણ હતો. જ્યારે મહેન્દ્રસિંહને ખબર પડી કે, રૂપાની હત્યા કરવાની છે, ત્યારે તેમણે રાજપૂત સાહેબને સમજાવ્યા હતા કે સ્ત્રી હત્યા કરવી જોઈએ નહીં, ત્યારે રાજપૂતની દલીલ હતી કે ‘સાહેબનો ઑર્ડર છે.’

- Advertisement -

રૂપા ત્યારે ઘસઘસાટ સૂઈ રહી હતી. કેતન રાજપૂત હળવેકથી રૂમમાં દાખલ થયા અને તેમણે રૂપાના મોઢા ઉપર જોરથી રૂપાની બાજુમાં પડેલું ઓશીકું લઈ દબાવી દીધું. રૂપા જાગી ગઈ અને તેણે ઓશીકું હટાવવા ખૂબ પ્રયત્ન કર્યો પણ તે હટાવી શકી નહીં. થોડી વાર સુધી તેના હાથપગ તરફડિયાં મારી રહ્યા હતા અને પછી તે શાંત થઈ ગયા. રાજપૂત પોતાની સરકારી ગાડી સેલ્ફ ડ્રાઇવ કરીને આવ્યા હતા. રૂપા મરી ગઈ છે, તેવી ખાતરી થતાં, કૉન્સ્ટેબલ અનિલ રૂપાને જે રૂમમાં રાખી હતી, તેના દરવાજા સુધી સરકારી ગાડી લઈ આવ્યો. ત્યાર બાદ રાજપૂત, મહેન્દ્રસિંહ અને અનિલે લાશ ઊંચકી વચ્ચેની સીટમાં ગોઠવી દીધી. મહેન્દ્રસિંહના કહેવા પ્રમાણે પછી ક્યાં જવાનું હતું, તેની તેને પોતાને કે અનિલને પણ ખબર ન હતી. રાજપૂત જાતે ગાડી ચલાવવા લાગ્યા હતા. ફાર્મ હાઉસમાંથી બહાર નીકળતાં, વૉચમૅન નાગજીને રાજપૂતે સૂચના આપી હતી કે, રૂમમાં જે સામાન છે તે ફેંકી દેજે; તે સામાન નિઝામ અને રૂપાનો હતો. જોકે નાગજી ગાડીમાં લાશ છે તે જોઈ શક્યો ન હતો. રાજપૂત નૅશનલ હાઇવે ૮ ઉપર ગાડી ચલાવી રહ્યા હતા. પરોઢના સાડા ત્રણ વાગે તેઓએ વડોદરા પહેલાં આવતા વાસદ પાસે ગાડી ઊભી રાખી હતી. ત્યાં રોડના કિનારે મહી નદીની કોતરો હતી, જ્યાં એટીએસના બે કૉન્સ્ટેબલ અરવિંદ અને ચિંતન હાજર હતા. ચારે કૉન્સ્ટેબલોને લાશ બહાર કાઢવાની રાજપૂતે સૂચના આપી. ચારે કૉન્સ્ટેબલો લાશ લઈ લગભગ અંધારા રસ્તે એકાદ કિલોમીટર ચાલ્યા હતા, જે રસ્તો અગાઉથી કૉન્સ્ટેબલ અરવિંદ અને ચિંતને જોયો હતો. રસ્તો કાચો અને કોતરોની વચ્ચે હતો. મહેન્દ્રસિંહના કહેવા પ્રમાણે તેઓ લાશ લઈ પહોંચ્યા ત્યારે અગાઉથી ખાડો ખોદીને રાખેલો હતો અને તેમાં લાશ મૂકી તેને ત્યાં દફનાવી દેવામાં આવી હતી.

જ્યારે લાશ દાટી રહ્યા હતા ત્યારે ચારે તરફ ઘોર અંધારું હતું અને રાજપૂત અને તેમના ચાર કૉન્સ્ટેબલો સિવાય રૂપાને ક્યાં દાટી તેની કોઈને ખબર ન હતી. લાશ દાટ્યા પછી તેઓ સવારે અમદાવાદ પાછા આવવા નીકળ્યા હતા. પરમાર ધ્યાનથી મહેન્દ્રસિંહને સાંભળી રહ્યા હતા. તેમના મનમાં કેવી રીતે નિવેદન નોંધવું તેની ગડમથલ ચાલી રહી હતી. મહેન્દ્રસિંહ આખી વાત જે રીતે કહી રહ્યો હતો, તેમાં તેને કોઈ વાત યાદ કરવી પડતી ન હતી, કારણ કે સાચું બોલનારને કંઈ યાદ રાખવું પડતું નથી.
(ક્રમશ:)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular