પ્રશાંત દયાળ (શતરંજ-43, નવજીવન ન્યૂઝ): સવારનો સમય હતો. સાબરમતી સેન્ટ્રલ જેલની બહાર મુખ્ય દરવાજામાં દાખલ થતાં, જમણી તરફ મુલાકાતીઓને બેસવા માટે શેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ડાબી તરફ એક નાનકડી ચોકી જેવું બાંધકામ છે, જ્યાં ઊભો રહી એક જેલ સિપાઈ બહારની અવરજવર ઉપર નજર રાખતો હતો. બરાબર સામે મોટો લંબ ગોળાકાર દરવાજો છે જેની ઉપર મોટા અક્ષરે લખ્યું છે : ‘અમદાવાદ મધ્યસ્થ જેલ’. શેડની બાજુમાં જેલ સિપાઈ ખુરશી અને ટેબલ લઈ ઊભો હતો, ત્યાં સુધી જવા માટે લોકો લાઇનમાં ઊભા હતા. આ બધા કેદીઓનાં સગાં હતા. જેલમાં રહેલા કેદીને જેલ-મૅન્યુઅલ પ્રમાણે પંદર દિવસે એક સગાને મળવાની પરવાનગી હોય છે, તેથી કેદીઓનાં સગાં પોતાનું નામ અને કેદીનું નામ લખાવવા માટે લાઇનમાં ઊભા હતા. સવારે નામ નોંધાવી દીધા બાદ બપોરના ત્રણ વાગ્યા પછી જે કેદીનો નંબર આવે તેના સગાને એક ખાસ મુલાકાતી રૂમમાં મળવા જવા દેવામાં આવે છે. જોકે કેદી અને મુલાકાતી વચ્ચે એક લોખંડની જાળી લગાવવામાં આવેલી હોય છે.
કેદીઓનાં સગાં નામ નોંધાવી રહ્યાં હતા, ત્યાં એક મહિલા જેણે સાડી પહેરી હતી તે પણ પોતાનું નામ નોંધાવવા માટે ઊભી હતી. તેણે માથે ઓઢેલું હતું, જેના કારણે તમે તેની બરાબર સામે આવીને ના ઊભા રહો ત્યાં સુધી તેનો ચહેરો જોઈ શકાય નહીં. તેનો નંબર આવતાં સિપાઈએ ઉપર જોયા વગર પૂછ્યું, “કેદીનું નામ?” મહિલાએ જવાબ આપ્યો “કમરૂદ્દીન”. પેલાએ પાછું ઉપર જોયા વગર નોંધ કરતાં પૂછ્યું, “કોણ મળવા માગે છે?” મહિલાએ સાડીનો પાલવ વધુ માથા ઉપર ખેંચતાં કહ્યું : “કેતકી ત્રિવેદી.” તરત સિપાઈએ ઉપર જોયું. તેને લાગ્યું કે કેદી મુસ્લિમ અને મુલાકાતી હિંદુ અને તે પણ મહિલા! મહિલાને જોતાં જ સિપાઈ સમજી ગયો હતો, તે કોઈ સારા ઘરની છે. કેતકીને ડર એ વાતનો પણ હતો કે જો તે કમરૂદ્દીનને મળવા માગે છે તે વાત લીક થઈ તો કદાચ એ તેના સુધી નહીં પહોંચી શકે. કેતકીએ પોતાના જમણા હાથની મુઠ્ઠીમાં દબાવી રાખેલી પાંચસો રૂપિયાની નોટ સિપાઈ તરફ સરકાવી અને તેણે તરત પૈસા લઈ લેતાં નોંધ્યું : કેતકી ત્રિવેદી. સ્વ. મંત્રીની પત્ની કેતકી ત્યાંથી નીકળી રહ્યાં હતા, ત્યારે સિપાઈએ કહ્યું, “ત્રણ વાગ્યા સુધીમાં આવી જજો.” હવે પાંચસો રૂપિયા બોલી રહ્યા હતા.
કેતકી જેલ ઉપર આવી હતી, તે વાત તેણે પોતાના પુત્ર મુશ્કાનને પણ કહી ન હતી. ત્રણ વાગ્યે કેતકી રિક્ષા પકડી પાછી જેલ ઉપર આવી. કેદીનાં સગાંઓ જે બહારગામથી આવ્યાં હતા, તે સવારથી શેડની નીચે બેઠાં હતા, મુલાકાતનો સમય શરૂ થતાં, મુલાકાત રૂમ પાસે ઊભો રહેલો જેલ સિપાઈ મોટેથી કેદીના નામ બોલતો એટલે શેડમાં બેઠેલાં સગાં તરત રૂમમાં જઈ મુલાકાત કરતાં. દરેક વખતે દરવાજે ઊભો રહેલો સિપાઈ અંદર જનારને કહેતો : ‘પાંચ મિનિટમાં જ વાત કરી લેજો.’ સાડા ત્રણ વાગ્યે કમરૂદ્દીનનું નામ બોલાયું. કેતકી ફરી વખત પોતાના માથા ઉપર રહેલો સાડીનો પાલવ સરખો કરી, મુલાકાતી ખંડ તરફ આગળ વધી. તેને ડર પણ લાગતો હતો ક્યાંક કોઈ ઓળખી જશે! આ રીતે જેલમાં કોઈની પણ જાણ બહાર તે કોઈ કેદીને મળવા આવી હતી અને એવા કેદીને જેણે પોતાના પતિની હત્યા કરી હતી, તેની સાથે તે વાત કરવા માગતી હતી. તેને ડર પણ હતો. છતાં ખબર નહીં કેમ તેની અંદર એક પ્રકારનો આત્મવિશ્વાસ પણ હતો કે તેણે જે કામ હાથમાં લીધું છે તેને પૂરું કરશે.
રૂમમાં દાખલ થતી વખતે જ તેણે સવારે કર્યું હતું તેમ સિપાઈના હાથમાં પાંચસોની નોટ મૂકી દીધી. તેણે કેતકીને પાંચ મિનિટની સૂચના આપી નહીં. કમરૂદ્દીનને પણ આશ્ચર્ય તે વાતનું હતું કે, આટલા મહિના થઈ ગયા… તેને જેલ ઉપર મળવા તેના વકીલ સિવાય કોઈ નહોતું આવતું તો હવે કોણ આવ્યું હશે! હુબલીથી આજ સુધી કોઈ આવ્યું ન હતું. કેતકી મુલાકાત રૂમમાં દાખલ થઈ. તેણે જોયું તો લોખંડની જાળીની પેલી તરફ એક પાતળા બાંધાનો યુવક ઊભો હતો. હજી તેની ઉંમર તેમના પુત્ર મુશ્કાન જેટલી જ હતી. કેતકી રૂબરૂમાં તેને પહેલી વખત જોઈ રહી હતી. તેની આંખોમાં પ્રશ્નો હતા. તે પણ કેતકીને પહેલી વખત જોઈ રહ્યો હતો. કેતકી જાળી પાસે પહોંચી પણ વાત ક્યાંથી શરૂ કરવી તેની મૂંઝવણ હતી. બંને વચ્ચે કોઈ સંવાદ ન હતો. કેતકીએ જ પોતાનો પરિચય આપતા કહ્યું, “કમરૂદ્દીન, મેરા નામ કેતકી ત્રિવેદી હૈ, મૈં કિરણ ત્રિવેદી કી બીવી હૂં, અબ મૈં ઉસકી બેવા કે નામ સે જાની જાતી હૂં.” કમરૂદ્દીને પોતાની નજર નીચી કરી નાખી, એટલે તરત જ કેતકીએ તેને કહ્યું, ‘મુઝે માલૂમ હૈ, તુમને કિરણ પે ગોલી નહીં ચલાઈ, તુમ જૂઠ બોલ રહે હો’. કમરૂદ્દીને આશ્ચર્ય સાથે ઉપર જોયું. તે પોતે પોલીસ સામે નિવેદન આપી ચૂક્યો હતો કે તેણે જ કિરણ ત્રિવેદી ઉપર ગોળી ચલાવી છે અને તેની પત્ની ના પાડી રહી હતી! તેને આખી વાત બહુ વિચિત્ર લાગી રહી હતી. તેણે કેતકી સામે જોતાં કહ્યું, “મૈંને હી ગોલી ચલાઈ થી.” કેતકી તેની આંખોમાં જોઈ રહી હતી. તે અંદાજ મેળવવાનો પ્રયત્ન કરી રહી હતી કે, તે કેટલું સાચું બોલે છે. કેતકીએ નકારમાં માથું હલાવતાં કહ્યું, “ક્યું અપની જિંદગી બરબાદ કર રહા હૈ. જો ગુનાહ તૂને નહીં કિયા ઉસકી સજા ક્યૂં ભોગના ચાહતા હૈ.” કમરૂદ્દીને ઊંડો શ્વાસ લીધો. તેને થતું હતું કે આ સ્ત્રી પાગલ તો નથી? પોતાના જ પતિના હત્યારાને ક્લિનચીટ આપી રહી છે!
કેતકીએ તેની સામે એક શરત મૂકી : “મૈં તેરા કેસ લડને કો હિંદુસ્તાન કે સબ સે બડે વકીલ કો રોકૂંગી. બસ તુઝે સચ બોલના હૈ, ઔર બતાના હૈ, કિ તૂને કિસકે ઇશારે પે યહ કામ કિયા હૈ?” કમરૂદ્દીન શાંત થઈ ગયો. તેને સમજાતું ન હતું કે તે કેતકીને કેવી રીતે સમજાવે? તેણે લોખંડની જાળી મજબૂત રીતે પકડતાં જરા ગુસ્સામાં કહ્યું, “દેખો, તુમ્હે મેરી મદદ કરને કી કોઈ જરૂરત નહીં હૈ! મૈંને તેરે પતિ કો ગોલી મારી ક્યોંકિ વો મેરી કોમ કા દુશ્મન થા, ઔર ઉસને મેરી કોમ કે કઈ લોગોં કી જાન લી થી.” કેતકી એકદમ ચીસ પાડી ઊઠી : “નહીં, વો તેરી કોમ કા દુશ્મન નહીં થા, ઉસને કિસી કી જાન નહીં લી.” કેતકીનો અવાજ સાંભળી જેલ સિપાઈ દોડતો અંદર આવ્યો. કેતકીને તરત ખ્યાલ આવી ગયો. તેણે પોતાને સ્વસ્થ કરવાનો પ્રયત્ન કર્યો અને સિપાઈને સૉરી કહીને પોતાની વાત ચાલુ રાખી : “દેખ કમરૂદ્દીન, આજ નહીં તો કભી ભી, તુઝે લગે, તૂ સચ બોલના ચાહતા હૈ, ઔર મૈં તેરી મદદ કર સકતી હૂં તો મૈં તૈયાર હૂં.” આટલું બોલી તે જેલના મુલાકાત રૂમમાંથી બહાર નીકળી, સડસડાટ જેલના મુખ્ય દરવાજા બહાર નીકળી ગઈ. તેને હતું તેવું થયું નહીં. કમરૂદ્દીન પણ પોતાને જ ગુનેગાર માની રહ્યો હતો.
સાંજનો સમય હતો. વિનય તોમર ઉતાવળે ક્રાઇમ-બ્રાન્ચમાં દાખલ થયો અને સીધો વછરાજાનીની ચેમ્બરમાં ગયો. તેણે સમાચાર આપ્યા કે, મૌલવી જલાલુદ્દીનના પિતાએ પોતાની પુત્રવધૂ અને પૌત્ર ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ વેજલપુર પોલીસમાં નોંધાવી છે. વછરાજાનીને આશ્ચર્ય થયું. તેમના ઘરે તો પોલીસ પહેરો બેસાડવામાં આવ્યો હતો. માની લો કે પરિવારને મળવા માટે પણ જલાલ આવવાની ભૂલ કરે તો પકડાઈ જાય. પરંતુ આ તો કંઈક જુદું જ બની રહ્યું હતું! પોલીસ પહેરા વચ્ચે જલાલનો પરિવાર ગાયબ થઈ જાય તે વાત કંઈ સમજાય તેમ ન હતી. આમાં તો ક્રાઇમ-બ્રાન્ચની આબરૂ જવાનો પણ સવાલ હતો, કારણ કે જે આરોપીને પકડવા માટે પોલીસ હાજર હોય અને તેનો પરિવાર લાપત્તા થઈ જાય અને તેની ફરિયાદ પણ નોંધાઈ જાય તે વાત નાલેશી ભરેલી હતી. વછરાજાનીને તો પહેલાં સૂઝ્યું જ નહીં કે શું કરવું, પણ તેમને લાગ્યું કે, આ અંગે પોલીસ-કમિશનરનું ધ્યાન દોરી દેવું જોઈએ. તેમણે તરત કમિશનર રાજન પુંડરિકને ફોન જોડ્યો અને જલાલનો પરિવાર ગાયબ હોવાની જાણ કરી. પણ તેમનું રિઍક્શન કંઈક આવું હતું : “વછરાજાની, આ રાજ્યમાંથી રોજ કેટલા લોકો ગુમ થાય છે, તે કંઈ આપણી જવાબદારી નથી. જલાલનો પરિવાર જતો રહ્યો છે, કોઈ વાત નહીં, કોઈ તેમના અપહરણની ફરિયાદ આપે તો આપણે જોઈશું.”
વછરાજાનીએ તરત પોતાના માણસોને જલાલના ઘરે મોકલી તેના પતિને બોલાવી લાવવાની સૂચના આપી હતી. તેમને ક્રાઇમ-બ્રાન્ચમાં લાવી પૂછતાં તેમણે તો એક જ વાક્યમાં જવાબ આપ્યો : “સા’બ સુબહ ઉઠ કે દેખા તો કોઈ નહીં થા. મૈંને નીચે ખડે પોલીસવાલા કો પૂછા તો વો બોલા પતા નહીં, ઇસ લિયે મૈંને પોલીસ કમ્પલેન્ટ કર દી.” જલાલના પિતાની આંખો કહી રહી હતી કે તે ખોટું બોલી રહ્યા છે, પણ તેમની ઉંમર જોતાં તેમની સાથે જબરજસ્તી થાય તેમ ન હતી. પોલીસપહેરામાં રહેલા ત્રણ પોલીસવાળાને સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કરવામાં આવ્યો હતો. પણ આ બધી કાર્યવાહી થઈ, તે પહેલાં જલાલનો પરિવાર ભારત છોડી કરાંચી જલાલની પાસે પહોંચી ગયો હતો. હવે તેમણે કાયમ માટે ત્યાં જ રહેવાનો નિર્ણય કર્યો હતો અને તેની બધી વ્યવસ્થા ઇન્દ્રસિંહ જાડેજાએ કરી આપી હતી.
જલાલ પોતાના પિતાને પણ પોતાની સાથે પાકિસ્તાન લઈ જવા માગતો હતો. એક તરફ તેના પિતાને આઘાત લાગ્યો હતો કે, તેના પુત્રએ જે કર્યું તે અંગે તેને માફ કરી શકે તેમ ન હતા; બીજી તરફ આખી જિંદગી જે દેશમાં ગુજારી, હવે પુત્રપ્રેમને કારણે દેશ છોડી જિંદગીના આખરી દિવસો બીજા દેશમાં પસાર કરવાનું તેમને મંજૂર ન હતું. જ્યારે જલાલે કાયમ માટે દેશને અલવિદા કરવાનો નિર્ણય કર્યો ત્યારે તેમના પિતાએ સ્પષ્ટ શબ્દોમાં ‘ભારતમાં જ દફન થઈશ’, તેવું પોતાના પુત્ર જલાલને કહી દીધું હતું. તેમને પહેલું દુ:ખ પોતાનો પુત્ર દેશ છોડી ગયો તેનું હતું. બીજું હવે પુત્રવધૂ અને પૌત્ર પણ તેમને છોડી જઈ રહ્યાં હતાં. તેમને ખબર હતી કે, તેઓ હવે ક્યારેય પાછાં આવશે નહીં.
(ક્રમશ:)








