નવજીવન ન્યૂઝ. દમણઃ ગુજરાતના પાડોશમાં આવેલા સંધ પ્રદેશ દમણમાં પાંચ દિવસ પહેલા એક શંકાસ્પદ લાશ મળી આવી હતી. જોકે આ લાશ યુવકના ઘરમાંથી જ મળી આવી હતી. યુવકની હત્યા થતાં તેની પત્નીએ જ મૃતદેહ અંગે પોલીસને જાણ કરી હતી. જોકે પત્નીના નિવેદનોના કારણે શરૂઆતથી જ પત્ની શંકાના દાયરામાં આવી હતી. પોલીસની પાંચ દિવસની તપાસ બાદ આ હત્યા પત્નીએ જ કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
ગત શુક્રવારે દમણના ખારીવાડમાં આવેલી ગોકુલધામ સોસાયટીમાં બિલ્ડીંગના સાતમાં માળે રહેતા સંજીવ બેનરજીનીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. જે અંગેની જાણ પત્ની મમતા બેનરજીએ પોલીસમાં કરી હતી. પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ફ્લેટ ખાતે દોડી આવી હતી. પોલીસે તપાસ કરતાં અસહ્ય દુર્ગંધ મારતી લાશ મળી આવી હતી. જેથી પોલીસે લાશનો કબ્જો લઈને લાશને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસને લાશ પર ઈજાના અનેક નિશાનો પણ જોવા મળ્યા હતા. જેથી પોલીસે હત્યા થઈ હોવાની દિશામાં તપાસનો દોર શરૂ કર્યો હતો.
પોલીસને શરૂઆતથી જ પત્ની મમતાની વર્તણૂક અને ભૂમિકા શંકાસ્પદ લાગી રહી હતી. સાથે જ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ સંજીવની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે પત્નીની સધન પુછપરછ કરતાં સંજીવની હત્યા તેની પત્ની મમતાએ જ કરી હોવાનું સામે આવ્યું હતું. મમાતા સંજીવની ત્રીજી પત્ની હતી. અગાઉ સંજીવના બે વખત લગ્ન થયા હતા, જેમાં પહેલી પત્ની બંગાળમાં અને બીજી વડોદરામાં રહેતી હતી. મમતા અને સંજીવના લગ્ન જીવન દરમિયાન બે પુત્રીઓ પણ હતી. જેમાં એક 13 વર્ષની અને એક માત્ર 14 દિવસની હતી.
મમતાને સંજીવની પત્નીઓ સાથે મિલકતના ભાગલા અને પૈસાની લેવડદેવડના કારણે તકરાર થતી હતી. જેથી મમતાએ આવેશમાં આવીને સંજીવ પર કાચની બોટલ વડે હુમલો કરી નાખ્યો હતો. જેમાં સંજીવનું મોત નિપજ્યું હતું. સંજીવને મોતને ઘાટ ઉતાર્યા બાદ બે દિવસ સુઘી પત્ની પતિના લાશ સાથે ઘરમાં રહેતી હતી. જોકે ઘરમાંથી લાશની દુર્ગંધ આવતા તેણે ઘરમાં મોડી રાત સુધી ઘરમાં સાફસફાઈ કરી હતી. આ દરમિયાન પાણી ઘરની બહાર આવતા પાડોશીઓને પણ દુર્ગંધ આવી હતી. મોડી રાત્રે ઘરમાંથી પાણીનો અવાજ આવતા વોચમેને ઘરે જઈને તપાસ કરતાં પત્ની મમતાની વર્તણૂક શંકાસ્પદ લાગી હતી. પતિની હત્યાના મામલે દમણ પોલીસે પત્ની મમતાની ઘરપકડ કરી છે. પિતાનું મોત થતાં અને માતા જેલમાં જતાં બે પુત્રીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે.