Sunday, April 19, 2026
HomeGujaratAhmedabadહિન્દુસ્તાનમાં સત્યાગ્રહનાં પ્રથમ કેન્દ્રનું રિડેવલપમેન્ટ

હિન્દુસ્તાનમાં સત્યાગ્રહનાં પ્રથમ કેન્દ્રનું રિડેવલપમેન્ટ

- Advertisement -

કિરણ કાપૂરે(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): વર્તમાન સરકારે દેશમાં હેરિટેજ સાઇટને હવે નવી રીતે ડેવલપ કરવાની કવાયત ઉપાડી છે અને એ રીતે દેશના અનેક હેરિટેજ ઇમારતોને અને સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ કવાયત હેઠળ જ ગઈકાલે અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનાં (sabarmati ashram redevelopment project) પ્રથમ હિસ્સાની શરૂઆત થશે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી એવું કન્ફર્મ થયું છે કે આ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અમદાવાદ (Ahmedabad) આવશે. અમદાવાદમાં આવેલું સાબરમતી આશ્રમ ગાંધીજીની જે ધરોહર ગુજરાતમાં છે તેમાં કેન્દ્ર સ્થાને આવી શકે. આ આશ્રમ સ્થાપના જૂન, 1917માં થઈ હતી. હાલમાં સાબરમતી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનું અનાવરણ થશે અને અત્યારે જે છે તે આશ્રમ હવે પછી નવી રીતે ડેવલપ થયેલો જોવા મળશે.

Sabarmati Ashram Redevelopment Project
Sabarmati Ashram Redevelopment Project

દક્ષિણ આફ્રિકાથી 1915માં ગાંધીજી ભારત આવ્યા ત્યારે તેમણે દેશમાં અનેક સ્થળે આશ્રમ સ્થાપવા માટે જગ્યા જોઈ, પરંતુ આખરે તેમણે અમદાવાદ પસંદ કર્યું. મે 1915માં અમદાવાદમાં પહેલોવહેલો જે આશ્રમ સ્થાપ્યો તે કોચરબ ખાતે. જોકે ધીરે ધીરે આશ્રમવાસીઓની સંખ્યા વધવા લાગી એટલે કોચરબ આશ્રમનું મકાન નાનુ પડવા લાગ્યું. ગાંધીજી ઇચ્છતા હતા કે હવે થોડી મોટી જમીન લઈને ત્યાં આશ્રમનું નિર્માણ કરવામાં આવે. એમાંય વળી, અમદાવાદમાં આ જ સમયે મરકી(પ્લેગ)ની બીમારી ફાટી નીકળી એટલે બાળકોને આ બધાથી સુરક્ષિત રાખવા અને સ્વચ્છતા કેળવવા માટે પણ મોટી જગ્યાએ આશ્રમ બાંધવો જરૂરી થઈ પડ્યું. આ માટે યોગ્ય જમીનની શોધખોળ ચાલુ કરી. ગાંધીજીના વિચારો અને આશ્રમ જીવનથી પ્રભાવિત એવા અમદાવાદના વ્યાપારી પૂંજાભાઈ હિરચંદને ગાંધીજીએ આશ્રમ માટે નવી જમીન શોધવાની જવાબદારી સોંપી. ગાંધીજી પોતે પણ તેમની સાથે થોડું ફર્યા. પૂંજાભાઈએ થોડા જ દિવસોમાં આ નવી જમીન શોધી કાઢી. ગાંધીજી એ જમીન જોવા ગયા ત્યારે તેનું વર્ણન પણ તેમણે કર્યું છે. તે કોચરબ આશ્રમથી ચારેક માઇલ એટલે કે ચારેક કિ.મી. દૂર હતી. તેની એક તરફ સાબરમતી નદી વહી રહી હતી. થોડા જ અંતરે સાબરમતી જેલ આવેલી હતી. આસપાસ જરાય રહેણાંક વિસ્તાર નહોતો. ન તો ત્યાં એકેય મકાન હતું કે ન મોટાં ઝાડ હતા. ગાંધીજીને શહેરની ધમાલથી દૂર એવી આ જમીન પસંદ આવી અને માત્ર આઠ દિવસની અંદર જમીનનો સોદો પાર પાડી દીધો.
શરૂઆતમાં સૌ અહીં તંબુ અને પતરાના છાપરમાં રહે તેવું નક્કી કર્યું. વરસાદની ઋતુ માથે હતી. આવી વરસાદની ઋતુમાં કોચરબ ખાતેથી સામાન લાવવો, ખુલ્લી જમીનમાં અને નદી કાંઠે તંબુમાં રહેવું વગેરે મુશ્કેલીભર્યા કામો હતો. અહીં સાપ પુષ્કળ નીકળતા હતા. જોકે અહિંસાના પૂજારી એવા ગાંધીજીએ પહેલેથી જ નિયમ બનાવ્યો હતો કે ક્યારેય પણ સર્પ આદિ જીવોને મારવા નહીં. આશ્રમમાં સાપ દેખાય એટલે એને પકડીને દૂર છોડી આવવામાં આવતો. ગાંધીજી આત્મકથામાં નોંધે છે તેમ આટલાં સાપ હોવા છતાં ક્યારેય કોઈને કરડ્યા નહોતા. આશ્રમમાં એ કાળે ચાલીસ જેટલાં સ્ત્રી-પુરૂષો હતા. બધા એક જ રસોડે જમતા હતા. રસોડા માટે પણ કામચલાઉ છાપરું તૈયાર કરવામાં આવ્યું હતું.

- Advertisement -
Master plan
Master plan

આ દરમિયાન ગાંધીજીને બિહારના ચંપારણ ખાતે ગળીના ખેડૂતો સાથે થતાં અન્યાયના ખબર ધ્યાનમાં આવ્યા અને ગાંધીજીએ ચંપારણ જઈ લડત આરંભી. ગાંધીજીની ગેરહાજરીમાં કોચરબ આશ્રમનો કારભાર મગનભાઈ ગાંધી જ સંભાળતા હતા અને હવે નવી જમીન પરના આશ્રમની જવાબદારી પણ મગનલાલ ગાંધીના માથે આવી પડી. આશ્રમવાસીઓ આશ્રમના નિર્માણમાં સૌ ખભેખભા મિલાવીને કાર્ય કરવામાં લાગી ગયા. આખરે, 17 જૂન, 1917ના રોજ ગાંધીજીની ગેરહાજરીમાં નવી ખરીદેલી જમીન પર સાબરમતી આશ્રમની સ્થાપના વિધિવત્ સ્થાપના કરવામાં આવી.

આશ્રમમાં ઇંટચૂનાના સાદા મકાનો ચણવામાં આવ્યા. ગાંધીજીની કુટીર પણ તૈયાર કરવામાં આવી. ગાંધીજીએ આ કુટીર, તેના આંગણા, તેના ઓટલા વગેરે કેવા હોવા જોઈએ તેના વિશે સુચનો આપ્યા હતા. આશ્રમની પૂર્વ તરફ સાબરમતી નદી ખળખળ વહેતી હતી. અહીં મીરાબહેનની મીરા કુટિર, મગન નિવાસ, વિનોબા કુટિર, ગાંધીજીની હૃદયકુંજ કુટિર વગેરે આશ્રમના પરીસરમાં હજુ આજે પણ જોઈ શકાય છે. આ બધા જ મકાનો બરોબર નદીની સામે આવેલાં હતા.

આશ્રમમાં જ શાળા અને છાત્રાલય ચાલતાં હતાં. એટલે શિક્ષકોને રહેવાના પણ મકાનો પણ શાળાના મકાનોમાં હતા. શાળના ડેલાની ઉત્તરે નાનકડો પણ સુંદર બગીચો હતો. આશ્રમવાસીઓ જાતે જ ખેતીકામ, હાથવણાટ, સુથારીકામ, મોચીકામ વગેરે કરતા. જેથી સ્વનિર્ભતા અને પરીશ્રમના પાઠ શીખવા મળતા. આશ્રમથી થોડે જ અંતરે જૂના વાડજ પાસે ‘પારસીનો બંગલો’ કરીને એક મોટું મકાન હતું. આ બંગલાની ચારેય બાજુ ખેતરો આવેલા હતા અને આંગણામાં મોટો કૂવો હતો. ધીરે ધીરે આશ્રમમાં રહેવા આવનારની સંખ્યા વધતી ગઈ. એ પછી એવો સમય આવ્યો કે આશ્રમ નવા રહેવાસીઓ માટે જગ્યા જ ન રહી. આવા સમયે નવા આવનારા કુટુંબોની રહેવાની વ્યવસ્થા અહીં કરવામાં આવી હતી. જ્યારે આશ્રમનું નિર્માણ થયું ત્યારે 40 જેટલાં લોકો હતા, પરંતુ 1930 આવતા સુધીમાં તો 300 લોકો આશ્રમવાસી તરીકે અહીં રહેતા હતા.

- Advertisement -

આશ્રમમાં બધા માટે એક મોટું રસોડુ ચાલતું. સવારે નાસ્તામાં આશ્રમમાં જ બનાવેલી પાઉં-રોટીના બે કટકા અને ઘઉંની રાબ મળતી હતી. ડ્રાયફ્રૂટ પણ બાળકોને આપવામાં આવતા હતા. સવારે સૌ ચાર વાગે ઊઠીને નાહી-ધોઈને તૈયાર થઈને પ્રાંગણમાં થતી પ્રાર્થનામાં હાજરી આપતા. સંગીત શિક્ષક નારાયણ ખરે પ્રાર્થના કરાવતા. આશ્રમશાળામાં ભણતર ઉપરાંત વણાટકામ, સુથારીકામ, સુથારીકામ વગેરે શીખવવામાં આવતું હતું. આશ્રમના વિદ્યાર્થીઓ એક હસ્ત લિખિત સામયિક પણ કાઢતા હતા. જેનું નામ ‘મધપૂડો’ હતું. આ મધપૂડો સામયિકમાં કાકા સાહેબકાલેલકર, જુગતરામ દવે, ગાંધીજી, વિનોબા ભાવે, નરહરિ પરિખ, કિશોરલાલ મશરૂવાળા વગેરે પણ નિયમિત લખતા હતા. આ સામયિક દરે બે મહિને પ્રગટ થતું. સાંજે પ્રાર્થના પૂરી થાય એ પછી ફાનસના અજવાળામાં મધપૂડાનું જાહેર વાચન થતું હતું.

આશ્રમમાં જીવદયાના પ્રસંગોઃ

આશ્રમમાં સાપ જેવો જીવો બહું આવતા. એકવાર ગાંધીજી સાંજની પ્રાર્થના પછી આશ્રમવાસી રાવજીભાઈ પટેલ ચર્ચા કરવા બેઠા હતા. અચાનક એક સાપ ક્યાંકથી આવી ચડ્યો. સરર સરકતો સાપ સીધો જ ગાંધીજીની ચાદર પર અને ત્યાંથી તેમના ખભા પર પહોંચી ગયો. રાવજીભાઈએ ઇશારો કરી ગાંધીજીને સ્થિર બેસવા કહ્યું. ગાંધીજી સ્થિર બેઠાં એટલે રાવજીભાઈએ ચાદર સાપ પર ફેંકી અને સાપને તેમાં વીંટાળી સાપને દૂર ફેંકી દીધો. ગાંધીજી દક્ષિણ આફ્રિકા હતા ત્યારે તેમના ટૉલ્સટોય અને ફિનિક્સ આશ્રમમાં પણ આ જ રીતે સાપ, વિંછી જેવા જીવો નીકળતા. પરંતુ ત્યાં પણ તેઓને હાનિ નહીં પહોંચાડવાનો નિયમ જે હતો તે અહીં પણ બરોબર પાળવામાં આવ્યો હતો.

- Advertisement -

જોકે અહિંસા બાબતે જરા પણ ચૂક ન ચલાવતા અને પોતાના સાથીઓ કે પોતાની સાથે જોડાયેલી વ્યક્તિઓ દ્વારા હિંસા થયાનું જાણીને તરત જ ઉપવાસ કરતા ગાંધીજીના જીવનમાં અહીં સાબરમતી આશ્રમમાં રહેવા સમયે જ બે પ્રસંગો એવા બન્યા હતા કે જ્યારે ગાંધીજીએ અહિંસા અને જીવદયાના બાબતે આપણે કલ્પી પણ ન શકીએ તેવા પગલાં લીધા હતા.

1) પ્રસંગ પહેલોઃ આ પહેલો પ્રસંગ 1926નો છે. એ સમયે અમદાવાદમાં એક ઉદ્યોગપતિ શેઠે તેની મિલના કેટલાંક કુતરાં હડકાયા થયા હતા તેમને ગોળી મારીને મારી નાંખ્યા હતા. આ ઘટનાની ચારે તરફ ટીકા થઈ હતી. ગાંધીજીને આ મિલ માલિકે પોતાની દ્વિધા જણાવી અને કહ્યું કે ‘મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. મેં મહાજનો, મ્યુનિસિપાલટી અને સરકાર પાસે મદદ માંગી હતી. પરંતુ કોઈએ તેમની મદદ ન કરી. જો મેં આ હડકાયા કુતરાંને મારી ન નાંખ્યા હોત તો તેઓ માણસોને કરડત અને તેઓના જીવ જોખમમાં મુકાત.’ આ ઘટના બાબતે ગાંધીજીએ અનેક દાખલા દલીલો આપીને શેઠના પગલાને યોગ્ય ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે રખડતા કુતરાને બચાવીને આપણે પાપ કરીએ છીએ. આજે અહિંસાના નામે આપણે અજ્ઞાનને વશ રહી હિંસા પ્રવર્તાવી રહ્યા છીએ. જોકે ગાંધીજીના આ વલણની જીવદયાપ્રેમીઓએ ભારે ટીકા કરી હતી અને તેઓએ પત્રો લખીને ગાંધીજી તરફ નારાજગી વ્યક્ત કરી હતી.

2) પ્રસંગ બીજોઃ સપ્ટેમ્બર 1928માં આશ્રમમાં એક વાછરડું ખૂબ બિમાર પડ્યું હતું. તે દર્દથી કણસતું અને પીડાતું રહેતું હતું. તેની પીડા કોઈનાથી જોઈ જાય તેમ નહોતી. વાછરડાને તેના દુઃખમાંથી બચાવવાનો કોઈ ઉપાય ન રહેતા છેવટે ગાંધીજીએ તેને ઝેરની પિચકારી(ઇન્જેક્શન) અપાવી તેના જીવનનો અંત આણ્યો હતો. આ સમયે ગાંધીજીની બહું ટીકા થઈ હતી. આ સમયે ગાંધીજી વાછરડાને પીડામાંથી મુક્તિ અપાવવા માટે આ પગલું લીધું હતું એ સમજાવતો એક લાંબો લેખ નવજીવનમાં લખ્યો હતો.

આશ્રમમાં ગાંધીજીની ગંભીર બિમારી :

ગાંધીજીને મરડાની સખત તકલીફ હતી. ખેડા સત્યાગ્રહ અને બીજા કાર્યક્રમોને કારણે ગાંધીજીએ અવાર-નવાર નડિયાદ જવાનું થતું. ઑગસ્ટ મહિનામાં તેઓ નડિયાદ હતા અને ત્યાં જ તેમની તબિયત બગડી. અહીં તેઓ દસ દિવસ સુધી સખત માંદગીમાં પીડાયા. છેવટે અમદાવાદથી ડોક્ટર આવ્યા અને તપસ્યા. તેમને અંબાલાલ સારાભાઈના બંગલે રાખવામાં આવ્યા અને અહીંથી જ તેમની સારવાર ચાલુ રાખવામાં આવી. જો કે ગાંધીજીએ દવાઓ લેવાનો ઇનકાર કર્યો, ખોરાકના પ્રયોગો ચાલુ રાખ્યા. બિમારી વધતી જતી હતી. આખરે, તેઓ પોતે મરવાનું હશે તો આશ્રમમાં જ મરશે એમ નક્કી કર્યું, લોકોનો ખૂબ આગ્રહ છતાં તેઓ અંબાલાલનો બંગલો છોડી આશ્રમમાં આવી ગયા. પૂરા એક મહિનાથી પણ વધુ સમયે તેઓ ભયંકર રીતે તાવ, મરડો જેવી બિમારીથી પીડાયા. 1 ઓક્ટોબરે ગાંધીજીની હાલત ખૂબ બગડી. હૃદય પર અસર થઈ, ધબકાર અનિયમિત થઈ ગયા. ગાંધીજીનો અંત સૌને નજીક દેખાવા લાગ્યો. તાત્કાલિક આશ્રમવાસીઓને બોલાવ્યા. તેમના પુત્રો હરિલાલ ગાંધી અને દેવદાસ ગાંધીને પણ તાર કરી દીધો.

મરડાની બિમારીએ ગાંધીજીને અઢી-ત્રણ મહિના સુધી ભયંકર પીડા અને દુઃખ આપ્યું. આ દરમિયાન તેઓએ મોટાભાગે આશ્રમમાં રહીને જ આરામ કર્યો. જોકે અખબારોમાં લેખો લખવાનું અને પત્રોના જવાબ આપવાનું કામ તેમણે અટકાવ્યું નહોતું.

દેશ-વિદેશના મહેમાનો :

ગાંધીજીને આશ્રમમાં મળવા માટે દેશ-વિદેશથી અનેક મહેમાનો આવતા હતા. જેઓ આશ્રમમાં રોકાતા ત્યારે તેમણે આશ્રમના નિયમોનું પાલન કરવાનું રહેતું અને રોજિંદા કાર્યો તે મુજબ કરવાના રહેતા હતા. આ મહેમાનોમાં રવિન્દ્રનાથ ટાગોર, લાલા લજપતરાય, આનંદશંકર ધ્રુવ, કવિયત્રી સરલાદેવી, પ્રાણજીવનદાસ મહેતા વગેરેનો સમાવેશ થતો હતો. વિદેશથી પણ અનેક મહેમાનો આવતા.

હવે જ્યારે સાબરમતી આશ્રમ રિડેવલપમેન્ટ થવા જઈ રહ્યો છે ત્યારે તેનો ઉદ્દેશ્ય શો હતો અને ત્યાં ચાલતી પ્રવૃત્તિનો ખ્યાલ આવે તે અર્થે અહીંયા થોડી વિગતો મૂકી છે. આશા છે ગાંધીજીનું સત્વ નવા રિડેવલપમેન્ટ થઈ રહેલા આશ્રમમાં આપણને સૌને જોવા મળશે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular