કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ભારતીય રાજનીતિમાં હાલમાં એક તરફ ઢળી જવાનો યુગ ચાલી રહ્યો છે. ગુજરાતમાં તો જાણે કૉંગ્રેસમાંથી ભાજપમાં જવાની હોડ લાગી છે. છેલ્લા ચાર દાયકાથી કૉંગ્રેસ સાથે જોડાયેલા અર્જુન મોઢવાડિયા પણ ગત્ અઠવાડિયે ભાજપમાં સામેલ થયા. છેલ્લા બે દાયકામાં અર્જુન મોઢવાડિયાની ભાજપ અને નરેન્દ્ર મોદીના સખત ટિકાકાર તરીકે ગણના થતી, પણ સત્તાના ભાજપીય વાયરામાં તેમણે કેસરી ખેસ પહેરવાનું સ્વીકારી લીધું. માત્ર ગુજરાતમાં નહીં, મહારાષ્ટ્રમાં શિવસેના અને શરદ પવારની પાર્ટી ‘એનસીપી’માં જે થયું તેમાં પણ સૌને સત્તામાં રહેવા માટે ભાજપની યુતિ જ વિકલ્પ દેખાવા લાગી છે. ઓરિસ્સાની મજબૂત પાર્ટી ‘બીજુ જનતા દળ’ પણ ફરી વાર ભાજપની આગેવાની હેઠળના ‘નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ’ સાથે હાથ મિલાવ્યા છે. બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમાર ફરી ભાજપના મિત્રવર્તુળમાં આવી ચૂક્યા છે. આમ દેશમાં કેટલાંક અપવાદોને બાદ કરતાં ભાજપનું વાવાઝોડું વિરોધીઓને ધ્વસ્ત કરી દે એમ લાગે છે. ભાજપે છેલ્લા વર્ષોમાં અદ્વિતિય સફળતા હાંસલ કરી છે. આ સફળતા ભાજપને (BJP) કેવી રીતે મળી તે અંગે પત્રકાર સબા નકવીએ (Saba Naqvi) ‘ધ સેફ્રોન સ્ટોર્મ : ફ્રોમ વાજપેયી ટુ મોદી’ (The Saffron Storm) પુસ્તક લખ્યું છે, જે હાલમાં જ પ્રકાશિત થયું છે. આ પુસ્તકની બધી તો વાત અહીં ન થઈ શકે પણ પુસ્તકની કેટલીક રસપ્રદ બાબતો જાણી લેવી જોઈએ.
સબા નકવી લખે છે કે, ‘વર્ષ 2022માં ઉત્તર પ્રદેશમાં બીજી વાર વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવીને ભાજપ પક્ષ તરીકે વધુ મજબૂત થયું. ઉત્તર પ્રદેશમાંથી 80 સાંસદ ચૂંટાય છે, બીજું સૌથી વધુ સાંસદ ચૂંટીને મોકલતું રાજ્ય મહારાષ્ટ્ર છે. ઉત્તર પ્રદેશના પરિણામ બાદ 2002નું બીજો મોટો રાજકીય ફેરફાર થયો તે મહારાષ્ટ્રમાં જ્યાં ત્રણ પક્ષોનાં ગઠબંધનથી [કૉંગ્રેસ, શિવસેના અને ‘એનસીપી’] સરકાર રચાઈ હતી; તે 2022માં તૂટી પડી. આવું થવાનું કારણ શિવસેનમાંથી મોટા ભાગના ધારાસભ્યોએ એક જૂથ બનાવીને ભાજપ સાથે સરકાર બનાવવા તૈયાર થયા. શિવસેનામાંથી અલગ થયેલાં ધારાસભ્યોની આગેવાની એકનાથ શિંદેએ લીધી હતી, જે હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે. તે પછી 2023માં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી શરદ પવારે સ્થાપેલા પક્ષ ‘નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી’[એનસીપી]માં પણ શિવસેનાની જેમ ભંગાણ પડ્યું. મહારાષ્ટ્રની આમ બે મહત્ત્વના રાજકીય પક્ષોમાં જે ભંગાણ પડ્યાં તેમાંથી એક જૂથ ભાજપ સાથે ગયું, જ્યારે બીજું તે જ પક્ષમાં રહ્યું.’
પક્ષોમાં થઈ રહેલાં ભંગાણ સંદર્ભે લેખિકા સબા નકવી ‘એન્ફોર્સમેન્ટ ઇફેક્ટ’ એટલે કે જોરજબરદસ્તીની અસર પણ જુએ છે. તેઓ લખે છે : ‘હું ધારું કે આપણે દેશના સૌથી વધુ વસતી ધરાવનારા બે રાજ્યોમાં 2022ના વર્ષમાં સૌથી મહત્ત્વની બે ઘટના જોઈ હતી. તેમાંની પ્રથમ ઘટના ઉત્તર પ્રદેશની છે; જ્યાં ભાજપ દસ ટકા વોટિંગ હિસ્સોથી વિધાનસભાની ચૂંટણી જીતી હોવા છતાં સમાજવાદી પાર્ટીનો વોટિંગ હિસ્સો 32 ટકા રહ્યો છે, જે કારણે તે પક્ષ પડકારસમો છે. આ દરમિયાન જ ઉત્તર પ્રદેશની એક બીજી મહત્ત્વની પાર્ટી જેનો 2017માં વોટિંગ હિસ્સો 22 ટકા ઘટી ચૂક્યો હતો અને 2022માં માત્ર 22 ટકા રહ્યો હતો. આ પક્ષના મહદંશે વોટ ભાજપના ખાતામાં ગયા છે. હવે આ પક્ષ પર પ્રશ્નાર્થ લાગી ચૂક્યો છે તે ‘બહુજન સમાજ પક્ષ’ છે. માયાવતીના આગેવાનીમાં ‘બહુજન સમાજ પક્ષ’ હવે સામાન્ય રીતે જેમ ચાલવો જોઈએ તેમ નથી ચાલતો, કારણ કે તેના નેતાઓ ભ્રષ્ટાચારના કેસને લઈને ભયભીત છે અને તેમને એમ લાગે છે કે જો તેમના કેસ ખુલશે તો તેમની જગ્યા જેલ હશે.’
સબા આગળ પુસ્તકમાં લખે છે : ‘10 માર્ચ 2022ના રોજ ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીના આવેલા પરિણામના દિવસે હું હંમેશની જેમ ટેલિવિઝન સ્ટુડિયોમાં બેસીને ઝડપથી એનાલિસિસ કરી રહી હતી, જેમાં મેં નોંધ્યુ કે કેવી રીતે ‘બહુજન સમાજ પક્ષ’[બીએસપી] નબળો પડી ચૂક્યો છે અને તેનો લાભ ભાજપને મળ્યો છે. આ ચૂંટણીમાં ‘બહુજન સમાજ પક્ષ’ને 403માંથી માત્ર એક બેઠક મળી હતી. થોડાં અઠવાડિયા પછી વધુ વિસ્તૃત રીતે જ્યારે એનાલિસિસ કર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે કેવી રીતે ‘બીએસપી’ અને માયાવતીનો રકાસ થયો છે. તે ચૂંટણીમાં ‘બીએસપી’ દ્વારા કોઈ જ ચૂંટણી કેમ્પેઇન ચલાવવામાં આવ્યું નહોતું. કોઈ જમીની કામ નહોતું દેખાતું, રેલી નહોતી. બસ માત્ર ટિકિટની વહેંચણીને લઈને ‘બીએસપી’ની થોડી ચર્ચા થઈ હતી. આટલું જ નહીં, માયાવતીનું વલણમાં એવું સ્પષ્ટ દેખાતું હતું કે તેઓ સમાજવાદી પાર્ટી કરતાં ભાજપ સાથે વધુ અનુકૂળ છે. આજે પણ તે રહસ્ય છે કે માયાવતીએ આ બધું સ્વાભાવિક રીતે કર્યું હતું કે કેમ? તેઓ સત્તા પલટાની રાજનીતિમાં માહેર છે. ટિકિટ વહેંચણીથી માંડિને સરકાર રચવા સુધીની પૂરી પ્રક્રિયા તેઓ જાણે છે. એ તો જાણીતી વાત છે કે ભાજપ રાજ્યમાં મોટા માર્જિનથી જીત્યું તેમાં જ્ઞાતિ-સમાજના ભેદભાવ વિના વિનામૂલ્યે આપેલા રાશનનું તો કારણ છે, તદ્ઉપરાંત વડાપ્રધાન અને મુખ્યમંત્રીની લોકપ્રિયતા પણ છે. જોકે ‘બીએસપી’ના પરંપરાગત મતદાતાઓ ભાજપને મત આપવા માંડ્યા તે પણ એક કારણ છે. એ રીતે 2022-23માં મહારાષ્ટ્રમાં ફરી વખત એ રીતે જ આખરી રમત રમાઈ, કારણ કે મહારાષ્ટ્રનું પાટનગર મુંબઈ છે, જે દેશની આર્થિક રાજધાની છે અને ત્યાંના પૈસો રાજનીતિ સાથે જોડાયેલો છે. આ દરમિયાનના શિવસેનાના કર્તાહર્તા ઉદ્ધવ ઠાકરે અને ‘એનસીપી’ના સ્થાપક શરદ પવારની આસપાસના આગેવાનોના નિવેદન અને સાંયોગિક પુરાવા તપાસીએ તો ખ્યાલ આવે કે ‘એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ’[ઇડી]ની ગઠબંધન સરકારમાં ભંગાણ પાડવામાં મુખ્ય ભૂમિકા રહી છે. ભાજપે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીનું પદ શિવસેનાના એકનાથ શિંદેને આપ્યું છે છતાં ડ્રાઇવિંગ સિટ પર અત્યારે ભાજપ છે, તેનું કારણ રાજ્યમાં વોટિંગ શેર નહીં બલકે અન્ય પાર્ટીઓમાં ભંગાણ પાડવાની તેનો પાવર છે.’
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના મુખ્યમંત્રી કાળમાં કોંગ્રેસ અને ‘એનસીપી’, શિવસેનાને ટેકો આપી રહી હતી ત્યારે તે સમયનો ઘટનાક્રમ જોઈએ તો સરકાર તૂટી પડવાનો ખ્યાલ આવી શકે છે. તેની સાબિતી એ રીતે મળે છે કે 8 ફેબ્રુઆરી 2022ના રોજ શિવસેનાના સાંસદ અને ઉદ્ધવ ઠાકરેના કરીબી સંજય રાઉત રાજ્યસભાના ચેરમેનને લખેલો એ કાગળ જાહેર કર્યો હતો કે પાર્ટીના અન્ય સભ્યો સહિત તેમને એવી ભીતિ દાખવવામાં આવી હતી કે જો તેઓ મહારાષ્ટ્ર સરકારને જાતે નહીં ગડબડાવે તો તેમના પર ‘ઇડી’ દ્વારા કાર્યવાહી થશે. તે પછી જૂન, 2022માં સંજય રાઉતની અને તેમના પત્નીના હસ્તક રહેલી સંપત્તિને ‘ઇડી’ની કાર્યવાહી દરમિયાન ટાંચમાં લેવામાં આવી. 31 જુલાઈના રોજ તો સંજય રાઉતની ધરપકડ સુધ્ધા થઈ હતી. રાઉતને જામીન મળે તે પહેલાં તેમણે સો દિવસ જેલમાં વિતાવ્યા હતા. સંજય રાઉત વિરુદ્ધ કયા પુરાવા હતા તે હજુ સુધી કોઈ જાણતું નથી. પરંતુ સરકારે જાતે આપેલા આંકડા મુજબ છેલ્લા સત્તર વર્ષમાં ‘પ્રિવેન્શન ઑફ મની-લૉન્ડરીંગ એક્ટ’ના કેસમાં કુલ થયેલાં 54,442 કેસમાં માત્ર 23 વિરુદ્ધ આરોપ પુરવાર થયા છે.
મહારાષ્ટ્રમાં પક્ષનું આવું જ ભંગાણ પછીના વર્ષે જુલાઈ 2023માં થયું જ્યારે ‘એનસીપી’ના સ્થાપક શરદ પવારના ભત્રીજા અજિત પવાર પક્ષના કેટલાંક વિધાનસભ્યો સાથે ભાજપ-શિવસેનાની વર્તમાન રાજ્ય સરકાર સાથે જોડાઈ ગયા. અજિત પવાર હાલમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી છે. જ્યાં સુધી અજિત પવાર ભાજપના ગઠબંધનમાં જોડાયા નહોતા, ત્યાં સુધી સરકાર દ્વારા તેમના પર સિંચાઈ કૌભાંડને લઈને અજિત પવાર ખૂબ આક્ષેપ થતા રહ્યા.
આ પ્રમાણે ‘આમ આદમી પાર્ટી’ દિલ્હીમાં 67 બેઠકો સાથે ઐતિહાસિક રીતે ચૂંટાઈ આવી તે પછી ભાજપ અને ‘આમ આદમી પાર્ટી’નો વિવાદ સતત વકરતો રહ્યો છે. ‘આમ આદમી પાર્ટી’નો પ્રથમ કાર્યકાળ કેન્દ્રિય સરકાર દ્વારા નિયુક્તિ સંદર્ભે ચાલતો રહ્યો. 2016 આવતાં સુધીમાં ‘આમ આદમી પાર્ટી’ના 67માંથી 11 વિધાનસભ્યો જેલમાં હતા. જોકે, હજુ સુધી કોર્ટ કેસમાં તેમના વિરુદ્ધ કશુંય પુરવાર થયું નથી. 2020ની ચૂંટણીમાં ‘આપ’ 70માંથી 62 બેઠકો મેળવી. આ દરમિયાન પણ દિલ્હીમાં સત્તા અર્થે રમખાણો થયા.
દેશની રાજકીય પરિસ્થિતિની કેટલીક ઇનસાઇડ બાબતનું દસ્તાવેજીકરણ આ પુસ્તકમાં થયું છે. પુસ્તકમાં સબા નકવીએ વાજપેયી અને મોદીના કાર્યકાળનો ભેદ પણ દર્શાવ્યો છે. હાલની ભાજપની રણનીતિ સમજવા અર્થે આ પુસ્તક ઉપયોગી થાય એમ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796