નવજીવન ન્યૂઝ. હિંમતનગર: ઇડરમાં ચંદનના લાકડાની ચોરી કરતી મધ્યપ્રદેશની ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. ચંદનની ચોરી કરતી પરપ્રાંતની ટોળકી દિવસ દરમિયાન ચંદન વૃક્ષોની રેકી કરીને રાત્રિના અંધારનો ફાયદો લઈને ચંદનના લાકડાની ચોરી કરતી હતી. પોલીસે આ ટોળકી પાસેથી 4 લાખના ચંદનનો જથ્થો જપ્ત કર્યો છે. ઉપરાંત પોલીસે 7 ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
માહિતી અનુસાર, ચંદનની ચોરી બાબતે પોલીસે પેટ્રોલીંગ, સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે શંકાસ્પદ શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી હતી. ઇડર અને જાદર પોલીસ સાથે સંકલન કરીને ચંદનચોરી અંગે તપાસ કરી રહી હતી તે દરમિયાન ભિલોડા હાઇવે પર મોહનપુર ફાટક પાસેથી એફ ઝેડ બાઇક ઉપર પસાર થઇ રહેલા ત્રણ વ્યક્તિને અટકાવી તપાસ કરતાં તેમની પાસેથી કરવતની 4 બ્લેડ, કુહાડી અને કોદાળી મળી આવ્યા હતા. આ ત્રણે પર પોલીસને શંકાના જતાં અટકાયત કરી હતી.
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું હતું કે, પકડાયેલા ત્રણેના મધ્યપ્રદેશના રહેવાસી છે, જેના નામ રોહનસિંહ ઉર્ફે રોના પુશવા, રેતલસિંહ ઉર્ફે ભૈયુ પુશવા અને વોરંટી પુશવા છે. જેઓ હાલ ઇડરની સહકારી જીન માર્કેટ નજીક બાલાજી કોમ્પ્લેક્સની પાછળ અઢી માસથી ખુલ્લામાં રહે છે. તેમની ટોળકીમાં મહિલાઓ, બાળકો અને અન્ય પુરુષો પણ છે. આ ટોળકી દિવસ દરમિયાન રૂદ્રાક્ષ વેચવાના બહાને ગ્રામ્ય વિસ્તારોમાં ચંદનના વૃક્ષોની રેકી કરીને પ્લાનિંગ કરીને રાત્રિના સમયમાં આવીને ચંદનના વૃક્ષોને જમીન દોષ કરી દેતા હતા.
ચંદનના લાકડાની ચોરી કર્યા બાદ તેમની ટોળકીની મહિલાઓ અને બાળકો આસપાસના વિસ્તારમાં જમીનમાં ખાડો ખોદીને ચંદનના લાકડાને દાટી દેવામાં મદદ કરતાં હતા. ત્યારબાદ મોકો મળતા જ દાટેલા ચંદનના લાકડાને મધ્યપ્રદેશમાં રહેતા સમીર નામના વ્યક્તિને વહેંચી દેતા હતા. આ ટોળકીએ બડોલી, ચાંડપ, ફીંચોડ અને સૂર્યનગર કંપામાંથી 7 જેટલા ચંદન ચોરીના ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે આ ટોળકીના ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે આ ટોળકીના ત્રણ બાળકો, બે મહિલા સહિત 9 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











