તુષાર બસિયા (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રજાની મહેનતના પૈસાથી થતા વિકાસ કાર્યોને બદસૂરત બનાવતા તત્વો સામે પ્રજાના પૈસાથી પગાર મેળવતા બેદરકાર અધિકારીઓનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરોડોની કિંમતે વિકસાવેલી મિલકતો પર ચોક્કસ પક્ષ ભાજપના સિક્કા રૂપ પેઈન્ટીંગ સૌથી વધુ જોવા મળી રહ્યાં છે. એજ રીતે મેટ્રોલાઈનના પીલર પર પણ ભાજપના લોગોની બાજૂમાં કોંગ્રેસનો લોગો જોવા મળી રહ્યાં છે અને કેટલીક જગ્યાએ આમ આદમી પાર્ટીના પણ આવા પેઈન્ટીંગ જોવા મળે છે. આ પ્રકારના પ્રજાની મિલકત પર ગેરકાયદે ચિતરામણ મામલે અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ શાખાના અધિકારીનું બેજવાબદાર વલણ જોવા મળી રહ્યું છે અને આવા ગંદા ચિતરામણને કારણે કરોડોના ખર્ચે વિકસાવાયેલી મિલકતો એટલી ખરાબ દેખાય છે કે શહેરની સુંદરતા પર કાળા ડાઘા સમાન બને છે.
અમદાવાદ શહેરના મહાનગરપાલિકાની હદમાં કેટલાય સરકારી અને જાહેર સ્થળોની દીવાલ અને પીલર પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લોગો પેઈન્ટીંગ થયેલા જોવા મળે છે જેમાં ભાજપના સૌથી વધુ લોગો જોવા મળે છે. આ પેઈન્ટીંગ માટે કોઈ પરવાનગી કે ટેન્ડર કે નાણાની ચૂકવણી થઈ હશે કે કેમ તે બાબતે માહિતી મેળવવા એસ્ટેટ ઓફિસર મનીષ માસ્ટર સાથે ટેલિફોનિક વાત કરતા ચોંકાવનારા જવાબ મળ્યા હતા.
બોલો… વ્યવસાયની જાહેરાત હોય તો કાર્યવાહીની જોગવાઈ, રાજકીય પક્ષોની જોગવાઈમાં સ્પષ્ટતા નહીં
મનીષ માસ્ટરને આ માટે કોઈ ટેન્ડર કે મંજૂરી આપ્યાનો સવાલ પુછતા તેઓ જણાવે છે કે, “ના કોઈ ટેન્ડર કે મંજૂરી આપવામાં આવી નથી, હવે કોર્પોરેશન તેને કાઢશે.” જો આ પ્રકારે કોઈ ખાનગી કંપની કે વ્યક્તિ પેઈન્ટીંગ કરે તો કોર્પોરેશન શિક્ષાત્મક પગલા લેતી હોય છે. તેમ આ મામલે શું પગલા લેવામાં આવશે? શું આ રાજકીય પક્ષોની સામે કાર્યવાહી થશે? તે સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, “આ પેઈન્ટીંગ હટાવી દેવામાં આવશે” પરંતુ સૌથી મોટી વાત છે કે તેમણે જણાવ્યું કે, કોઈ વ્યવસાયની જાહેરાત હોય તો જોગવાઈ છે પણ આ પ્રકારને કોઈ સંસ્થાની જાહેરાત માટે જોગવાઈમાં કોઈ સ્પષ્ટતા નથી. ટૂંકમાં કાયદાને પણ ગોટે ચઢાવે તેવો જવાબ આપી અધિકારી સત્તાધારી પક્ષ વિરૂધ્ધ કાર્યવાહી કરવાથી બચતા જોવા મળ્યા હતા.
‘પેઈન્ટીંગ કોણ કરી ગયું તેની જાણકારી જ ન હોવાથી કાર્યવાહી ન થાય’- તંત્રનો જવાબ તો જુઓ
વળી એસ્ટેટ ઓફિસર તો જણાવે છે કે આ પેઈન્ટીંગ કોણ કરી ગયું તેની જાણકારી જ ન હોવાથી કાર્યવાહી ન થાય. આ જવાબ પર ફરી પત્રકારે સવાલ કર્યો કે તો જાહેર સંપત્તિને નુકશાન થયું છે માટે અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ કરશો ? જેના જવાબમાં તેમણે કહ્યું કે કોઈ પોલીસ ફરિયાદ કરવાની નથી માત્ર આ પેઈન્ટીંગ હટાવી દેવાની કાર્યવાહી કરીશું. વળી સરકારી મિલકતને હવે નુકસાન ન પહોંચે તે માટે મહાનગરપાલિકા શું કરશે તેના જવાબમાં પણ તેમણે કહ્યું કે પહેલા આ હટાવીશું બાદમાં કંઈક જોઈશું. ટૂંકમાં સત્તાના ભયના લીધે મહાનગરપાલિકા લૂંટાય તો પણ લૂંટાવા દે તેવી સ્થિતિમાં અધિકાર હોય તેમ જણાય છે.
જાહેર સેવકની ફરજ જાહેર સંપતિ કે જે રાજ્યના નાગરિકોની મહેનતની કમાણીથી પેદા થાય છે તેને સુરક્ષિત રાખવાની અને તેને નુકસાન કરતા તત્વો વિરૂધ્ધ કાર્યવાહી કરવાની હોય છે. સાથે જ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારે આ અધિકારીઓને કાર્યવાહી કરવા માટે કાયદા રૂપી સત્તા આપવાનું હોય છે. પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ ઓફિસરના જવાબો પરથી પ્રજાએ નક્કી કરવું રહ્યું કે તેઓ નિષ્ઠા પૂર્વક પોતાની ફરજ નિભાવે છે કે રાજકીય દબાણ હેઠળ.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











