Sunday, July 5, 2026
HomeGeneralઅરવલ્લી: RTO કચેરીમાં ફોર્મ પર એજન્ટનો સિમ્બોલ હોય તો જ કામ થાય,...

અરવલ્લી: RTO કચેરીમાં ફોર્મ પર એજન્ટનો સિમ્બોલ હોય તો જ કામ થાય, એજન્ટનું નામ કાલીચરણ હોય તો ફોર્મ પર ‘K’ લખાય..!!!

- Advertisement -

જય અમીન (નવજીવન ન્યૂઝ.અરવલ્લી): સરકારી કચેરીઓ અને એજન્ટ્સ જાણે વર્ષો જૂનો સબંધ હોય તેમ આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લા આરટીઓ કચેરીમાં અડીંગો જમાવી બેઠેલા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ લાયસન્સ સહિત અન્ય કામગીરી માટે કચેરીમાં આવતા અરજદારોને એજન્ટ અને દલાલો પાસે ધકેલી દે છે અને વર્ષે દહાડે કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આરટીઓ કચેરીમાં કોઈ અરજદાર એજન્ટ વગર લાયસન્સ કઢાવવા, રિન્યુ, કંડકટર બેઝ માટે કે પછી અન્ય કોઈપણ કામ કરાવવું હોય તો નાકે દમ આવી જાય છે. અરજદારને એજન્ટ પાસે જવા મજબુર થવું પડે ત્યાં સુધી હેરાનગતિ કરવામાં આવી રહી હોવાની વિગતો મળી રહી છે. આરટીઓ કચેરીમાં વિજલન્સની તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ શકે છે. જિલ્લાના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો પાસેથી સરકારી કામકાજના અનેક ઘણા રૂપિયા ખંખેરવામાં આવી રહ્યા છે.

અરવલ્લી જિલ્લા સેવાસદન કચેરીમાં કામકાજ અર્થે આવતા અરજદારને ઓનલાઈન પ્રક્રિયા કરવાથી લઇ દરેક કામકાજ માટે અરજદાર અને દલાલોનો સહારો લેવો પડે છે. આરટીઓ કચેરીમાં અરજદાર પહોંચે ત્યારે તેને પરિસરમાંથી જ એજન્ટ્સ ઘેરી લેતા હોય છે. અરજદાર સીધો કર્મચારી કે અધિકારી પાસે પહોંચે તો તેને એનકેન પ્રકારે કચેરીમાં અડીંગો જમાવી બેઠેલા તેમના મળતીયા એજન્ટ પાસે મોકલી દેવામાં આવે છે અને પછી અરજદારને ખંખેરવાનો ખેલ શરુ થતો હોય છે.

- Advertisement -

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર અરજદાર લાયસન્સ લેવા, રિન્યુ કરવા કે કોમ્પ્યુટર ટેસ્ટ કે અન્ય કોઈ પણ કામગીરી માટેનું ફોર્મ કચેરીમાં પહોંચે ત્યારે ફોર્મ પર એજન્ટ નિશાની કરી દેતો હોય છે. ફોર્મના ખૂણામાં એજન્ટની આગવી નિશાની તરીકે તેના નામનો અંગ્રેજી અક્ષર કેપિટલમાં પેન્સિલથી લખેલો હોય તો જ તેનું કામકાજ થતું હોવાનું એજન્ટ રાજ અને ભ્રષ્ટાચારનો ભોગ બનેલા અરજદારોએ જણાવ્યું હતું. ગાંધીનગરથી ઉચ્ચ કક્ષાએથી આ અંગેની તપાસ થાય તે તાતી જરૂરિયાત છે.
RTO કચેરી કંપાઉન્ડમાં જ દલાલો ગાડીઓમાં જ કરે છે કામકાજ !
આર.ટી.ઓ. કચેરીના કંપાઉન્ડમાં જ દલાલોનો રાફડો જોવા મળતો હોય છે અને બેરોકટોક કામકાજ કરતા હોય છે. તેમ છતાં આર.ટી.ઓ. અધિકારી દલાલોને સલામી ઠોકીને તેમને કામ કરવા દેવાની મંજૂરી આપતા હોય તેવું લાગે છે. જો આર.ટી.ઓ. કચેરીમાં દલાલોથી જ કામ થશે તો અધિકારીઓએ બિસ્તરા પોટલા સમેટી લેવા જોઇએ તેવું લોકો કહી રહ્યા છે.
દલાલોની ઓળખ બન્યું આલ્ફાબેટ સિમ્બોલ..!
આર.ટી.ઓ. અધિકારીઓ અને દલાલોની એવી તે જુગલબંધીની ચર્ચાઓ ચાલી રહી છે કે, જે દલાલ કામ કરે તેની ઓળખ માટે એક આલ્ફાબેટ નક્કી છે. આધારભૂત સુત્રો તરફથી જાણવા મળ્યું છે કે, દલાલના નામ પહેલાનો અક્ષર નક્કી કરવામાં આવ્યો છે અને ફોર્મ પર પેન્સિલથી નામનો પ્રથમ અક્ષર લખી દેવામાં આવે છે. જેથી ભ્રષ્ટ બાબુઓને ખ્યાલ આવે કે, ક્યા સાથી મિત્રનું ફોર્મ આવ્યું છે, જેથી હિસાબ કિતાબમાં કોઇ ભૂલ ન આવે. જો કોઇ ભૂલ આવે તો એક અધિકારીની તો રાત્ર ઊંઘ ઉડી જતી હોવાની ચર્ચાઓ પણ ચગડોળે ચઢી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular