નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદમાં ફરી એક વખત બોમ્બની ધમકીથી અફરાતફરી મચી ગઈ છે. 23 જાન્યુઆરી, 2026ના રોજ અમદાવાદની આર્મી સ્કૂલ સહિત કુલ 15 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈ-મેલ મળતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
આ પહેલા 17 ડિસેમ્બર, 2025ના રોજ પણ શહેરની જાણીતી સ્કૂલોને આવી જ પ્રકારની ધમકીઓ મળી હતી. હવે લગભગ 36 દિવસ બાદ ફરી એકવાર એ જ પેટર્ન પર ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ વધુ સાવચેત બની ગઈ છે.
વાલીઓ દોડતા સ્કૂલો તરફ, પોલીસ-બોમ્બ સ્ક્વોડ તાત્કાલિક તૈનાત
ધમકીની જાણ થતા જ અનેક સ્કૂલોમાં વિદ્યાર્થીઓને તાત્કાલિક ઘરે મોકલી દેવામાં આવ્યા. વાલીઓ પોતાના કામધંધા છોડીને દોડતા સ્કૂલે પહોંચ્યા હતા. અનેક સ્કૂલોમાં વાલીઓની ભારે ભીડ જોવા મળી.
પોલીસ, બોમ્બ-ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમોએ અલગ અલગ સ્કૂલોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. અત્યાર સુધી કોઈ પણ શાળામાંથી શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ તપાસ ચાલુ છે.
વિદ્યાનગર સ્કૂલમાં પ્રિ-બોર્ડ પરીક્ષા અધવચ્ચે બંધ
ઉસ્માનપુરામાં આવેલી વિદ્યાનગર સ્કૂલને ધમકી મળ્યા બાદ ધોરણ-10ની પ્રિ-બોર્ડ પરીક્ષા અડધો કલાક વહેલી પૂર્ણ કરીને વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી.
આ શાળાઓમાં પણ ધમકી બાદ તપાસ
- ઘાટલોડિયાની ક્લોરેક્સ ફ્યુચર સ્કૂલ
- એસ.પી. રિંગ રોડ પર આવેલી જીનીવા લિબરલ સ્કૂલ
- મીઠાખળીની મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ
- બોપલની DPS સ્કૂલ
- નવરંગપુરાની સંત કબીર હાઈસ્કૂલ (ત્રણ બ્રાન્ચને ધમકી)
બધી જગ્યાએ પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ઘરે મોકલવામાં આવ્યા છે.
એક મહિના અગાઉ પણ 26 સ્કૂલોને આવી જ ધમકી મળી હતી
ડિસેમ્બર 2025માં અમદાવાદ, ગાંધીનગર અને કલોલની કુલ 26 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈ-મેલ મળ્યા હતા. તે વખતે પણ ઝેબર, ઝાયડસ, અગ્રસેન અને DAV જેવી જાણીતી સ્કૂલોને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. જોકે, તમામ સ્કૂલોમાં તપાસ બાદ કોઈ વિસ્ફોટક મળ્યો નહોતો.
તે વખતે મળેલા ઈ-મેલમાં અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
થોડા દિવસ પહેલાં કોર્ટોને પણ મળી હતી ધમકી
થોડા દિવસ અગાઉ ગુજરાત હાઈકોર્ટ સહિત સુરત, રાજકોટ, આણંદ, અમદાવાદ અને ભરૂચની લોઅર કોર્ટને પણ RDXથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. તપાસ દરમિયાન રાજકોટ કોર્ટ પરિસરમાં મળેલું ડ્રોન પણ બાદમાં નિર્દોષ હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસ માટે મોટી પડકારરૂપ સ્થિતિ
ફરી ફરી આવી ધમકીઓ મળતા હવે આ કેસને ગંભીરતાથી લેવામાં આવ્યો છે. સાઇબર ક્રાઈમ અને ઈન્ટેલિજન્સ એજન્સીઓ ઈ-મેલના સોર્સ સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી ચૂકી છે.
ફિલહાલ અમદાવાદની તમામ સંબંધીત શાળાઓમાં સર્ચ ઓપરેશન પૂર્ણ થયા બાદ સ્થિતિ કાબૂમાં હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે, પરંતુ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે.








