Sunday, October 13, 2024
HomeGeneralસંબંધ અને સમયનું રોકાણ શેર બજાર જેવુ છે, લાંબા ગાળાનું રોકાણ કરનાર...

સંબંધ અને સમયનું રોકાણ શેર બજાર જેવુ છે, લાંબા ગાળાનું રોકાણ કરનાર જ કમાય છે

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન.અમદાવાદ) : આપણે મન સંપત્તી એટલે જમીન-મકાન-ફેકટરી અને બેન્કમાં રહેલી ફિકસ ડીપોઝીટ બસ એટલુ જ છે. પરંતુ કોરાનાકાળમાં આપણે જોયુ કે આ માહમારીમાં આપણી કોઈ સંપત્તી આપણને બચાવી શકે એટલી તાકાતવર અને પુરતી ન્હોતી, વિશ્વના અમીર અને શ્રીમંતો બધાની જ એક સરખી સ્થિતિ હતી અમીર અને શ્રીમંત પાસે કઈ હતું તો તે લાચારી સિવાય કઈ ન્હોતુ. આપણે આ માહમારીથી શીખ્યા જ નહીં કે સૌથી અગત્યનો કોઈ છે તો તે માણસ છે કારણ આપણી પાસે બધુ જ હશે પરંતુ પોતાનો કહી શકાય તેવો માણસ જ આપણી પાસે નહીં હોય તો આપણી સંપત્તીનો કોઈ અર્થ નથી. શ્રીમંત થવુ અને તેના માટે પ્રયત્ન કરવા સારી બાબત છે, પરંતુ શ્રીમંતાઈને જ આપણે સુખ માનવા લાગીએ તો તે આપણો ભ્રમ છે. માણસ પાસે પૈસા આવવાની શરૂઆત થાય એટલે તે ઘર ખરીદી, કાર ખરીદે આ ઉપરાંત બીજી નાની મોટી બાબતોમાં રોકાણ કરે ત્યાં સુધી વાંધો નથી પણ પછી તેનો કયારેય અંત આવતો નથી, એક ઘર પછી મોટુ ઘર, , મોટા ઘર પછી બંગલો, બંગલા પછી ફાર્મ હાઉસ આમ એક પછી એક બાબતો જીવનમાં ઉમેરાતી જાય છે.



મુળ વાત એવી છે કે આપણે બીજી બધી બાબતમાં રોકાણ કરીએ તેની સાથે માણસમાં રોકાણ કરવુ પણ એટલુ જ જરૂરી છે. મારા એક મિત્રની કંપની છે, તેની કંપની અને તેની કંપનીમાં કામ કરતા માણસોથી હું વાકેફ છુ, તેની કંપનીમાં કામ કરતા માણસો સારા, હોશીયાર અને વફાદાર છે, મારો મિત્ર પોતાની ઓફિસમાં મશીનરી માટે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, પણ પોતાના સ્ટાફને ગણી ગણી રૂપિયા આપે છે, કયારેક કોઈ સ્ટાફનો માણસ પગાર વધારો માંગે તો મારા મિત્રના ભવા ચઢી જાય છે. સ્ટાફને પગાર વધારો આપવામાં અને તેમની સાથે સારો વ્યવહાર કરવામાં મારો મિત્ર કંજુસ છે, તે જયારે પોતાના સ્ટાફના માણસ સાથે વાત કરતો હોય ત્યારે તેના વ્યવહારમાં માલિકીપણુ ડોકાયા વગર રહેતુ નથી. આમ મારો મિત્ર પોતાની મિલ્કત અને મશીનરી પાછળ લાખો-કરોડોનું રોકાણ કરે છે પણ પોતાના માણસમાં જો રોકાણ કરવાનું આવે તો તેને વધારો ખર્ચ લાગે છે.

હું તેને અનેક વખત સમજાવુ છુ કે બદલાતી ટેકનોલીજી પ્રમાણે આપણને રોજ નવા મશીન મળશે, પણ તેને ચલાવનાર માણસ બદલવો તેને આપણને પરવડશે નહીં કારણ કારણ આપણી સાથે કામ કરતો માણસ માત્ર એક પગારદાર માણસ કે નોકરીયાત નથી તે આપણા વ્યવસાય અને જીવનનો અભીન્ન અંગ છે માણસ ગુમાવવો આપણને પરડવે નહીં, માણસમાં રોકાણ કરવાનો અર્થ માત્ર માણસને વધારે પૈસા આપવા તેવો થતો નથી, માણસમાં રોકાણ કરવાનો અર્થ થાય છે તેના સુખ અને દુખમાં તેમની સાથે ઉભા રહેવાનું, પછી બને શકે આપણે જે માણસમાં રોકાણ કરીએ છીએ તે માણસ આપણો પગારદાર પણ ના હોય આપણે ત્યાં નોકરી કરતો પણ નથી છતાં તે માણસ છે એટલે આપણે તેમાં સંબંધનું રોકાણ કરવાનું છે. માણસમાં સંબંધોનું રોકાણ કરીએ તેની બીજ જલદી અંકુરીત થતુ નથી, તેના વૃક્ષ ઉપર ફળ આવતા વર્ષો નિકળી જાય છે બને કે કયાંક તમે રોકાણ કર્યુ તે બીજ અંકુરીત જ ના થાય, છતાં આપણુ કામ સંબંધ અને પૈસા બંન્ને રીતે માણસમાં રોકાણ કરવુ ખુબ જરૂરી છે.



હું પત્રકારત્વનો માણસ છુ, મેં વ્યકિતગત રીતે પણ જોયુ કે પત્રકારત્વમાં પણ સમયનું રોકાણ કરવુ પડે, મેં કોઈ અધિકારી કે રાજનેતા પાસે જઈ કહ્યુ નથી કે ચાલો આજે શુ સમાચાર છે મને કહો, કારણ આવી રીતે કયારેય કોઈ પત્રકારને સમાચાર મળતા નથી અને માની લો કે સમાચાર મળે તો તેમા દમ પણ હોતો નથી, એક પત્રકાર સમાચાર મેળવવા માટે પણ સામેની વ્યકિતમાં સંબંધ અને વિશ્વાસનું રોકાણ કરવુ પડે છે, હું રોજના દસ નવા લોકોને મળતો હોઈશ કોઈ પણ કારણ અને કામ વગર હું તેમની સાથે મારા સમયનું રોકાણ કરૂ છુ, મને ખબર નથી કે મેં જેમને મારો સમય આપ્યો છે તે સમય કયારે સમાચારના સ્વરૂપમાં મારી તરફ પાછો આવશે. સમય અને સંબંધોનું રોકાણ શેર બજાર જેવુ છે, શેર બજારમાં લાંબાગાળાનું રોકાણ કરનાર જ કમાય છે તેવુ સંબંધ અને સમયમાં છે એક વખત રોકાણ કરી તેને ભુલી જવાનું અથવા તેમા રોજ નાનુ મોટુ રોકાણ વધારતા જવાનું છે, પણ જો રોજ સંબંધ અને સમયના રોકાણનો સેનસેકસ તપાસ્યા કરે છે તેને બહુ જલદી નિરાશા મળે તે પોતાની મુડી પણ ગુમાવે છે.

- Advertisement -

મારી પત્ની મારે ઉપર અનેક વખત ગુસ્સે થાય છે તે મને કહે છે તમે ગોળ જેવા છો, તમે જયા જાવ ત્યાં તમારા મિત્રો ગોળને ફરતે મકોડા આવે તેમ તમને વિટળાઈ જાય છે અને પછી તમને સમયનું ભાન રહેતુ નથી, તેની વાત સાચી છે પણ હું હજી તેને સમજાવી શકયો નથી કે મારી આસપાસ મિત્રોનું ઝુંડ હોય છે તેનું કારણ મેં એક મિત્ર તરીકે તેમની અંદર કરેલુ મારા સંબંધ અને સમયનું રોકાણ છે, આપણી જરૂરીયાત કરતા આપણી પાસે જઈ કઈ વધારે છે તે બધુ જ આપણે બીજાને વહેચતા જવુ પડશે કારણ શ્રીમંતાઈ ભેગુ કરવામાં નહીં આપવામાં છે, તેવુ જ સુખ પણ એકત્રીત કરવામાં નહીં સુખ પણ વહેંચવામાં છે, જરૂર નથી આપણી સાથે રહેલા લોકોને ખુશ કરવા માટે આપણી પાસે ખુબ પૈસા હોવા જોઈએ, બીજાને ખુશ જોવા માટે આપણે હેશીયત કરતા આપણી દાનત વધારે જરૂર છે.




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular