નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ
મનોરંજન જગતથી આવેલા શોક સમાચાર કે રાજુ શ્રીવાસ્તવ હવે આ દુનિયામાં નથી, તે સમાચારે તેમના લાખો ચાહકોના મન દુભાવ્યા છે. તેમની તબીયત લાંબા સમયથી નાદુરસ્ત હતી. આપને જણાવી દઈએ કે ટ્રેડમિલ પર વર્કઆઉટ સેશન દરમિયાન રાજુને હૃદયમાં દુખાવો થયો અને તેમને એઈમ્સમાં દાખલ કરવા પડ્યા, જ્યાં તેમને હાર્ટ રિવાઈવ કરવા માટે બે વખત સીપીઆર પણ અપાયા પણ તેમને બચાવી શકાયા નહીં. ઉલ્લેખનીય છે કે રાજુ શ્રીવાસ્તવ તેમના દેશી અંદાજ વાળી કોમેડી માટે ઓળખાય છે. જોકે આ હાસ્ય પાછળ તેમનું જીવન ઘણું સંઘર્ષમય રહ્યું હતું. અહીં તેમના સંઘર્ષ અને તેમણે કરેલા કેટલાક જોક્સને રજુ કરવામાં આવ્યા છે.
પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનો જન્મ 25 ડિસેમ્બર 1963ના રોજ થયો હતો. રાજુના પિતાનું નામ રમેશચંદ્ર શ્રીવાસ્તવ હતું જેઓ કવિ હતા. તેમને તેમના પિતા પાસેથી કોન્ફીડન્સ મળ્યો. કાનપુરમાં જન્મેલા રાજુ શ્રીવાસ્તવ ગજોધર ભૈયા તરીકે પ્રખ્યાત થયા હતા. જોકે બહુ ઓછા લોકો જાણતા હશે કે રાજુ શ્રીવાસ્તવનું સાચું નામ સત્ય પ્રકાશ શ્રીવાસ્તવ હતું. તેમની કોમેડી શૈલી કોઈપણ ઉદાસી ચહેરા પર મોટું સ્મિત લાવી શકે છે. રાજુને કોમેડી કિંગ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. રાજુ શ્રીવાસ્તવે પોતાના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. કોમેડી કિંગ બનવા સુધીની સફર તેમના માટે સરળ ન હતી. અહીં સુધી પહોંચવા માટે રાજુ શ્રીવાસ્તવે ઘણો સંઘર્ષ કર્યો હતો. રાજુ શ્રીવાસ્તવ કામની શોધમાં કાનપુરથી મુંબઈ આવ્યા ત્યારે તેમના ખિસ્સામાં પૈસા નહોતા. ત્યારબાદ તે અછતની સ્થિતિમાં ઓટો ચલાવીને ગુજરાન ચલાવતા હતા. તે દરમિયાન રાજુને એક રાઈડ દરમિયાન તેમનો પ્રથમ બ્રેક મળ્યો.
રાજુ શ્રીવાસ્તવે પોતાની કારકિર્દીની શરૂઆત ટેલિવિઝનથી કરી હતી. રાજુ શ્રીવાસ્તવ ટી ટાઈમ એન્ટરટેઈનમેન્ટના શોમાં જોવા મળ્યા હતા. આ શોમાં તેમની સાથે સુરેશ મેનન અને બ્રિજેશ હરજી પણ હતા. જોકે, રાજુ શ્રીવાસ્તવને શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’થી લોકપ્રિયતા મળી હતી. આ શો દ્વારા રાજુએ ગજોધર ભૈયા બનીને લાખો ચાહકોના દિલ જીતી લીધા હતા. જોકે રાજુ શ્રીવાસ્તવ આ શોના વિનર તો ન બની શક્યા, પરંતુ તેમણે શો દ્વારા એક અલગ જ ઓળખ બનાવી લીધી હતી. આ શો પછી રાજુ શ્રીવાસ્તવ ઘરે-ઘરે ફેમસ થઈ ગયા અને પછી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી.
આ ફિલ્મોમાં રાજુ શ્રીવાસ્તવે કામ કર્યું હતું
રાજુ શ્રીવાસ્તવે પોતાના કરિયરની શરૂઆત ફિલ્મોમાં નાની ભૂમિકાઓ કરીને કરી હતી. તેમણે રાજશ્રી પ્રોડક્શનની મૈંને પ્યાર કિયા, બાઝીગર અને બોમ્બે ટુ ગોવા જેવી ફિલ્મોમાં નાની ભૂમિકાઓ ભજવી હતી. આ પછી રાજુ મિસ્ટર આઝાદ, આમદની અઠન્ની ખરચા રુપૈયા, મુંબઈ ટુ ગોવા અને મેં પ્રેમ કી દીવાની હૂં જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા. રાજુ શ્રીવાસ્તવે પોતાની ફિલ્મી કરિયરમાં સલમાન ખાન, શાહરૂખ ખાન, હૃતિક જેવા કલાકારો સાથે કામ કર્યું હતું. આ સિવાય રાજુ શ્રીવાસ્તવ બિગ બોસ સીઝન 3માં પણ જોવા મળ્યા હતા. તે આ શોમાં પણ વિનર તો નથી બની શક્યા પરંતુ તેમણે કોમેડીથી બધાનું ખૂબ મનોરંજન કર્યું. રાજુએ રાજકારણમાં પણ હાથ અજમાવ્યો હતો. આ સિવાય વર્ષ 2013માં રાજુ શ્રીવાસ્તવ પણ તેમની પત્ની સાથે નચ બલિયે સિઝન 6માં ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
રાજુ શ્રીવાસ્તવના જોક્સે લોકોનું ઘણું મનોરંજન કર્યું તેમાં તેમની કિસ્સા સંભળાવવાનો અંદાજ ઘણો જ હટકે હતો. તેમણે બોલીવુડની ઘણી હસ્તીઓને લઈને પણ જોક્સ કર્યા જેમાં ફેન્સનું ઘણું મનોરંજન થયું હતું. આવો જોઈએ તેમણે શાહરુખ ખાન અને બીગ બી જેવા અભિનેતાઓના જોક્સ પર કેવી રીતે લોકોને હસાવ્યા.








