મિલન ઠક્કર (નવજીવન ન્યૂઝ અમદાવાદ):
छीन कर खाने वाले का कभी पेट भरता नहीं,
और बाँट कर खाने वाला कभी भूखा मरता नहीं ।
અજ્ઞાત શાયરના આ શબ્દો થોડામાં કેટલું બધું કહી જાય છે! સાંભળવામાં કેટલું સરસ લાગે! આપણે ઠેર ઠેર સદાવ્રત અને રામરોટી ચાલતાં જોયાં છે. જે અસંખ્ય લોકો માટે જીવાદોરી સમાન છે. ઘણા એવા પરિવારો છે જેમને પેટનો ખાડો પૂરવાનો આ એકમાત્ર આધાર છે. અને આવા સદાવ્રત અને રામરોટીમાં લોકો પુષ્કળ પ્રમાણમાં દાન પણ આપતાં હોય છે. જેથી આ સત્કાર્ય ચાલતું રહે છે. આવી સેવા કરનારા આપણી વચ્ચે રહેતાં ઘણા શ્રીમંતોને આપણે જોયા છે પરંતુ સેવા કરવા માટે શ્રીમંત હોવું જરૂરી નથી તેના માટે માત્ર મન જોઈએ અને તે વાતને અમદાવાદના આ દંપતીની કહાની સાર્થક કરી બતાવે છે. ખિસ્સાનું વજન ભલે વધારે ન હોય; પરંતુ, મોટાં મનથી અને જે પ્રેમથી તે લોકોના જઠરાગ્નિને ઠારે છે. તે મન મોહી લેનારું છે.
ગુજરાતની આર્થિક રાજધાની ગણાતાં અમદાવાદમાં એક મજૂર દંપતી છે. જે પોતે છૂટક મજૂરી કરે છે. પણ એમણે ભૂખ વેઠેલી છે, સદાવ્રત અને રામરોટીમાં ખાઈને દિવસો વીતાવેલા છે. ક્યારેક ભૂખ્યા પણ રહેલાં છે. પણ આજે છેલ્લા એક વર્ષથી તેઓ એવું ભોજનાલય ચલાવે છે; જ્યાં કોઈપણ માણસ માત્ર પાંચ રૂપિયામાં પેટ ભરીને જમે છે.
અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનની સામે પાંચકુવા વિસ્તાર આવેલો છે. જ્યાં હોલસેલનું કાપડ બજાર છે. ગુજરાતભરમાંથી કાપડના વ્યાપારીઓ ત્યાં માલ વેચવા અને ખરીદવા આવે છે. પંકજભાઈ રાવળ અને તેમનાં પત્ની ગીતાબહેન રાવળ આ બજારમાં જ મજૂરી કરે છે. પંકજભાઈના પિતા પણ આ જ બજારમાં મજૂરી કરતા હતા. તેમનું મૂળ વતન બેચરાજી પાસેનું ડેડાણા ગામ છે. પરંતુ પાંચેક પેઢીથી તેઓ અમદાવાદમાં જ સ્થાયી થયા છે.
પંકજભાઈ દસમાં ધોરણમાં નાપાસ થયા પછી આગળ ભણ્યા નથી. પણ જિંદગીના અને માનવતાના પાઠ બરાબર જાણે છે. તે નાનપણથી જ પિતા સાથે મજૂરીએ આવતા અને વ્યાપારીઓ જે બતાવે એ કામ કરતા. કદાચ એટલે જ પચાસ વર્ષના પંકજભાઈની સ્ફૂર્તિ પચીસ વર્ષના યુવાનને પણ શરમાવે એવી છે. દુનિયાદારીના અનુભવની સાક્ષી પૂરતા માત્ર સફેદ વાળ જ એમની ઉંમર વિષે ચાડી ખાય છે, બાકી શરીર એકદમ કસાયેલું છે. તેમનાં પત્ની ગીતાબહેનની ઉંમર પણ પીસતાળીસ વર્ષ છે.
એક વર્ષ પહેલાં પંકજભાઈને એક વિચાર આવે છે. જે એમની પત્ની સામે રજૂ કરે છે, અને કહે છે કે, “આપણી બંને દીકરીઓ તો હવે સાસરે છે, સુખી છે. આપણે દિકરો પણ નથી. આપણે બંને જણા મજૂરી કરીને આપણું ગુજરાન સારી રીતે ચલાવી શકીએ છીએ. તોય ક્યારેક થોડી ઘણી બચત થઈ જાય છે. તો આપણે એ કોઈ સારાં કામમાં વાપરીએ તો કેવું રહે?” ગીતાબહેનને પહેલાં તો સમજાયું નહીં કે, પંકજભાઈ શું કહેવા માગે છે. પંકજભાઈ પોતાની વાત આગળ વધારતાં કહે છે. “આપણે સદાવ્રત શરૂ કરીએ, સાવ મફતમાં પણ નહીં. બહુ જ નજીવા દરે આપણે લોકોને જમાડીએ. તું સાથ આપીશને?”
ગીતાબહેને વગર વિચાર્યે જ હા કહી અને બીજા દિવસે પચાસેક જણાનું જમવાનું બનાવીને બંને માણસ પાંચકુવા કાપડ બજારમાં આવે છે. બજારમાં મજૂરી કરતા અને નોકરી કરતા માણસો તો ઠીક પણ કેટલાક વ્યાપારીઓ પણ પંકજભાઈના આ કાર્યને આવકારે છે. જમવા આવનારા દરેક માણસ પાસેથી પંકજભાઈ પાંચ રૂપિયા લેવાનું નક્કી કરે છે. જેથી જમનારા માણસને પણ એવું ન લાગે કે, હું દાન લઈ રહ્યો છું અને તે લાચારી પણ ન અનુભવે.
પંકજભાઈ અને ગીતાબહેન પૂર્વ અમદાવાદમાં મણિનગર ખાતે આવેલા સરકારી ઔડાનાં મકાનમાં રહે છે. રોજ સવારે છ વાગ્યે ઊઠીને સ્વર્ગસ્થ માતા-પિતા અને ઈશ્વરનાં આશીર્વાદ લઈને જમવાનું બનાવવાની શરૂઆત કરે છે. ક્યારેક દાળભાત, પુલાવ, ખિચડી, પુરીશાક તો ક્યારેક મીઠાઈ પણ હોય ને ક્યારેક વડાપાઉં પણ હોય છે. જોડે છાશ તો ખરી જ. રસોઈ તૈયાર કરતાં તેઓને લગભગ સાડા અગિયાર વાગી જાય. પછી પોતાના ઘરેથી તેઓ અહીં રિક્ષામાં આવે છે. બાર વાગ્યાથી લગભગ બે વાગ્યા સુધી તેઓ લોકોને જમાડીને પછી મજૂરી શોધવા નીકળી પડે છે. લગભગ બે પેઢીથી આ બજારમાં કામ કરતા હોવાથી પંકજભાઈને મજૂરી પણ મળી રહે છે. ગીતાબહેન પણ પંકજભાઈ સાથે મજૂરીએ જાય છે અને રાત્રે લગભગ દસ વાગ્યે બંને જણ ઘરે પહોંચે છે. સોમવારથી શનિવાર સુધી આ તેમનો નિત્યક્રમ છે. રવિવાર અને જાહેર રજાઓમાં બજાર બંધ હોવાથી પંકજભાઈ પણ રજા રાખે છે.
પંકજભાઈનાં માતા શાંતાબહેનનાં નામે ચાલતાં તેમનાં આ સેવાકાર્યને આજે એક વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે. એમને ત્યાં જમવા આવનારા લોકોની સંખ્યા વધીને આજે ત્રણસોને પાર પહોંચી ગઈ છે. આ એક વર્ષ દરમિયાન અનેક લોકોનું પેટ ભર્યું છે આ દંપતીએ. પંકજભાઈ જણાવે છે કે, “અમારે આ સંખ્યામાં ઘણો જ વધારો કરવો છે. ઈશ્વર અમને યેનકેન પ્રકારે મદદ કરતો જ રહે છે. ક્યારેક અમારી પરીક્ષા પણ કરી લે છે. ઘણીવાર એવું થાય કે, કોઈની પાસે પાંચ રૂપિયા પણ ન હોય; પણ, એ માણસ પણ પેટ ભરીને અમારે ત્યાં જમે છે. અને ઘણીવાર એવું પણ બને કે, ખાધા પછી કોઈ માણસ અમને પચાસ કે સો રૂપિયા પણ આપીને જાય છે.” પંકજભાઈના આ ઉમદા કાર્ય માટે કાપડ બજારનાં એક વ્યાપારીએ તેમને એકવાર 120 કિલો ચોખા પણ આપ્યા હતા. બીજા એક વ્યાપારી તરફથી જમવા આવનારા લોકો માટે ઠંડા મિનરલ પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
વધતી જતી કારમી મોંઘવારી અને અનેક અડચણો વચ્ચે આવું ઉમદા કાર્ય કરવાનો વિચાર આવે એ પણ બહુ મોટી વાત છે. ખાદ્યતેલનો ભાવ ત્રણ હજારની આસપાસ ફરી રહ્યો છે. રાંધણ ગેસનો બાટલો એક હજાર પાર કરી રહ્યો છે. પણ જેને સારું કરવું જ છે એને પૈસાની નહીં; સારું કરવાની ઇચ્છા અને દૃઢ મનોબળની જરૂર છે. જે પંકજભાઈ અને ગીતાબહેને સાબિત કરી આપ્યું છે. કોઈ પણ માણસ અહીંથી પહેલી વાર પસાર થતો હોય તો એ પણ આ સેવાનો લાભ લઈને, તેઓને સલામ કરીને જાય છે.
પંકજભાઈ જણાવે છે કે, “એકવાર એક સમાજસેવિકા બહેન પણ આવ્યાં હતાં. જેઓએ અમને એક એવોર્ડ આપ્યો છે. અને એક હજાર રુપિયાનું દાન પણ આપ્યું હતું. આવું બે-ત્રણ વાર થયું છે કે, કોઈ અજાણી વ્યક્તિ આવે અને એમને આ કાર્ય સારું લાગે તો અમને ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીને જાય. પણ મેં મનોમન નક્કી કર્યું છે કે, મારા હાથપગ ચાલે છે ત્યાં સુધી હું મજૂરી કરીશ અને આ સેવાનું કામ ચાલું જ રાખીશ. જેટલી શક્તિ હશે એટલું કરીશ. ભલે હું પચાસ જણ કે પાંચ જણનું પેટ ભરી શકું. પણ આ કામ ક્યારેય બંધ નહીં કરું.”