તુષાર બસિયા (નવજીવન ન્યૂઝ, રાજકોટ): રાજકોટમાં ગત તારીખ 28 મેના રોજ રાજકોટ શહેર પોલીસના માલવિયાનગર પોલીસ સ્ટેશન ખાતે ઓનલાઈન ગેમ્બલીંગનો ગુનો નોંધાયો છે. આ ગુનાના આરોપી પંકજ તુલસીભાઈ વસોયાની અટક કરી પોલીસે કાર્યવાહી કરી હતી. જ્યારે એક આરોપી વિશાલ ગોસ્વામીને પોલીસ ચોપડે અટક કરવા બાકી જણાવાયો હતો. ઓનલાઈન ગેમ્બલિંગ મામલે નવજીવન સતત ઈન્વેસ્ટીગેટીવ અહેવાલો લખતું હોય તે ગુનાની પણ તપાસ કરવામાં આવી હતી પરંતુ કોઈપણ કારણોસર આ ગુનાની એફ.આઈ.આર. ઓનલાઈન ડાઉનલોડ થઈ ઓપન નહીં હોવાનું સામે આવ્યું હતું.
FIR ઓપન નહીં થતા માલવિયાનગર પોલીસ સ્ટેશન પર ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસ સ્ટેશનના PI કે. એન. ભુકણ સાથે વાત કરતા તેઓએ FIR ઓનલાઈન ન ખુલતી હોય તો કોર્ટમાંથી મળી જશે. સાથે જ તેમણે જણાવ્યું કે આ ફરિયાદ પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા દાખલ કરવામાં આવી છે.
બીજી તરફ પી.આઈ. ભુકણને આ ફરિયાદની તપાસ મામલે પુછતા તેમણે જણાવ્યું કે, તપાસ ડી સ્ટાફ કરે છે પણ તપાસ અધિકારી કોણ તે ખબર નથી. ત્યારે મોટો સવાલ એ છે કે નાના-મોટા ગુનાની પણ પ્રેસનોટ ઓફિસીયલ ગ્રુપ મારફતે જાહેર કરતી રાજકોટ શહેર પોલીસ આ ગુનાની પ્રેસનોટ પણ જાહેર નથી કરતી અને FIR પણ નથી ઓપન થતી.
આ મામલે પી.આઈ. ભુકણના જવાબ પરથી સમજી શકાય છે કે પોલીસ તંત્ર કેટલું સુવ્યવસ્થીત સંકલનમાં રહીને કામગીરી કરી રહ્યું છે. પેરોલફર્લો આરોપી ઝડપે છે માલવિયા પોલીસ ગુનો નોંધે છે ડી સ્ટાફ તપાસ કરે છે અને પી.આઈ. ભુકણને તપાસ અધિકારી કોણ છે એ પણ ખબર નથી. ટૂંકમાં પોલીસ સ્ટેશનના વડાને જ ખબર નથી કે પોલીસ સ્ટેશનમાં શું ચાલે છે.
તો સવાલ પેદા થવો વાજબી છે કે વિસ્તારમાં શું ચાલે છે તેની માહિતી પી.આઈ. ભુકણ પાસે હશે કે કેમ ? રાજ્યમાં ઓનલાઈન જુગાર કેટલી હદે વધી રહ્યો છે તે નામાંકિત અખબારોમાં આવેલી જાહેરાતો પરથી સમજી શકાય છે. ઓનાલાઈન ગેમ્બલિંગ મામલે રાજકોટમાં ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલે થોડા દિવસ જોરદાર તવાઈ ચલાવાઈ હતી પણ ઓનલાઈન ગેમ્બલિંગ મામલે ઉપરી અધિકારીઓ ગમે તેમ કરે નીચેની વ્યવસ્થાને સહેલાઈથી ભેદી શકાય તેમ નથી તેનું કારણ કાયદામાં કેટલુક સંશોધન હવે જરૂરી બન્યું છે.
![]() |
![]() |
![]() |











