Sunday, May 10, 2026
HomeGujaratરાજકોટમાં પોલીસકર્મીઓએ વાહનો પરથી પોલીસનું લખાણ ન હટાવતા નોટિસ અપાઈ

રાજકોટમાં પોલીસકર્મીઓએ વાહનો પરથી પોલીસનું લખાણ ન હટાવતા નોટિસ અપાઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: વાહનો પર પોતાના હોદ્દાઓના નામ લગાવવાની જાણે હવે ફેશન બની ગઈ છે. મોટાભાગે પોલીસકર્મી પણ તેના પ્રાઈવેટ વાહનોમાં પોલીસની પ્લેટ લગાવીને રોફ જમાવતા હોય છે. જો કે રાજકોટમાં પોલીસકર્મીઓને આ પ્રકારનું લખાણ વાહનોમાંથી દૂર કરવા માટે પોલીસ કમિશ્નરે સૂચના આપી હતી. પરંતુ સૂચનાનો અમલ ન થતાં 7 પોલીસકર્મીઓને નોટિસ આપવામાં આવી છે.

રાજકોટમાં અનેક વાહનો પર પોલીસના લખાણ જોવા મળે છે. ભલે તે વાહન ચાલક પોલીસમાં હોય કે ન હોય તેમ છતાં રોફ જમાવવા માટે આ પ્રકારના લખાણ લખતા હોય છે. ઉપરાંત ઘરમાંથી કોઈ એક વ્યક્તિ પણ પોલીસમાં હોય તો પરિવારના અન્ય લોકો પણ વાહનોમાં પોલીસનું નામ લખાવીને ફરતા હોય છે. ત્યારે આ પ્રકારનું લખાણ દૂર કરવા માટે નવા આવેલા રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે તમામ અધિકારી સ્ટાફને વાહનોમાંથી પોલીસના લોગો કે વાહનમાં પોલીસનું બોર્ડ રાખવાની મનાઇ ફરમાવી હતી.

- Advertisement -

રાજકોટ પોલીસ કમિશ્નરે આ પ્રકારના લખાણ વિરુદ્ધ એક અઠવાડીયા સુધી ઝુંબેશ પણ ચલાવી હતી. ઉપરાંત આ પ્રકારના લખાણ દેખાશે તો તેમને હેડકવાર્ટર ખાલી કરી દેવાની સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં પોલીસકર્મીએ આ પ્રકારનું લખાણ દૂર ન કરતાં પોલીસ કમિશ્નરે નિયમનું પાલન ન કરવા અને શિસ્તભંગ બદલ મહિલા ASI સહિત 7 પોલીસકર્મીઓને સરકારી ક્વાર્ટર ખાલી કરવાનો આદેશ કરતાં રાજકોટ પોલીસ બેડામાં ફફડાટ મચી ગયો હતો.



રાજકોટમાં પોલીસ કમિશ્નર તરીકે રાજુ ભાર્ગવે ચાર્જ સંભળાયા બાદ તેમના ધ્યાને આવ્યું હતું કે શહેરમાં અનેક પોલીસકર્મીઓ નિયમ વિરુદ્ધ વાહનોમાં કાળા કાચ, પોલીસનું લખાણ અને નંબર પ્લેટ પણ લગાવતા નથી. જેના કારણે સામન્ય માણસો પર પોલીસની ખરાબ છાપ ઊભી થાય છે. જેથી તેમણે ટ્રાફિક શાખાના ACPને સૂચના આપીને હેડ કવાર્ટર અને કમિશ્નર કચેરી ખાતે ચેકીંગ હાથ ધરી આ પ્રકારના વાહનોને ડિટેન કરીને દંડ ફટકાર્યો હતો. તેમ છતાં પણ કેટલાક પોલીસકર્મીએ પોલીસ કમિશ્નરનો આદેશ ન માનતા તાજેતરમાં કરાયેલા ચેકિંગમાં આ પ્રકારના લખાણો સામે આવતા 7 પોલીસકર્મીઓને નોટિસ આપી 7 દિવસમાં કવાર્ટર ખાલી કરી જમા કરાવી દેવા સૂચના આપવામાં આવી છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular