નવજીવન ન્યૂઝ, સુરત : નવજીવન ન્યૂઝ, સુરત : રાજ્યભરમાં રવિવારે પીએસઆઈ ભરતી માટે લેખિત પરીક્ષા (PSI Recruitment Exam) યોજાઈ હતી. પરીક્ષા માટે કડક સુરક્ષાના નિયમો અને દાવો વચ્ચે સુરતના અમરોલી વિસ્તારમાં પરીક્ષા દરમિયાન ઉમેદવાર મોબાઈલ ફોન સાથે પકડાયો હતો. મોબાઈલ ફોનની મદદથી ઉમેદવાર ચોરી (Cheating in PSI Exam) કરે તે પહેલાં જ સેલોટેપથી લગાવેલો ફોન નીચે પટકાતા પ્લાન ફેઈલ થઈ ગયો હતો.
અમરોલીની મધુવન ઈન્ટરનેશનલ સ્કૂલ (Madhuvan International School Amroli Surat) ખાતે પરીક્ષા આપી રહેલા રિષભ રાજકુમાર યાદવ નામના ઉમેદવારે પોતાની બેઠક વ્યવસ્થા પાસે મોબાઈલ ફોન છુપાવી રાખ્યો હતો. પેપર શરૂ થયું તે સમયે સેલોટેપથી બેંચની નીચે લગાવેલો મોબાઈલ ફોન વજનથી નીચે પટકાયો હતો. પરીક્ષા કેન્દ્રો પર મેટલ ડિટેક્ટર અને સઘન શારીરિક ચેકિંગ હોવાથી રિષભે પરીક્ષાના સમય પહેલાં દરવાજો અને પછી બેઝમેન્ટનો 10 ફૂટ ઊંચો ગેટ કૂદીને અંદર જઈ બેંચની નીચે સેલોટેપથી મોબાઈલ ફોન ચોંટાડી દીધો હતો. સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન (Cyber Crime Police Station Surat) માં આરોપી રિષભ યાદવ વિરુદ્ધ પરીક્ષામાં ગેરરીતિ અને પ્રતિબંધિત સાધનોના ઉપયોગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.








