Monday, April 20, 2026
HomeGujaratખેડા આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચારનો વિસ્ફોટ: બદલી રોકવા રૂ. 30થી 50 હજાર સુધીની...

ખેડા આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચારનો વિસ્ફોટ: બદલી રોકવા રૂ. 30થી 50 હજાર સુધીની ગેરકાયદેસર વસૂલાતના આક્ષેપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ખેડાઃ ખેડા જિલ્લાના આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા બાદ તંત્ર ફરી એકવાર વિવાદોમાં ઘેરાયું છે. છેલ્લા કેટલાક દિવસોમાં એક પછી એક વાયરલ થઈ રહેલા વીડિયોએ સરકારી આરોગ્ય વ્યવસ્થાની પારદર્શકતા પર સવાલો ઉભા કર્યા છે. વીડિયોમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા કર્મચારીઓની બદલી અટકાવવા માટે રૂ. 30,000થી લઈને 50,000 સુધીનો ગેરકાયદેસર ‘વહીવટ’ લેવામાં આવે છે.

પાલ્લા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડૉક્ટર તેજસ પટેલનો વીડિયો વાયરલ થયા બાદ હવે એક મહિલા નર્સ ફરહીનબેન મનસુરીનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં ફરહીનબેને ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, “મેં મારી બદલી રોકાવવા માટે હિતેષભાઈ નામના વ્યક્તિને રૂ. 30 હજાર આપ્યા હતા. મને એવી ધમકી આપવામાં આવી હતી કે જો હું સીધા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) સુધી જઈશ તો રૂ. 50 હજાર આપવા પડશે, પરંતુ હાલ સેટલમેન્ટ કરશો તો રૂ. 30 હજારમાં કામ થઈ જશે.”

- Advertisement -

આ સમગ્ર મામલે ખેડાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે વાયરલ થયેલા બંને વીડિયોની ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વીડિયોમાં જેમના નામ લેવાયા છે તે તમામ વ્યક્તિઓના નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

તે ઉપરાંત ડૉક્ટર તેજસ પટેલ વીડિયોમાં જે હાલતમાં જોવા મળી રહ્યા છે તે મુદ્દે પણ તપાસ કરવામાં આવશે. જો તેઓ નશાની હાલતમાં હોવાનું અથવા કોઈ ગેરરીતિમાં સામેલ હોવાનો પુરાવો મળશે તો તેમના વિરુદ્ધ કડક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

હાલમાં આ સમગ્ર ઘટનાએ ખેડા જિલ્લાના વહીવટી અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે અને તંત્રની કાર્યશૈલી પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular