નવજીવન ન્યૂઝ.ગીર-સોમનાથઃ ગુજરાતમાં યોજવામાં આવેલી 16મી સિંહ વસ્તી અંદાજના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડાકીય માહિતી પરથી ગીર અને ગુજરાતની શાન વધી હોય તેવું ગૌરવ થવું સ્વાભાવિક છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ અંગે ગૌરવપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે, રાજ્યમાં સિંહોની સંખ્યા 891ની થઈ છે. તેમણે વધુ વિગતો આપતા કહ્યું કે, 196 નર, 330 માદા તથા પાઠડા અને બાળ સિંહ મળીને સમગ્રતયા 891 સિંહોની સંખ્યા આ 16મી વસ્તી અંદાજના આંકડાઓમાં સામે આવી છે.

રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે ડાયરેક્ટ બીટ વેરિફિકેશન એટલે કે બ્લૉક કાઉન્ટ પદ્ધતિથી સિંહની વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ વર્ષે તારીખ 10 થી 13 મે દરમિયાન 11 જિલ્લાના 58 તાલુકાના 35 હજાર ચોરસ કિ.મી વિસ્તારમાં વનકર્મીઓ અને સરપંચો, ગ્રામજનો સહિત 3854નું માનવ બળ આ કામગીરીમાં જોડાયું હતું.
અગાઉ રાજ્યમાં સિંહ વસ્તી અંદાજની અગાઉની પરંપરાગત પદ્ધતિને બદલીને ટોટલ કાઉન્ટ બાય ડાયરેક્ટ સાઈટિંગ એટ બ્લૉક સિસ્ટમ પદ્ધતિ કરાવી હતી. 74માં સ્વતંત્રતા દિવસે સિંહોના લાંબાગાળાના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રોજેક્ટ લાયનની કરેલી જાહેરાત અન્વયે તાજેતરમાં નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડની ગુજરાતમાં યોજાયેલી બેઠકમાં પ્રોજેક્ટ લાયન 2047ના ભવિષ્ય લક્ષી આયોજન જાણકારી અપાઈ હતી.
સિંહ જતન, સંવર્ધન અને સંરક્ષણ માટે પ્રોજેક્ટ લાયન 2047 વધુ સારી રીતે સાકાર કરશે તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દર્શાવ્યો હતો. તેમણે સ્પષ્ટ પણે કહ્યું કે, ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાની દ્રષ્ટિએ જ નહીં વન્ય પ્રાણી સંરક્ષણના સરકારના કાળજીભર્યા સાતત્યપૂર્ણ અભિગમથી જ સિંહનું સંખ્યાબળ ઉત્તરોત્તર વધ્યું છે. 2001માં સિંહની સંખ્યા 327, 2005માં 359, 2010માં 411, 2015માં 523 અને 2020માં 674 હતી તે હવે વધીને 891 થઈ છે.

- 11 જિલ્લાના 58 તાલુકાઓના 35 હજાર ચોરસ કિ.મી. વિસ્તારમાં મોડર્ન ટેકનોલોજીના સઘન ઉપયોગ અને ડાયરેક્ટ બીટ વેરિફિકેશન – બ્લોક કાઉન્ટ પદ્ધતિથી હાથ ધરાઈ સિંહની વસ્તી ગણતરી
- સ્થાનિક ગ્રામ પંચાયતોના સરપંચો – ગ્રામજનો – અગ્રણીઓ અને વન કર્મીઓ મળીને કુલ 3854 માનવ બળ કામગીરીમાં જોડાયું
- પ્રોજેક્ટ લાયનમાં લાયન હેબિટાટ અને વસ્તી પ્રબંધન-વન્ય પ્રાણી આરોગ્ય માવજત-સ્થાનિક લોક સહભાગિતા-વૈજ્ઞાનિક સંશોધન-તાલીમ ઇકોડેવલપમેન્ટ અને જૈવ વિવિધતાના સંરક્ષણ આવરી લેવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ સિંહની વસ્તીના અંદાજો મેળવવામાં જે મોર્ડન ટેકનોલોજીનો વિનિયોગ કરવામાં આવ્યો છે તેની વિસ્તૃત ભૂમિકા પણ આપી હતી. વ્યક્તિગત ઓળખમાં મદદ થાય તે હેતુથી ફોટોગ્રાફ્સ લેવા માટે ડિજિટલ કૅમેરા, કૅમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમુક સિંહોને રેડિયો કોલર પણ પહેરાવવામાં આવ્યા હતા જેથી તે સિંહ તેમજ તેના ગ્રુપનું લોકેશન મેળવવામાં મદદ મળી હતી.

આ ઉપરાંત, e-gujforest ઍપ્લિકેશન સિંહ અવલોકનના રિયલ ટાઇમ ડેટા એન્ટ્રી કરવામાં મદદરૂપ થઈ હતી. જેમાં જીપીએસ લોકેશન અને ફોટાનો સમાવેશ થવાથી ચોકસાઈ અને કાર્યક્ષમતામાં વધારો થયો હતો. જીઆઈએસ સોફટવેરનો ઉપયોગ સર્વેક્ષણ વિસ્તારોને રેખાંકિત કરવા અને સિંહોની હિલચાલ, વિતરણ પેટર્ન અને રહેઠાણના ઉપયોગને ટ્રેક કરવા માટે વિગતવાર નકશા વિકસાવવા માટે કરવામાં આવ્યો હતો. જરૂર જણાય ફોટાનો ઉપયોગ કરી સિંહોની વ્યક્તિગત ઓળખ કરી શકતા AI આધારિત સોફ્ટવેરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
પ્રારંભમાં વન અને પર્યાવરણ અગ્ર સચિવ સંજીવ કુમારે વન વિભાગ દ્વારા સિંહની વસ્તી અંદાજો માટે જે ત્રિસ્તરીય કાઉન્ટ પદ્ધતિથી ડેટા એનાલિસિસ અને રિયલ લાયન ટ્રેકિંગ કર્યું છે તેની વિગતો આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વસ્તી અંદાજોના આંકડાઓની જાહેરાત કરી તે અવસરે વન મંત્રી મુળુભાઈ બેરા, રાજ્ય મંત્રી મુકેશ પટેલ, મુખ્ય સચિવ પંકજ જોષી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ ડૉ. એ.પી.સિંઘ, અગ્ર મુખ્ય વન સંરક્ષણ ડૉ. જયપાલસિંહ અને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








