Tuesday, June 30, 2026
HomeGeneralમારી સામે હથિયારબંધ ટોળુ હતું, મારી કાર ઉભી રહી, તેમણે મને પુછયુ...

મારી સામે હથિયારબંધ ટોળુ હતું, મારી કાર ઉભી રહી, તેમણે મને પુછયુ કયાંથી આવ્યા મેં કહ્યુ પત્રકાર છું, સામેથી પ્રશ્ન પુછાયો હિન્દુ કે મુસ્લિમ

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): હું 1988માં પત્રકારત્વમાં આવ્યો, કામની શરૂઆત અમદાવાદથી કરી, અહીં ઘણા વિસ્તારોમાં માત્ર બે સાયકલવાળા અથડાઈ જાય તેમાંથી કોમી તોફાન થતાં મેં જોયા છે. મહિના સુધી કરફયૂમાં કેદ અમદાવાદ અને રસ્તા ઉપર ખુલ્લે આમ થતી છુરાબાજીઓ વચ્ચે મેં રિપોર્ટીંગ કર્યું છે, જેમ જેમ મારો સમય ક્રાઈમ રિપોર્ટર તરીકે પસાર થયો તેમ તેમ મનમાં રહેલો ડર લગભગ જતો રહ્યો હતો, પણ અહીં વાત વીસ વર્ષ પહેલાની છે. ગુજરાતના ગોધરા રેલવે સ્ટેશન ઉપર ટ્રેનને સળગાવી દેવાની ઘટના પછી હું તરત ગોધરા પહોંચ્યો હતો. 57 કાર સેવકોને સળગાવી દેવામાં આવ્યા હતા, સળગી ગયેલા ડબ્બાની વાસમાં મને મારા અનુભવ પ્રમાણે ગુજરાત ભડકે બળશે તેની ગંધ આવી રહી હતી, વાતાવરણમાં બદલાની ભાવના તીવ્ર હતી, હું સુરતથી પ્રસિધ્ધ થતાં એક સામાયીક માટે કામ કરતો હતો જેના તંત્રી વિક્રમ વકિલ હતા, તેમની સૂચના હતી કે મારે ગોધરાથી સુરત આવી સ્ટોરી ફાઈલ કરવાની રહેશે, હું અને મારા સિનિયર ફોટોગ્રાફર ગૌતમ ત્રીપાઠી ગોધરાથી રાત્રે સુરત ગયા, આખી રાત જાગી મેં સ્ટોરી ફાઈલ કરી અને બીજા દિવસે 1 માર્ચ 2002 સવારે 5.00 વાગે અમે અમદાવાદ આવવા નિકળ્યા.



આખી રાત કામ કર્યું હોવાને કારણે કારમાં મને કયારે ઉંઘ આવી ગઈ ખબર પડી નહીં, થોડી વાર પછી અચાનક આંખ ખુલી અને મારી નજર રસ્તા ઉપર પડી મને સામેથી એક પણ વાહન આવતુ દેખાયું નહીં, મેં કારના કાચમાંથી પાછળ નજર કરી પાછળ પણ દુર સુધી કોઈ વાહન ન્હોતુ, મને આશ્ચર્ય થયું અમદાવાદ-મુંબઈ જેવા ભરચક નેશનલ હાઈવે ઉપર અમારી કાર સિવાય કોઈ જ વાહન ન્હોતુ, રસ્તાની બંન્ને તરફની હોટલો અને ઢાબાઓ બંધ હતા, આવો માહોલ મેં જોયો ન્હોતો, રસ્તા ઉપર ડર પેદા કરે તેવી શાંતિ હતી, જે આવનાર તોફાનનો અંદેશો હતો. મનમાં અનેક ઉથપાથલો થવા લાગી, જ્યારે મનમાં ડરનો જન્મ થાય ત્યારે મન શંકામાં ઘેરાઈ જાય છે, ડર અને શંકાઓ વચ્ચે અટવાતો હું વડોદારા પાર કરી ગયો, અમારી કાર અમદાવાદ તરફ વળી અને ત્યાં વાસદ ટોલ ટેકસ પાસે એક ટોળુ ઉભુ હતું. ટોળાના લોકોના હાથમાં લાઠીઓ, તલવારો, બરછી અને મોટા છરા સહિતના હથિયારો હતા. મેં તરત વિચાર્યું કે ટોળુ કોનુ હશે, હિન્દુ કે મુસ્લિમાનું પણ તરત બીજો વિચાર આવ્યો હું તો પત્રકાર છું મને શું ફેર પડે ટોળું કયા ધર્મના લોકોનું છે.

મેં બાબરી ધ્વંસ સહિત રથયાત્રા ઉપર થયેલા હુમલા પછી ફાટી નિકળેલા કોમી તોફાનું રિપોર્ટીંગ કર્યું છે, આ તોફાનો દરમિયાન આ પ્રકારના હથિયારબંધ ટોળાનો સામનો કરવો આમ વાત હતી, જ્યારે પણ આવું ટોળું રોકે ત્યારે એટલુ જ કહેવાનું કે પત્રકાર છું, બસ પછી તે ટોળુ હિન્દુનું હોય કે મુસ્લિમનું તમે ટોળામાંથી સલામત નિકળી શકો કારણ ધર્મના નામે લડતા લોકો સાથે પત્રકારને કોઈ નીસ્બત નથી તેવુ હિંસાનો સહારો લેનાર માનતા હતા. મારા જુના અનભુવના આધારે મેં કારના ડ્રાઈવરના ખભે હાથ મુકી કાર ધીમી કરી ઉભી રાખવા કહ્યું કાર ટોળા પાસે આવી બ્રેક વાગી મેં બારીની બહાર જોયું ટોળાનો આગેવાન કાર તરફ આવ્યો તેની આંખોમાં ગુસ્સો હતો, તેણે મને પુછ્યું કયાંથી આવો છે, મેં જવાબ આપ્યો કે પત્રકાર છું, તેના ચહેરાના રંગો તંગ જ રહ્યા કારણ તેણે તેના પ્રશ્નનો ઉત્તર મળ્યો ન્હોતો, મેં કહ્યું પત્રકાર છું એટલે તેણે મારા સહિત ફોટોગ્રાફર અને ડ્રાઈવર તરફ એક નજર કરી અને પુછયુ પત્રકાર તો બરાબર પણ કયા ધર્મના છો?



પત્રકાર કહ્યા પછી મને કોઈએ ધર્મ પુછયો હોય તેવી આ પહેલી ઘટના હતી. મારો ધર્મ પુછતા મને ડર લાગ્યો કારણ મને ખબર ન્હોતી કે હથિયારબંધ ટોળુ કર્યા ધર્મના વિશ્વાસુનું છે, એક ક્ષણ વિચાર કર્યો અને કહ્યું હિન્દુ છું તેણે તરત કહ્યુ કાર્ડ બતાવો તેણે અમારા ત્રણેના કાર્ડ ચેક કર્યા અને તેમણે અમને જવાની મંજુરી આપી, પણ પત્રકારનો ધર્મ પુછયા પછી મને વધારે ડર લાગ્યો, અમે અમદાવાદમાં દાખલ થયા ત્યારે અમદાવાદ ભડકે બળી રહ્યું હતું, સળગી રહેલુ અમદાવાદ શાંત થવાનું હતું અને બળી ગયેલુ શહેર ફરી બેઠુ થવાનું હતું પણ પત્રકાર પણ હિન્દુ મુસ્લિમ હોય છે તેવું જનમાનસના મનમાં અંકિત થયેલુ ભુંસાવાનું ન્હોતુ. ગોધરાકાંડના ત્રણ મહિના સુધી જે પ્રકારનું રિપોર્ટીંગ થયુ તેના લખાણમાં પણ એક પ્રકારની ગંધ હતી, મને ત્યારે લાગ્યુ તે પત્રકારને પણ ધર્મ હોય છે તેવું મને વાસદના ટોલટેકસ ઉપર પુછનાર ટોળા ખબર હતી કે પત્રકાર પણ હવે ધર્મ અને પક્ષની છાવણીમાં વહેંચાઈ ગયો છે.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular