Wednesday, June 24, 2026
HomeGeneralપેટલાદમાં ભાજપ-કોંગ્રેસના શક્તિ પ્રદર્શન વચ્ચે એક નેતાએ કહ્યું મારી સાથે દગો થયો...

પેટલાદમાં ભાજપ-કોંગ્રેસના શક્તિ પ્રદર્શન વચ્ચે એક નેતાએ કહ્યું મારી સાથે દગો થયો !

- Advertisement -

દેવાંગી ઠાકર (નવજીનવ ન્યૂઝ. આણંદ): આણંદ જીલ્લાની ૧૧૩-પેટલાદ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે અત્યારથી જ મતદારોમાં ભારે ઉત્તેજના જોવા મળે છે. ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારો પસંદ કરવામાં વધુ સમય લેતા મતદારોમાં અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા હતા. અંતે ભાજપે આ બેઠક ઉપર નવા ચહેરા તરીકે પાયાના કાર્યકર કમલેશભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા કદ્દાવર નેતા નિરંજન પટેલને હટાવી ક્ષત્રિય અને યુવા ઉમેદવાર ડો. પ્રકાશ પરમારને અંતિમઘડીએ જાહેર કર્યા છે. જેના કારણે રાજકીય પંડિતોના પાસા અવળા પડી ગયા હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે. આ વખતની ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ હતો. ત્યારે આજરોજ ભાજપ અને કોંગ્રેસે શક્તિ પ્રદર્શન કરી રેલી સ્વરૂપે નામાંકન ભર્યુ હતુંં. આગામી દિવસોમાં જીલ્લાની આ બેઠક ઉપર જોરદાર ચૂંટણી જંગ બને તેવી ચર્ચા શહેરમાં શરૂ થઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જીલ્લાની સાત પૈકી પેટલાદ બેઠક માટે ઉમેદવારોની પસંદગી ભાજપ અને કોંગ્રેસ માટે કોયડા સમાન બની ગઈ હતી. બન્ને પક્ષો એકબીજાના ઉમેદવાર જાહેર થવાની રાહ જોઈ રહ્યા હતા. અંતે ભાજપ દ્વારા તારીખ ૧૪ના રોજ રાત્રે પેટલાદ બેઠક ઉપર અપસેટ સર્જી કમલેશ પટેલનું નામ જાહેર કર્યું હતું. આ ઉમેદવાર છેલ્લા ત્રીસેક વર્ષથી ભાજપમાં પાયાના કાર્યકર તરીકે જવાબદારી સંભાળે છે. સરળ સ્વભાવના કમલેશ પટેલ ચૌદ ગામ પાટીદાર સમાજમાંથી આવે છે. શિક્ષીત એવા આ ઉમેદવાર શૈક્ષણિક ક્ષેત્રમાં વર્ષોથી ફરજ બજાવે છે. ભાજપના કમલેશ પટેલ આજે ઉમેદવારી પત્ર ભરવાના હોવાથી તન્મય પાર્ટી પ્લોટ ખાતે સવારથીજ કાર્યકરોના ધાડેધાડા ઉતરી રહ્યા હતા. બપોરે બાર કલાક સુધીમાં કેન્દ્રિય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, રાષ્ટ્રિય મહામંત્રી સી ટી રવિ, આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ, જીલ્લા કાર્યકારી પ્રમુખ મયુરભાઈ સુથાર, મહામંત્રી નિરવ અમીન સહિત સંગઠનના હોદ્દેદારો, જીલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો, સરપંચો, સહકારી આગેવાનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારી પત્ર ભરવા પૂર્વે યોજાયેલ સભામાં ઉપસ્થિત મહાનુભાવોએ ભાજપ સરકારની વિકાસલક્ષી કામગીરી સંદર્ભે લોકોને વાકેફ કર્યા હતા. આ વખતની ચૂંટણીમાં વીસ વર્ષ બાદ પેટલાદ બેઠક ઉપર કમળ ખીલવાનો વિશ્વાસ કમલેશ પટેલે વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ રેલી સ્વરૂપે ટેકેદારો સહિત ઉમેદવાર પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં કમલેશ પટેલે ફોર્મ ભર્યું હતું.

- Advertisement -

બીજી તરફ ઉમેદવારની પસંદગીને લઈ કોંગ્રેસમાં ધમાસાણ મચ્યું હતું. ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસના માત્ર વીસ કલાક અગાઉ કોંગ્રેસે ઉમેદવાર તરીકે ડો.પ્રકાશ પરમાર (બામરોલી)ને જાહેર કર્યા હતા. પેટલાદ વિધાનસભા બેઠક ઉપર છેલ્લા ઘણા દિવસથી ચાલતી અટકળોનો અંત આવ્યો હતો. કોંગ્રેસમાં ચાલતી જૂથબંધી ચરમસીમા ઉપર જોવા મળી હતી. આ બેઠક ઉપર છ વખત ધારાસભ્ય રહેલ નિરંજન પટેલનું પત્તુ કપાતા ભરતસિંહ સોલંકી અને વિજ્ઞાત્રી પટેલની છાવણીમાં સોંપો પડી ગયો હતો. આજરોજ ઉમેદવારી પત્ર ભરવાનું હોવાથી વિજ્ઞાત્રી પટેલના નિવાસ સ્થાને સવારથી જ ગ્રામ્ય વિસ્તારના લોકો ઉમટી પડ્યા હતા. બપોરે એક કલાકના સુમારે કોંગ્રેસના ઉમેદવાર ડો.પ્રકાશ પરમાર સહિત પીઢ કોંગ્રેસી નેતા નટવરસિંહ મહિડા, જનરલ સેક્રેટરી વિજ્ઞાત્રી પટેલ, વિનુભાઈ સોલંકી (દેદરડા), પેટલાદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો.બુધાભાઈ પરમાર, પેટલાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ, પક્ષના હોદ્દેદારો, જીલ્લા – તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો વગેરે મોટી સંખ્યામાં રેલી સાથે જોડાયા હતા. જેઓએ પેટલાદ પ્રાંત કચેરી ખાતે ચૂંટણી અધિકારી પ્રજ્ઞેશ જાની સમક્ષ ડો. પ્રકાશ પરમારે ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. આમ બન્ને પક્ષોએ રેલી કાઢી શક્તિ પ્રદર્શન બતાવ્યું હતું. જોવાનું એ રહેશે કે કોંગ્રેસ નિરંજન પટેલની ગેર હાજરીમાં બેઠક જાળવી રાખે છે કે ભાજપ ર૦ વર્ષ પછી આ બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લે છે ? નોંધપાત્ર બાબત એ પણ છે કે કોંગ્રેસમાથી રાજીનામુંં આપનાર નિરંજન પટેલ આગામી દિવસોમાં કેવી રણનિતી ઘડે છે ?

કોંગ્રેસમાંથી નિરંજન પટેલે તા.૧પ નવેમ્બરના રોજ સાંજે પ.પ૦ કલાકે તમામ પદો ઉપરથી રાજીનામું પ્રદેશ અધ્યક્ષને સંબોધીને મોકલી આપ્યું હતું. જેથી તમામ અટકળોનો અંત આવ્યો હતો. ત્યારબાદ તા.૧૬ના રોજ કોંગ્રેસે ડો. પ્રકાશ પરમારને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. ઉમેદવાર જાહેર થયા બાદ પેટલાદ મત વિસ્તારમાં અટકળો એવી ચાલી રહી હતી કે નિરંજન પટેલ અપક્ષ ઉમેદવારી નોંધાવશે. આજરોજ તેઓએ ઉમેદવારી નહીં નોંધાવતા આ અટકળનો પણ અંત આવી ગયો છે. પરંતુ આજરોજ તેઓએ મિડીયા સમક્ષ લેખિત નિવેદન જણાવતા કહ્યું હતું કે મે કોંગ્રેસના પ્રભારી અને ભરતસિંહ સોલંકીને છ મહિના અગાઉ ચૂંટણી નહીં લડવા જણાવ્યું હતું. ઉપરાંત ક્ષત્રિય આગેવાનોને પણ બીજા ઉમેદવારને તક આપવા કહ્યું હતું. પરંતુ બધાએ મને જ ચૂંટણી લડવા આગ્રહ રાખ્યો હતો. જેથી મેં દોઢેક મહિના અગાઉ મત વિસ્તારમાં પ્રવાસ અને લોક સંપર્ક શરૂ કર્યો હતો. ત્યારબાદ જ્ઞાતીવાદ ઉભો કરી ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવા તૈયારી બતાવી હતી. તેઓએ ઉમેદવારી કરવાના થોડા દિવસો અગાઉ જ પોતાનું નામ જાહેર કરી મારી સાથે દગો અને વિશ્વાસઘાત કર્યો છે. મને છેલ્લા ત્રીસ વર્ષથી ઠાકોર અને ક્ષત્રિય મતદારો ખોબેને ખોબે મત આપી જીતાડતા હતા તો શુ સાતમી વખત મત ન્હોતા આપવાના ? તેઓએ અપક્ષ ઉમેદવારી નહીં કરવા સાથે કહ્યું હતું કે મારી કારકિર્દીમાં મારા ઉપર ભ્રષ્ટાચાર, કટકી કે ચારિત્ર્ય અંગેના કોઈ જ આક્ષેપો નથી. છતા આટલી લાંબી રાજકીય કારકિર્દી બાદ કોંગ્રેસે મારી સાથે દગો કર્યો હોવાનું નિરંજન પટેલે જણાવ્યું હતું.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular