Thursday, June 25, 2026
HomeGujaratઘઉમાં તેજીના મજબૂત સંકેત છતાં મની મેનેજરોએ મંદીનો ખેલ પાડ્યો

ઘઉમાં તેજીના મજબૂત સંકેત છતાં મની મેનેજરોએ મંદીનો ખેલ પાડ્યો

- Advertisement -

યુક્રેનમાં ઘઉનું ઉત્પાદન, ગતવર્ષના ૩૩૦ લાખ ટનથી ૪૦ ટકા ઘટીને ૧૯૦ લાખ ટન આવશે

- Advertisement -

નવેમ્બરના આરંભે ભારતના સરકારી ગોદામોમાં ઘઉનો સ્ટોક ઘટીને અડધો ૨૧૦ લાખ ટન

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): કાળા સમુદ્રના દેશોમાં ઉત્પાદન બાબતે શંકાસ્પદ અહેવાલો આવી રહયા છે, એ જોતાં ઘઉ બજારમાં તેજીના મજબૂત સિગ્નલો ઊભરી આવ્યા છે. પણ મની મેનેજરો જેને આપણે સ્માર્ટ મની તરીકે ઓળખીએ છીએ તેવા ખેલાડીઓએ ઓકટોબર આરંભથી અમેરિકન ઘઉ અને મકાઇ બજારમાં સતત મંદીનો ખેલ પાડ્યો છે. જૂન ૨૦૨૦ પછી પહેલી વખત આ સપ્તાહે મંદિવાળાઓ એ તેમના મંદીના ઓળીયા ૧૫ ટકા જેટલા વધાર્યા છે. શુક્રવારે શિકાગો ઘઉ ડિસેમ્બર વાયદો ૨૮ ઓગસ્ટના તળિયે ૮.૧૦ ડોલર પ્રતિ બુશેલ (૨૫.૨૧૬ કિલો) બોલાયો હતો. પેરિસ ઘઉ વાયદો પણ સપ્ટેમ્બર પછીની નવી નીચી સપાટીએ ગયો હતો. નવેમ્બર આરંભથી સીબીઓટી ઘઉ વાયદો ૧૧ ટકા જેવો તૂટયો છે.

આ વર્ષે યુક્રેનમાં ઘઉનું ઉત્પાદન, ગતવર્ષના ૩૩૦ લાખ ટનથી ૪૦ ટકા ઘટીને ૧૯૦ લાખ ટન આવશે. એનાલિસ્ટો કહે છે કે ૨૦૨૩માં પણ ઉત્પાદનમાં આજ રીતે મોટો ઘટાડો અનિવાર્ય મનાય છે. જી-૨૦ દ્વારા વૈશ્વિક ખોરાક સિક્યુરિટી મજબૂત બનાવવા સ્થાપિત એગ્રિકલ્ચરલ માર્કેટ ઇન્ફોર્મેશન સિસ્ટમે ચેતવણીરૂપ અહેવાલ આપ્યા છે કે યુક્રેનમાં નબળો પાકનો અર્થ એવો થાય છે કે ઓછામાં ઓછું આવતા વર્ષે પણ જાગતિક ઘઉ સ્ટોક વૃધ્ધિ થવી સંભવ નથી. આથી ભાવ ઊંચા તો રહેશે, પણ બજારમાં મોટી અફડાતફડી ના થાય તેનું ધ્યાન રાખવું પડશે.

- Advertisement -

યુક્રેનના સરકારી સૂત્રો અનુસાર ખેડૂતોએ ૭ નવેમ્બર સુધીમાં ઘઉનું વાવેતર ૩૬ લાખ હેકટરમાં કર્યું હતું, જે ગતવર્ષના સમાનગાળાના ૬૦.૯ લાખ હેકટર હતું આમં આ વર્ષે વાવેતર ૪૧ ટકા ઓછું થયું છે. યુદ્ધ, વરસાદ, અને આર્થિક સંકડામણ જેવા કારણોસર યુક્રેનમાં વાવેતર દબાણમાં આવ્યું છે. આને લીધે ૨૦૨૩ની યુક્રેનની નિકાસ આવકમાં મોટું ગાબડું પડી જશે. પરિણામે આખા જગતમાં અનાજના ભાવ ઊંચા રહેશે અને લોકોની ખોરાક સમસ્યામાં વૃધ્ધિ થશે.  

સરકારી આંકડા કહે છે કે ૨૦૨૨-૨૩ની મોસમમાં અત્યાર સુધીમાં ઘઉ, મકાઇ સહિતના ૧૫૧ લાખ ટન અનાજ નિકાસ કર્યું છે, જે ગતવર્ષની તુલનાએ ૩૧ ટકા ઓછું છે, ૧૪ નવેમબર સુધીમાં ઘઉ નિકાસ, વર્ષાનું વર્ષ ૫૬.૫ ટકા ઘટીને ૫૭ લાખ ટન થઈ હતી. એવું માનવામાં આવે છે કે જગતને અનાજનો પુરવઠો વ્યવસ્થિત અને સરળતાથી પ્રવાહિત રહે તે માટે યુનાઈટેડ નેશન્સ સાથે થયેલા કરારો અનુસાર કાળા સમુદ્ર મારફતે યુક્રેનના અનાજ અને બીજી પ્રોડકટોની નિકાસમાં રશિયા બાધા ઊભી નહીં કરે.

અમેરિકન કૃષિ મંત્રાલયના તાજા આંકડા કહે છે કે શિયાળુ ઘઉ પાકની તંદુરસ્તી આ સપ્તાહે થોડી સારી થઈ છે. ૩૨ ટકા શિયાળુ પાક ગુડથી એક્સેલન્ટ સ્થિતિમાં છે. ગત સપ્તાહે આ ટકાવારી ૩૦ ટકા અને ગયાવર્ષના સમાનગાળામાં પાક ૪૬ ટકા તંદુરસ્ત હતો. અમેરિકન શિયાળુ ઘઉની નબળાઈ જો જળવાઈ રહશે તો, ૨૦૨૩-૨૪ની મોસમમાં પુરવઠા સ્થિતિ ચિંતાજનક બની જશે.

- Advertisement -

નવેમ્બરના આરંભે ભારતના સરકારી ગોદામોમાં ઘઉનો સ્ટોક, ૧ નવેમ્બર ૨૦૨૧ના રોજ ૪૨૦ લાખ ટન હતો, તે ઘટીને અડધો ૨૧૦ લાખ ટન રહી ગયો છે. અલબત્ત, વેપારીઓનું માનવું છે કરે સરકાર દાખવે છે તેના કરતાં સ્ટોક વધુ છે. શિયાળુ વાવેતર સમયે હવામાન પ્રતિકૂળ રહેવાથી ઘઉની ઊપજ (યીલ્ડ) ઘટશે, એવા અનુમાન પર ભાવ વધીને ટન દીઠ રૂ. ૨૬૫૦૦ (૩૨૫ ડોલર)ની વિક્રમ ઊંચાઈએ પહોંચી ગયા છે. મે મહિનામાં ઘઉ નિકાસ પ્રતિબંધ આવ્યા પછી સ્થાનિક બજારમાં ભાવ ૨૭ ટકા વધી ગયા છે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે)

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular