ફોન હાથમાં લઈને જેવું સોશિયલ મીડિયા ઓપન કરીને સ્ક્રોલ કરીએ… કે તરત મોટિવેશનલ વિડીયો, મોટીવેશનલ મેસેજનો રાફડો ફાટેલો દેખાય. જેમાં નામી, અનામી લોકોના મેસેજ મળે છે. તેમાંથી કેટલાક તો મહાન વ્યક્તિ, સેલેબ્રિટી, નેતા જેવા ફેમસ અથવા લોકપ્રિય લોકો દ્વારા કહેવાયા હોય છે.
હું તેમાંના દરેકને ડિનાય નથી કરતો, પણ ગઈકાલે એક એવી ઘટના મારી આંખ સામે બની, જેનાથી મને એવું થયું કે આવા મેસેજ માત્ર સ્ટેજ પરથી જ આપી શકાય એવું જરૂરી નથી. આવા મેસેજ કોઈ સેલેબ્રિટી કે લોકપ્રિય વ્યક્તિ જ આપી શકે એવું પણ નથી. એ પ્રસંગથી મારું મન તો થોડીવાર માટે હૅન્ગ જ થઈ ગયું. અને આખા દિવસમાં એ પ્રસંગને અનેક વખત વાગોળતો રહ્યો. એ તમારી સાથે શેર કરું છું.
મારું ટુ-વ્હીલર લઈને, હું અને મારો મિત્ર બહારગામ જઈ રહ્યા હતા. અમદાવાદથી લગભગ ત્રીસેક કિલોમીટર દૂર એક જગ્યાએ અમે નાસ્તો કરવા ઊભા રહ્યા. એટલામાં જોયું તો બાજુમાં રહેલા એક કાચા મકાનની બહાર લગભગ પાંચેક વર્ષની બાળકી રમકડાંની કાર રમી રહી હતી. કાર કદાચ એની હથેળી કરતાં પણ મોટી હતી. બાજુમાં સપોર્ટ વ્હીલ વાળી લાલ રંગની નાની સાયકલ પણ પડી હતી. સાયકલ આમ તો જૂની લાગતી હતી. પણ તેમાં લગાવેલી ગુલાબી ફૂલ વાળી ઘંટડી એકદમ નવી હતી. કદાચ તે પેલી બાળકી જ ચલાવતી હશે.
એટલામાં એક વૃદ્વ ડુંગળી-બટેકાની લારી લઈને પસાર થયો. બે-ત્રણ જગ્યાએથી સાંધેલા અને તેની સાઈઝ કરતાં લગભગ દોઢ ગણા મોટા શર્ટમાંથી એની દરિદ્રતા દેખાઈ આવતી હતી.એને લારીની બાજુમાં નાનાં બાળકને પહેરવાના સ્લીપર દેખાયા. તેણે બાજુનાં મકાનની બહારની બાજુએ કચરો વાળતી સ્ત્રીને પૂછ્યું “બેન, આ ચપ્પલ ફેંકી દીધા છે?” બેને તેમની સામે જોયાં વિના જ કહ્યું “હા” તરત પેલા વૃદ્ધે પૂછ્યું “હું લઈ જઈ શકું?” તે બહેને કહ્યું “હા” વૃદ્ધે તે સ્લીપર લીધા અને થોડા સાફ કરી, એક પ્લાસ્ટિકની થેલીમાં પેક કરીને લારીની નીચેના ભાગમાં મૂકી દીધા. સ્લીપર મૂકતી વખતે તેના ચહેરા પરનો આનંદ અવર્ણનીય હતો.
એ લારી લઈને આગળ જાય એની પહેલા પેલી બાળકીએ પૂછ્યું “દાદા, તમારા ઘરે નાનાં છોકરાઓ છે?”
“હા, એક છોકરી અને એક છોકરો છે.” વૃદ્ધે જવાબ આપ્યો.
“લો, આ ગાડી છોકરીને રમવા આપી દેજો.” વૃદ્ધ કાંઈ સમજે એ પહેલા પેલી દીકરી ઘરમાં જતી રહી હતી. વૃદ્વ એ ગાડીને હાથમાં આમ-તેમ ફેરવીને જોઈ રહ્યા હતા. એટલામાં તો પેલી દીકરી પાછી આવી અને વૃદ્ધના હાથમાં એક રબ્બરનો દડો આપતાં બોલી “આ તમારા છોકરાને આપી દેજો.”
વૃદ્ધ કંઈ પ્રતિભાવ કે જવાબ આપે તે પહેલા જ કચરો વાળતી સ્ત્રીએ દીકરીને ઘરમાં બોલાવી લીધી. વૃદ્વની લારીએ એક ગ્રાહક આવતાં તે ત્યાં જ ઊભા રહી ગયા. એટલામાં તો “જો વધારે કહીશ તો આ સાયકલ પણ આપી દઈશ” એવું બોલતાં બોલતાં પેલી છોકરી બહાર આવી.
મને અંદાજ આવી ગયો કે, ઘરમાં એની મમ્મીએ છોકરીને શું કહ્યું હશે! અમારો નાસ્તાનો કાર્યક્રમ પૂરો થયો અને હું મારા મિત્ર સાથે ચાલી નીકળ્યો. ડુંગળી-બટેકાની લારી પણ ચાલવા જ લાગી હતી. પેલી રમકડાંની ગાડી ત્યાં તો થંભી ગઈ હતી, પણ મારા મગજમાં હજુ સુધી ચાલી જ રહી છે.