નવજીવન ન્યૂઝ.પાટણઃ પાટણમાં છેલ્લા ઘણા સમયથી બોગસ ડોક્ટર પકડાવાની ઘટનાઓ ઘણી સામે આવવા લાગી છે. જોકે સામાન્ય પ્રજાને ડોક્ટર સાચો છે કે ખોટો તેની ખબર જ કેવી રીતે પડે? હોસ્પિટલ સારી જોઈ સારવાર માટે પહોંચતા લોકો તબીબ પર ભરોસો મુકી પોતાની વ્યથા વર્ણવતા હોય છે, પરંતુ કેટલાક અભણો અને બેશરમો કે જેઓ લોકોના જીવન સાથે ચેડા કરતાં પણ ખચકાતા નથી. લાલચ એટલી હોય છે કે તેવા તબીબોને કારણે ઘણા લોકોને જીવન ભર પીડાવું પડતું હોય છે. આવો જ એક લાલચુ અને ડોક્ટરની ડિગ્રી ન ભણેલો શખ્સ પાટણમાં હોવાની વિગતો છે જે પ્રસિદ્ધ નામની હોસ્પિટલ ચલાવે છે.
પાટણના જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આઈસીયુ અને હોસ્પિટલ જેમાં હાર્ટ અને ક્રિટિકલ કેરની સુવિધા હોય તેવી હોસ્પિટલ ચલાવતા યોગેશ પટેલની એમબીબીએસની ડિગ્રી અને તેમની નામની વિસંગતતા સામે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. તપાસમાં યોગેશ બીજાની એમબીબીએસ ડિગ્રીના રજિસ્ટ્રેશન નંબરનો ખોટો ઉપયોગ કરી એમડી અને એમબીબીએસ ડોક્ટર તરીકે પાટણમાં છેલ્લા દોઢ વર્ષથી હોસ્પિટલ ખોલી ધંધો કરી રહ્યો હતો. આરોગ્ય વિભાગ તપાસમાં હોવાની ખબર પડતાં યોગેશ ભૂગર્ભમાં ઉતરી ગયો છે.
આ મામલે પાટણ તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. પ્રસિદ્ધ હોસ્પિટલના યોગેશ પટેલ અંગે ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા આરોગ્ય વિભાગને જવાબ આપ્યો તેમાં ભાંડો ફૂટી ગયો હતો. એમબીબીએસ ડોક્ટર તરીકે તેણે રજૂ કરેલું સર્ટી પણ ખોટું નીકળ્યું છે.
ડોક્ટર ભુગર્ભમાં ઉતરી જતા આરોગ્ય વિભાગે તેની સામે કાર્યવાહીના ભાગ રૂપે શુક્રવારે ગુજરાત મેડિકલ કાઉન્સિલને પત્ર લખી તેની ડોક્ટરની ડિગ્રીની વિગતો માગી હતી. કાઉન્સિલે તેનો જવાબ આપ્યો અને તે જવાબમાં લખ્યું કે રજિસ્ટ્રેશન નંબર જી-18505 આપવામાં આવ્યો છે તે ડિગ્રી તેના નામની નથી, તે ડિગ્રી સંઘવી આશિષ હર્ષદભાઈ નામના વ્યક્તિની છે જે ગુજરાત યુનિવર્સિટિમાંથી વર્ષ 1990માં મેળવેલી છે. ઉપરાંત મેડિકલ કાઉન્સિલ સર્ટિ રજીસ્ટ્રેશન નં. અત્યાર સુધી કોઈ પણ તબીબને ઈશ્યૂ કરાયું નથી. જેથી સર્ટીફિકેટ બનાવટી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર અલ્પેશ કુમાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











