પ્રશાંત દયાળ (દારુબંધીઃ ભાગ-3): ગુજરાતમાં દારુબંધીની વાત આવે એટલે સમગ્ર દોષનો ટોપલો ગુજરાત પોલીસના માથે જ ઢોળી દેવામાં આવે છે. બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડને ગુજરાત સરકારે કેમિકલકાંડ કહી જવાબદારીમાંથી છટકી જવાનો પ્રયાસ કર્યો. લઠ્ઠાકાંડ હોય કે કેમિકલકાંડ હોય તેની જવાબદારી તો આખરે સરકારની જ છે. પ્રથમ તબક્કે આ સમગ્ર મામલે ગુજરાત સરકારે 2 આઈપીએસ અધિકારીની બદલી કરી 8 અધિકારીને સસ્પેન્ડ કર્યા અને પોતાની જવાબદારી પુર્ણ કરી તેવું તે માની રહી છે. પરંતુ આ સમગ્ર મામલે ગુજરાત નશાબંધી વિભાગની ભેદી રમતને ગુજરાત સરકાર નાથી શકતી નથી. જો આ કેમિકલકાંડ છે તો ગુજરાત નશાબંધી ખાતાના અધિકારીઓ જ આરોપી બનવા જોઈએ પરંતુ આજ સુધીના તમામ લઠ્ઠાકાંડમાં નશાબંધી ખાતુ સિફત પૂર્વક છટકી જાય છે.
ગુજરાતના સિનિયર પોલીસ અધિકારીઓ અને ગુજરાત સરકારે બરવાળાની ઘટના લઠ્ઠાકાંડ નહીં પણ કેમિકલકાંડ છે તેવો દાવો કર્યો હતો. પોલીસનો દાવો હતો કે, દારુના બદલે સીધુ મિથાઈલ કેમિકલનું સેવન કરવામાં આવ્યું હતું. જો આ દાવાને સાચો માની લઈએ તો આજે જે પોલીસ અધિકારીઓની બદલી થઈ અને જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેમનો કોઈ ગુનો જ બનતો નથી. કારણ 1981ની ગુજરાત મિથાઈલ આલ્કોહોલના નિયમ પ્રમાણે મિથાઈલ આલ્કોહોલની જવાબદારી ગુજરાત નશાબંધી વિભાગની છે. 2009નો લઠ્ઠાકાંડ હોય કે બરવાળાનો લઠ્ઠાકાંડ તેમાં મિથાઈલ આલ્કોહોલનો ઉપયોગ થયાનું ફલિત થયું છે.
16 ઓક્ટોબર 1981માં અમલી બનેલા ગુજરાત મિથાઈલ આલ્કોહોલના નિયમ પ્રમાણે મુંબઈ અધિનિયમ 1949 હેઠળ તેને પરવાના હેઠળ મુકવામાં આવ્યું છે. નશાબંધી અને આબકારી સુપ્રીટેન્ડેન્ટ અથવા નશાબંધી ઈન્સપેક્ટર, સબ ઈન્સપેક્ટર તેનો પરવાનો આપે છે. પોલીસની તપાસ પ્રમાણે પીપળજમાં આવેલી એમોસ કંપની જેના માલિક સમીર પટેલ છે, ત્યાંથી મિથાઈલ આલ્કોહોલની ચોરી થઈ હતી. નશાબંધી એક્ટ પ્રમાણે મિથાઈલ આલ્કોહોલ રાખવાનું કે વેચવા માટે નશાબંધી વિભાગ તેનો પરવાનો આપે છે. નશાબંધી કાયદા હેઠળ જેની પાસે લાયસન્સ છે તેમણે નિયત સ્થળે જ તેનો જથ્થો રાખવાનો હોય છે. સમયાંતરે નશાબંધી અધિકારી તે સ્થળની મુલાકાત લઈ મિથાઈલ આલ્કોહોલના રાખવામાં આવેલા જથ્થાનું નિરિક્ષણ પણ કરે છે. આમ સમગ્ર મામલો નશાબંધી અધિકારીઓની કામગીરીને આધિન છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ કંપનીનો પરવાનો ફેબ્રુઆરી મહિનામાં પુરો થઈ ગયો હતો. મિથાઈલ આલ્કોહોલના નિયમ પ્રમાણે જો પરવાનો પુરો થયો હોય તો વધેલા જથ્થાને સીલ કરવાનો હોય છે. બરવાળા લઠ્ઠાકાંડના પકડાયેલા આરોપીઓના નિવેદન પ્રમાણે છેલ્લા પાંચ મહિનાથી તેઓ મિથાઈલ આલ્કોહોલનો જથ્થો ચોરી બુટલેગર્સને વેચતા હતા. આશ્ચર્ય એ બાબતનું છે કે પાંચ મહિનાથી મિથાઈલ આલ્કોહોલનો જથ્થો ઓછો થઈ રહ્યો હોવા છત્તા કંપનીના માલિક સમિર પટેલે આ મામલે કોઈ ફરિયાદ નોંધાવી ન્હોતી. જો આ કેસમાં કસુરવાર પોલીસ અધિકારી હોય તો છેલ્લા પાંચ મહિનાથી આ જથ્થાનું નિરિક્ષણ કરનાર નશાબંધી અધિકારી પણ માત્ર કસુરવાર જ નહીં પણ આરોપી બને, કારણ સંબંધિત નશાબંધી અધિકારીએ ક્યાંય નોંધ કરી નથી કે અરજદારનો પરવાનો પુરો થયો છે અથવા જે જથ્થો છે તેના કરતાં ઓછો જથ્થો માલુમ પડ્યો છે.
દોઢસો લોકોનો ભોગ લેનાર 2009ના અમદાવાદના લઠ્ઠાકાંડમાં પણ મિથાઈલ આલ્કોહોલનો ઉપયોગ થયો હતો. છત્તાં તેમાં પણ કોઈ નશાબંધી અધિકારીને દોષિત ઠેરવવામાં આવ્યા ન્હોતા. તેવી જ રીતે બરવાળા કાંડમાં પણ નશાબંધી વિભાગને જાણે ક્લીનચીટ આપવામાં આવી છે. ખરેખરતો જ્યારે પણ ગુજરાતમાં લઠ્ઠાકાંડ બને તેના મૂળમાં નશાબંધી વિભાગની જ ગુનાહીત બેદરકારી સામે આવી છે. પોલીસ કરતાં પણ વધુ વ્યાપક ભ્રષ્ટાચાર નશાબંધી વિભાગમાં ચાલે છે. છતા કોઈ અગમ્ય કારણસર નશાબંધી વિભાગના કોઈ અધિકારી સામે પગલા ભરવામાં આવતા નથી.
![]() |
![]() |
![]() |