નવજીવન ન્યૂઝ. દેવભૂમી દ્વારકા: તાજેતરમાં બીપોરજોય વાવાઝોડા (Biparjoy Cyclone) બાદ હવે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને (Heavy Rain) પગલે સર્જાયેલી તારાજીને પગલે ખેડૂત, માલધારી સહિત માછીમાર વર્ગને ખાસુ નુકસાન થયું છે. ચોમાસાની સિઝન છે અને ખેડૂતો બેઠા થવાના પ્રયાસો કરી રહ્યા છે પણ યુરિયા ખાતરની અછત હોય તેવી બુમો પાડી રહ્યા છે. ત્યારે આજરોજ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયા (Pal Ambaliya) દ્વારા રાજ્ય સરકારને પત્ર લખી ખેડૂતો, માછીમારો અને માલધારી માટે કેટલીક માગણીઓ કરવામાં આવી છે. સાથે જ પાલ આંબલીયાએ યુરિયા ખાતરની અછતને લઈ ગંભીર આશંકા વ્યક્ત કરી છે.
આજરોજ કિસાન કોંગ્રેસના પાલ આંબલીયા દ્વારા રાજ્ય સરકારને પત્ર લખી માગણી કરવામાં આવી છે કે, રાજ્યના કૃષી મંત્રીએ ત્રણ દિવસ પહેલા જણાવ્યું હતું કે રાજ્યમાં યુરિયા ખાતરનો પુરતો જથ્થો છે. પરંતુ મંત્રીના કહેવા મુજબ પુરતો જથ્થો હોય તો ખેડૂતોને કેમ યુરિયા મળતું નથી ? આંબલીયાએ સરકારને શંકા સ્વરમાં સવાલ કર્યો છે કે, અગાઉ જેમ કિંમતી જમીનો ઉદ્યોગપતિઓને ફાળવી દેવામાં આવી તેમ હવે યુરિયાનો જથ્થો પણ કંપનીઓને ફાળવી દેવામાં નથી આવ્યો ને ?
રાજ્યમાં બંધ પડેલી પાક વીમા યોજના બાબતે સરકારને ઢંઢોળતા પાલ આંબલીયાએ માગણી કરી છે કે, “પાક વીમા યોજના તો સરકારે બંધ કરી છે, ત્યારે ખેડૂતોના પાક સામે રક્ષણ મળે તેવી કોઈ યોજના સરકાર પાસે અત્યારે ઉપલબ્ધ નથી. સરકાર જ ખેડૂતોને મદદ કરે તેવી રાહ જોઇને પીડિત લોકો બેઠા છે. સરકારે સહાય ન આપવી પડે તે માટે દૂધમાંથી પોરા કાઢવાની નીતિ બંધ કરી પીડિત લોકોની વહારે આવવું જોઈએ અને જ્યાં ખેડૂતોને યુરિયા ખાતરની જરૂરિયાત છે તેમને તાત્કાલિક યુરિયા ખાતર પૂરું પાડવું જોઈએ.”
તદ્ઉપરાંત આંબલીયાએ બીપોરજોય વાવાઝોડાને કારણે થયેલા નુકસાન તેમજ તાજેતરમાં જ ભારે વરસાદે સર્જેલી તારાજીને પગલે ખેડૂતોને પાયમાલીથી બચાવવા માટે આર્થિક સહાય કરવામાં આવે. તેમજ સરકાર અતિવૃષ્ટી જાહેર કરી ખેડૂતોને ઘેડના ખેડૂતોને કોઈ પણ જાતના સર્વે વગર રૂપિયા 50 હજાર હેક્ટર દીઠ આર્થિક સહાય આપે. આ સાથે જ તેમણે જણાવ્યું છે કે, માલધારીના પશુ તણાયા છે તેમને પણ પશુના પોસ્ટમોર્ટમ રિપોર્ટ વગર જ સહાય આપવામાં આવે.
ભારે વરસાદને કારણે માલધારી સમુદાય મુશ્કેલીમાં હોય હાલ તેમને પણ રાજ્ય સરકાર મદદ કરે તેવી માગણી કરતા પાલ આંબલીયાએ રાજ્ય સરકાર સમક્ષ માગણી કરી છે કે, ગીરમાં આવેલા સરકારી ગોદામમાંથી સુકું ઘાસ માલધારીઓને પશુઓના નિભાવ માટે ફાળવવામાં આવે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796