Rahul Gandhi Gyanesh Kumar Opposition Protest Delhi Nirvachan Sadan March: નવી દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે વિપક્ષી પાર્ટીઓના સાંસદો અને નેતાઓએ નિર્વાચન સદન તરફ કૂચ શરૂ કરી હતી. જોકે, સુરક્ષા કર્મચારીઓએ તેમને આગળ વધતા રોકી દીધા હતા. ત્યારબાદ કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત અન્ય વિપક્ષી નેતાઓએ આકાશવાણી ભવનની સામે રસ્તા પર બેસીને ધરણા શરૂ કર્યા હતા અને CEC વિરુદ્ધ નારા લગાવ્યા હતા.
INDIA બ્લોકના સાંસદો અને નેતાઓને નીતિ આયોગ કાર્યાલયની સામે સુરક્ષા કર્મચારીઓ દ્વારા રોકવામાં આવ્યા હતા. નિર્વાચન સદન તરફ જતો માર્ગ ભારે બેરિકેડિંગથી બંધ કરવામાં આવ્યો હતો. પોલીસ અને સુરક્ષા દળોની તૈનાતી વચ્ચે ચૂંટણી પંચના મુખ્યાલય સુધી પહોંચવું મુશ્કેલ બનાવવામાં આવ્યું હતું. જોકે રાહુલ ગાંધીએ બેરિકેડ્સ પર ચઢી સહુનું પ્રોત્સાહન વધાર્યું હતું.
આ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બેરિકેડ પર ચઢતા અને રાષ્ટ્રીય ધ્વજ લહેરાવતા જોવા મળ્યા હતા. તેઓ આકાશવાણી ભવનમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને પણ રોક્યા હતા. આકાશવાણી ભવનની સામે બેસેલા વિપક્ષી નેતાઓએ CEC જ્ઞાનેશ કુમાર સામે નારા લગાવ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન ચૂંટણી પંચ અને Special Intensive Revision (SIR) સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને વિપક્ષ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ દરમિયાન કહ્યું હતું કે આ પ્રકારની કાર્યવાહીથી દેશમાં લોકશાહી ખતમ થઈ જશે અને બંધારણ નષ્ટ થશે. તેમણે કહ્યું હતું કે INDIA ગઠબંધનના તમામ પક્ષો આ મુદ્દે લડી રહ્યા છે અને લડત ચાલુ રાખશે.
આ વિરોધ પ્રદર્શન અગાઉના દિવસની ઘટનાની કડી તરીકે પણ સામે આવ્યું છે. અગાઉ ઓછામાં ઓછા 15 જાણીતા ભૂતપૂર્વ સિવિલ સર્વન્ટ્સ અને સામાજિક કાર્યકરોએ CECને “Letter of Impeachment” આપ્યું હતું. તેમાં જૂન 2025થી મતદાર યાદીના Special Intensive Revision (SIR)ની પ્રક્રિયા હાથ ધરવાની રીતને લઈને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને CECને પદ પરથી હટી જવાની માંગ કરવામાં આવી હતી. હાલ દિલ્હીમાં નિર્વાચન સદન તરફ જતા માર્ગો પર ભારે બેરિકેડિંગ અને સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વિપક્ષી નેતાઓનું વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યું હતું.








