Monday, April 27, 2026
HomeGujaratસ્વર્ગમાંથી એક બહેનનો ભાઈને પત્રઃ હર્ષભાઈ મારી સાથે જે બન્યુ તે ગુજરાતની...

સ્વર્ગમાંથી એક બહેનનો ભાઈને પત્રઃ હર્ષભાઈ મારી સાથે જે બન્યુ તે ગુજરાતની કોઈ પણ દિકરી સાથે બને નહીં તેનું ધ્યાન રાખજો

- Advertisement -

હર્ષભાઈ
તમને કયાં નામે સંબોધુ તેની મને ખબર નથી કારણ હજી હું અઢારની થઈ હતી અને દુનિયાને સમજુ તે પહેલા મારે દુનિયા છોડી દેવી પડી, મારે દુનિયા છોડવી ન્હોતી, મારે દુનિયાને માણવી હતી, પણ સાચુ કહુ હું ખુબ ડરી ગઈ હતી, મારી સાથે જે બન્યુ તે પહેલા મને લાગતુ હતું કે હું લડી લઈશ કારણ મારી સાથે ઘણા બધા છે, પણ મારી સાથે જે બન્યુ તે પછી મને સતત ડર લાગવા લાગ્યો, હું એકલી પડી ગઈ, હું જે સંસ્થામાં ચારિત્ર ઘડતર માટે આવી હતી તે સંસ્થાના સાથીઓ પણ મારી સાથે ઉભા રહ્યા નહીં તેવુ મને લાગી રહ્યુ હતું, દુનિયા છોડવાનો નિર્ણય ખોટો હતો તેની મને ત્યારે પણ ખબર હતી અને પણ ખબર છે, આપણને બધી જ ખબર હોય અને આપણી કઈ કરી શકીએ નહીં તેના કરતા મોટી લાચારી કઈ હોઈ શકે ભાઈ



અરે ભાઈ હું તો મારી કેસ હીસ્ટ્રી તમને લખવાનું જ ભુલી ગઈ, મારી જેમ તો તમને ગુજરાતની અનેક બહેનો અને ભાઈ પત્ર લખતા હશે રોજ તે પત્ર વાંચવા અને તેનો જવાબ આપવો અથવા તે અંગેની સુચના આપવી શકય પણ નથી, આમ તો દુષ્કર્મ થાય પછી આપણે તેની ઓળખ જાહેર કરતા નથી, પણ હવે દુનિયામાં નથી છતાં તમે કેતકી- માનસી- દેવકી કોઈ પણ નામ આપી શકો છો અખબારવાળા મારી જેવી છોકરીના નામ બદલી નાખે છે, પણ નામ બદલવાથી અમારી સાથે જે બન્યુ તે થોડુ ભુસી શકાય છે..હું મુળ નવસારીનું છુ, મારા જીવનના અનેક પ્રશ્નો હતા, મેં જયારે વડોદરાની સંસ્થા અંગે જાણ્યુ ત્યારે મને લાગ્યુ કે મારા જીવનના પ્રશ્નનો ઉત્તર મને મળશે એટલે હું વડોદરા આવી, સાચુ કહુ તો સંસ્થા અને સંસ્થાના સાથીઓ મને ખુબ સારા લાગ્યા, પણ મારા પ્રારબ્ધના ગર્ભમાં શુ હતું તેની મને પણ ખબર ન્હોતી.

સંસ્કારી નગરી કહેવાતી નગરીમાં મારી ઉપર સામુહીક બળાત્કાર થયો, શારિરીક પીડા કરતા માનસીક પીડા અસ્હય હતી, હું તે ઘટના પછી સંસ્થામાં પાછી ફરી, જયાં ઘણા બધા હતા, પણ તેમની નજરમાં જાણે હું અજાણી હોય તેવુ મને ભાસ્યા કરતુ હતું મને લાગ્યુ કે હું એકલી પડી ગઈ, મારી સાથે જે બન્યુ તેની સંસ્થામાં અનેકોને ખબર હતી પણ કોણ જાણે બધા ચુપ થઈ ગયા, હું મારા ઘરે વાત કરી શકુ એટલી હિમંત મારી અંદર ન્હોતી, સંસ્થાના વડા સંજીવભાઈ જે અમને કાયમ લડલાનું શીખવાડતા હતા કદાચ તે પણ કોઈ કારણે મારે માટે લડવા તૈયાર ન્હોતા, હું હારી ગઈ અને મે વલસાડમાં ટ્રેનમાં મારા જીવનની તમામ વિટંબણાનો અંત આણવાનો નિર્ણય કર્યો મને ખબર છે મારુ કૃત્ય કાયરતાપુર્ણ હતું પણ શુ કરૂ



ભાઈ આજે હું તમારી વચ્ચે નથી તેનો , પણ મને ખબર છે હું નથી તેનો ફેર મારા ઘરના માણસો સિવાય કોઈને પડવાનો નથી, મેં તમને ભાઈ કહ્યા છે, આજે મારી ઘટનાને એક મહિનો થઈ ગયો, તમે અને તમારી પોલીસ છેલ્લાં એક મહિનાથી સંસ્કારી નગરીના અસંસ્કારીઓને શોધી રહી છે, પણ તેનો પત્તો તમને મળતો નથી, તમારા પ્રયત્ન અને ઈરાદામાં ખોટ છે તેવુ પણ કહેતી નથી, પણ અહિયા આવ્યા પછી પણ મારૂ મન સતત પેલી ઘટનામાં જ ભટકતુ રહે છે, હું મને ન્યાય આપો તેવી માગણી કરતી નથી કારણ ન્યાય-અન્યાયના ત્રાજવા બધા માટે અલગ અલગ હોય છે , કારણ મારો કેસ હાઈ પ્રોફાઈલ નથી હું સામાન્ય ઘરની સામાન્ય છોકરી છુ સમય જતાં પોલીસ અને અખબારવાળા પણ આ ઘટના ભુલી જશે છતાં હું કોઈ પણ છોકરીને એકલી જતી જોઉ છુ ત્યારે મન ધબકારા ચુકી જાય છે મને અહિયા પણ બીક લાગે છે કયાંક મારી સાથે બન્યુ તેવુ તો તેમની સાથે બનશે નહીંને..

- Advertisement -

ભાઈ દોષ કોને આપુ તેની ખબર પડતી નથી પણ મારી સાથે બન્યુ તે પછી લાગે છે કદાચ દિકરી તરીકે અવતાર લેવાનો જ આ દોષ હશે ખેર તેમા તમે અને હું કઈ કરી શકતા નથી, આપણા રામરાજયની વાતો તો વર્ષોથી કરીએ છીએ પણ આપણા મનમાં રહેલા રાવણને આપણે કાબુમાં લઈ શકતા નથી, મૃત્યુ પછી કઈ ગુમાવવાનો ડર અને મેળવાની લાલસા હોતી નથી એટલે તમારી પાસે કઈ માંગવુ પણ નથી, તમારી એક બહેન તરીકે એટલી ઈચ્છા છે કે તમે ગુજરાતના ગૃહમંત્રી છો ત્યારે તમે મને નહીં તમારી જાતને તેવુ વચન આપજો કે મારી સાથે બન્યુ તેવુ તમારી બીજી કોઈ બહેન સાથે નહીં, છેલ્લે મારી કોઈની સામે કોઈ ફરિયાદ નથી, તમારી પોલીસ, મારી સંસ્થા, મારા મિત્રો અને મારા સગા બસ તમે ખુશ અને સલામત રહો એટલી જ અભિલાષા છે.

લીઃ તમને ભાઈ કહેવાનો અધિકાર રાખનારી તમારી બહેન


- Advertisement -

તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular