તુષાર બસિયા/દેવલ જાદવ (નવજીવન ન્યૂઝ, અમદાવાદ): ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાનું નેટવર્ક કેટલું દમદાર છે તેના વિશે કોઈને પણ જણાવવું પડે તેમ નથી. ઓનલાઈન જુગારનું દુષણ મોટા પાયે લોકો સુધી પહોંચાડવા માટે અખબારોને પણ માધ્યમ બનાવવામાં આવી રહ્યા હતા. તાજેતરમાં જ ગુજરાતના જ વિખ્યાત અખબારમાં પણ ઓનલાઈન સટ્ટાના ગોરખધંધાની આડકતરી જાહેરાતો જોવા મળતી હતી. આ મામલે સતત નવજીવન ઇન્વેસ્ટિગેશન કરી અહેવાલો પ્રસિધ્ધ કરી ચૂક્યું છે. ત્યારે હવે સૂચના અને પ્રસારણ મંત્રાલય (MIB)ની ઊંઘ ઊડી છે અને ઓનલાઈન જુગારની જાહેરાતો મામલે એડવાઇઝરી પ્રસિધ્ધ કરી છે.
ઓનલાઈન જુગારના ગોરખધંધા કરતા મહાદેવ બુક, હાઇઝેટ જેવી જાહેરાતો રાજ્ય સહિત દેશના વિવિધ અખબારોમાં પ્રસિધ્ધ થતી હતી. આ પ્રકારની જાહેરાત મામલે નવજીવને ન્યૂઝ દ્વારા સતત વિસ્તૃત અહેવાલો પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે જ્યારે IPL જેવી મોટી મેચની સિરીઝ પુરી થઈ છે ત્યારે દેશનું સૂચના અને પ્રસારણ વિભાગ ઊંઘમાંથી ઉઠ્યું છે. આજ રોજ એક એડવાઇઝરી જાહેર કરી સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા ઓનલાઈન બેટિંગની જાહેરાતો મામલે કડક વલણ અખત્યાર કર્યું છે.
એડવાઇઝરીમાં જણાવ્યું છે કે, મંત્રાલયે ઓનલાઈન બેટિંગની જાહેરાતો મામલે MIB દ્વારા 04-12-2020થી પ્રાઇવેટ સેટેલાઇટ ટીવી ચેનલ માટે એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ASCI)ની એક ગાઈડલાઈન આપવામાં આવી હતી. જેમાં ઓનલાઈન ગેમીંગ જાહેરાત મામલે સ્પષ્ટતા પૂર્વક શું કરવું અને શું ન કરવું તે જણાવ્યું છે. પરંતુ મંત્રાલયના ધ્યાને આવ્યું છે કે, ઓનલાઈન બેટિંગ વેબસાઈટ અને પ્લેટફોર્મ પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા તેમજ ઓનલાઈન મીડિયામાં જાહેરાતો પ્રસિધ્ધ કરાવી રહ્યાં છે.
સાથે જ મંત્રાલયે સ્વીકાર્યું છે કે દેશમાં મોટાભાગે દરેક સ્થળે બેટિંગ અને ગેમ્બલિંગ ગેરકાયદેસર છે. જેના કારણે બેટિંગને પ્રોત્સાહિત કરતી જાહેરાતો મામલે પ્રશ્નો પેદા થાય છે. માટે હવે જાહેર કરેલી એડવાઇઝરીમાં જણાવ્યા મુજબ ASCI ની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી બેફામ જાહેરાતો નહીં પ્રસિધ્ધ કરી શકાય.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવજીવન ન્યૂઝના સતત અહેવાલો પ્રસિધ્ધ કરી કેન્દ્ર અને રાજ્ય સરકારને ઢંઢોળવા પ્રયાસ કર્યો છે. ત્યારે કેન્દ્ર સરકારે મહદઅંશે જાહેરાતો મામલે પગલાં લીધા તે સરાહનીય છે પરંતુ ઘેનમાં સરી પડેલી રાજ્ય સરકાર અને તેમનો કાયદા વિભાગ ક્યારે જાગશે અને જૂનવાણી કાયદામાં સુધારા કરશે ?
ઓનલાઈન જુગાર અને બેટિંગ મામલે નવજીવન ન્યૂઝ દ્વારા ઘણાં અહેવાલોથી માહિતી આપી છે કે દેશના જ બુકીઓ ઓનલાઈન કાળો કારોબાર ચલાવી દેશને કોરી રહ્યા છે. જેન અંકુશમાં લેવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે કાયદામાં સુધારો એક માત્ર વિકલ્પ છે. અન્યથા આ કારોબાર દેશ વિરોધી તત્વોના નાણાંની હેરફેરનું સાધન પણ બની શકે તેમ છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











