Tuesday, May 26, 2026
HomeNavajivan CornerLink In Bioકુશળતા સિવાય વ્યક્તિને કોઈ બચાવી શકતું નથી…

કુશળતા સિવાય વ્યક્તિને કોઈ બચાવી શકતું નથી…

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): “વીરતા એ સમાજનો મૂળભૂત ગુણ હોવો જોઈએ. જે આદર્શ સમાજની કલ્પના આપવી છે, તેમાં એ ગુણ અમુક વર્ગ પૂરતો જ – રાજકર્તાઓ અથવા સૈનિકોની જ ખાસ માલિકીનો – ન હોવો જોઈએ. મને લાગે છે કે, આ બાબતમાં પ્લેટો તેમ જ એરિસ્ટોટલ બંનેનું વલણ એવી ભૂલ કરવાનું હતું. વીરતા એ તો લોકગુણ છે, આખા જનસમુદાયનું આગળ પડતું લક્ષણ છે. પ્રજાતંત્રનું તે સતેજ બળ છે. સમાજવ્યવસ્થાને તત્ત્વશુદ્ધ સંપૂર્ણ બનાવવાથી વીરતાની આવશ્યકતા દૂર થવાનું તો ક્યાં રહ્યું, ઊલટું તે તો એ ગુણને વધારેમાં વધારે માગે છે. અને જો તે માગણી પૂરી પડતી નથી, તો તે સમાજવ્યવસ્થા એકલી કશું પરિણામ નિપજાવી શકતી નથી. અથવા કહો કે, તેથી પણ ભૂંડું પરિણામ નિપજાવે છે. સમાજવ્યવસ્થા લોકોની વીરતાને સંગઠિત કરી શિસ્ત હેઠળ ન આણે, તો તેની પાસે કોઈ ચાલક બળ જ ન રહે. કામમાંથી છટકવાની વૃત્તિ, કે જે કાયરતાનું હીનમાં હીન લક્ષણ છે. તેથી ઊલટી વૃત્તિ તે કામ કરવાની વૃત્તિ છે, કે જે વીરતાનું ઉત્તમમાં ઉત્તમ લક્ષણ છે. સંગઠન અને શિસ્ત દ્વારા, એ વૃત્તિ ઉત્તમતાની સાધના બને, ત્યા સુધી ઊંચે લેવાની છે. અને તેમ થવાને લીધે જ સમાજવ્યવસ્થા સંપૂર્ણ બનશે.”

skill
skill

ઘણી બાબતમાં અંગે સ્પષ્ટતાથી વિચાર મૂકવાનું સંભવી શકતું નથી, પરંતુ કેટલાંક ગંભીર વિષય સંદર્ભે આવી સ્પષ્ટતા થઈ હોય તો નવા વર્ષે એ જરૂર કામ લાગવાની. અંગ્રેજ શિક્ષણવિદ્ એલ. પી. જેક્સ જીવન, સમાજ અને ધર્મ સંબંધિત કેટલીક બાબતે ઠોસ રીતે તેમના પુસ્તક ‘કન્સ્ટ્રક્ટીવ સિટીઝનશિપ’માં પોતાના વિચારો મૂક્યા છે. આ પુસ્તકને ગુજરાતમાં ગોપાલદાસ જીવાભાઈ પટેલે અનુવાદિત કર્યું છે. ગુજરાતી પુસ્તક 1942માં ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત થયું હતું. આ પુસ્તકના પ્રકરણોમાં સમાજવ્યવસ્થા વિશે કેટલાંક અદ્વિતિય વિચારો વાંચવા મળે છે. તેમાંનો એક હિસ્સો સૌપ્રથમ લેખના આરંભે રજૂ કર્યો છે. આગળ સમાજની વીરતા સંદર્ભે એલ. પી. જેક્સ લખે છે : “સમાજવ્યવસ્થા સંગઠિત અને શિસ્તબદ્ધ વીરતાવાળી હોય ત્યારે જ લોકશાહી સર્વોત્તમ રાજ્યપદ્ધતિ બને છે, તે જ લોકશાહી જ્યારે શિથિલતા, બેવફાઈ, ગેરશિસ્ત અને કાયરતાવાળી બને છે, ત્યારે હીનમાં હીન કોટીની બને છે. પછી તે તંત્ર જલદી અને અચૂક, ભાષણિયાઓની આગેવાની હેઠળ, ટોળાશાહી કે લૂટેરુ સામ્યવાદ બની જાય છે. તે આગેવાનો એવો ધંધો જ લઈ બેસે છે કે, કાચા કાનનાં ટોળાંને સુખના વચનો આપીને મંત્રમુગ્ધ કર્યા કરવાં. કે જે કદી પાર પડી શકે તેવાં ન હોય. તે દશામાં પછી અમુક લોકમત પ્રયત્નપૂર્વક ખડો કરવામાં આવે છે. તેને સારુ કુનેહકળાઓ યોજવામાં આવે છે. અને પેલી કુનેહબાજ કે હિંસક લઘુમતીઓ બહુમતીને એવું મનાવીને રીઝવ્યાં કરે છે કે, રાજ્ય બહુમતીનું જ ચાલે છે. નબળી સંકલ્પશક્તિવાળા બધાં પ્રજાતંત્રોની અચૂક એ વલે થાય છે કે, રાજદ્વારી કાવાબાજો અને લેભાગુઓ તેમાંથી લાભ ખાંડી લે છે. અને પ્રજાતંત્રની યોજના શાસ્ત્રદૃષ્ટિએ જેમ વધુ સંપૂર્ણ, તેમ તે લોકોને વધારે ફાવે છે. તથા મતાધિકાર જેમ વધુ વિસ્તૃત, તેમ શિકાર થનારાઓની સંખ્યા પણ મોટી બને છે. એટલે મતાધિકાર મળવાથી બધા નાગરિકો સમાન કક્ષાના બની જાય છે, એવું જે સામાન્ય રીતે મનાય છે, તેના જેવી સત્યથી વેગળી બીજી કોઈ વસ્તુ નથી.” લેખકની આ વાત આપણી ધારણાને તોડે છે અને જે બાબત અંગે આપણે ગૌરવ લઈએ છીએ તેના પર સીધો પ્રહાર કરે છે. અત્યારે દેશમાં ચૂંટણીનો માહોલ છે એ રીતે તો આ વાત સંપૂર્ણપણે બંધબેસતી લાગે છે.

- Advertisement -

જેક્સ આગળ લખે છે : “જે જમાનો ‘સુખ’ શબ્દના કાળા જાદુ હેઠળ મૂઢ બની ગયો હોય છે, કારણ કે સુખ એ એક જ એવી વસ્તુ છે કે જેની બાબતમાં મનુષ્યો સામાન્ય રીતે સાચો નિર્ણય નથી બાંધી શકતા. અને જલદીમાં જલદી ભોળાઈ જાય છે. જે ક્ષણથી કોઈ માનવસમુદાય સામુદાયિક જીવનના ધ્યેય તરીકે સુખને સ્વીકારે છે – અને વીરતા ઓછી થતી જવાની તે અચૂક નિશાની છે – તે ક્ષણથી જ ફોસલાવનારાઓ માટે રસ્તો ખુલ્લો થઈ જાય છે, સડો શરૂ થાય છે, અને ભાષણિયાને ધાર્યું કરતાં ફાવે છે.”

લોરેન્સ પીઅરસેલ જેક્સ આવી અનેક બાબતો સમાજ વિશેની ઠોસ રીતે કહી શકે છે. અને તે કહેવા માટે તેમનો અનુભવ વ્યાપક હતો. સાથે સાથે તેમનો અભ્યાસ પણ બહોળો રહ્યો છે. ઇંગ્લેન્ડના ફિલસૂફ અને ધર્મ વિશેના પ્રતિષ્ઠિત સામયિક હિબર્ટ જર્નલના તેઓ દિર્ઘકાળ સુધી એડિટર રહી ચૂક્યા છે. સામાજિક વીરતા વિશે આગળ તેઓ આ પુસ્તકમાં લખે છે : “નાગરિકોમાં હોવા જોઈતા એક બીજા ગુણની વાત કરવા માંગું છું. તે ગુણ વીરતાની સાથે ગાઢ રીતે સંકળાયેલો છે, એટલે સુધી કે, અમુક વખતે તો તે એક જ વસ્તુના બીજા નામ જેઓ જે દેખાય છે. તેનું નામ ‘કુશળતા’ છે. પરંતુ એ ગુણને કળાકારોની કે કારીગર કહેવાતા ખાસ વર્ગની ખાસિયતરૂપ ગણવાનો નથી, પરંતુ નાગરિક ધર્મના અગત્યના અંશરૂપ, કહો કે નાગરિકતાના જ એક લક્ષણરૂપ ગણવાનો છે. કોઈ પણ માણસમાં રહેલી કુશળતા ઉપરથી તે માણસને અખત્યાર કરવી પડેલી વીરતાનું માપ પણ નીકળી શકે છે. કારણ કે, પોતાની કુશળતા પ્રાપ્ત કરવા સારુ તેને સૌથી પ્રથમ ‘મોજશોખ તજીને પરિશ્રમ’ સ્વીકારવો પડ્યો હોય છે, અને તે પ્રાપ્ત કર્યા બાદ તેને અમલમાં મૂકતી વખતે પણ તે આખી ક્રિયા દરમિયાન તેને પોતાની જાત ઉપર સંયમ દાખવવો પડ્યો હોય છે. તે પોતાના શરીર અને મનનો રાજા હોવો જોઈએ. તેના અવયવો અને તેની ઇન્દ્રિયો તેના કાબુ હેઠળ હોવાં જોઈએ. અને જરૂર પડ્યે તે જૂની પ્રણાલિકાઓનો ત્યાગ કરવાને તત્પર હોવો જોઈએ. અરે, રાજદ્વારી ભાષણિયા અને ચાલાકીખોર લોકોને પણ એ શરતોનું પાલન કરવું પડે છે. એટલા પૂરતી તો સેતાનની પણ કદર કરવી જોઈએ, કેમ કે એની મુખ્ય કુશળતા લબાડીપણા કે જૂઠમાં રહેલી હોય છે, અને તેની એ કુશળતા, તેનો શિકાર થઈ પડનારાઓના હાથ જ્યારે પોતાની ચાતુરી ખોઈ બેઠા હોય છે, અને તેમની બીજી આવડતો ક્ષીણ થઈ ગઈ હોય છે, ત્યારે જ સૌથી વધારે સફળ નીવડે છે. સદાનો નિયમ છે કે શ્રેષ્ઠ સડે તો તેનું પરિણામ ખરાબમાં ખરાબ આવે છે.”

નવા વર્ષમાં આપણે ત્યાં વ્યક્તિગત સંકલ્પ લઈને પરિવર્તન ઇચ્છીએ છીએ, પણ સમાજ તરીકે ધરમૂળથી પરિવર્તનનો પ્રયાસ ઝાઝો નથી થતો. જેમ્સ ઉપર જે વાત લખી છે તેના અનુસંધાને લખે છે કે, “સૂક્ષ્મદૃષ્ટિવાળા આપણા પૂર્વજો લખી જ ગયા છે કે સેતાન એક વખત તો સ્વર્ગનો ફિરસ્તો જ હતો, પોતાની કેળવણી સ્વર્ગમાં જ પામ્યો હતો, તથા ત્યાંના વિશ્વવિદ્યાલયના અભ્યાસક્રમમાં સમ્માન સહિત ઉતીર્ણ થયો હતો. નહિ તો તે આવો ભયંકર પ્રતિપક્ષી શી રીતે બની શકે?”

- Advertisement -

કુશળતા વિશેનું જેમ્સ પોતાનું ચિંતનની રજૂઆત આ રીતે કરે છે : “વિશ્વમાં મનુષ્યનું સાચું કર્તવ્ય, કુશળતાના અસંખ્ય પ્રકારોમાંથી એક યા બીજો પ્રકાર દાખવવાનું છે – અર્થાત કર્મ કરવાનું નથી. પરંતુ કુશળતાપૂર્વક એટલે કે વીરતાપૂર્વક કર્મ કરવાનું છે. પરંતુ આ બાબતની ફિલસૂફીનો જે નિચોડ છે તે કહેવો જોઈએ તે કહેવો જ જોઈએ. ભલે આ કથન કેટલાક ધર્માચાર્યોની નજરે નરી નાસ્તિકતા જેવું લાગે. પરંતુ કોઈ પણ કુશળતા દાખવવાની ન હોય, અથવા કુશળતા દાખવવી પડે તેવા કોઈ પણ કાર્યમાં લાગવું પડે તેમ ન હોય, તો માણસ એક અધકચરો, ઠીંગળાઈ ગયેલો અને ખરેખર દુઃખી દયામણો પદાર્થ બની જાય છે. ભલે પછી તે મહેલમાં રહેતો હોય કે મજૂરોની કંગાળ ચાલીમાં રહેતો હોય. તેવા માણસને પછી ગમે તેવી – આર્થિક ધોરણની કે રાજકીય ધોરણની – સામાજિક પુર્નઘટનાઓ વડે નહીં સુધારી શકો. પરંતુ તેનામાં કુશળતા દાખલ કરો – તેને કુશળતા દાખવવી પડે તેવા કોઈ પણ ધંધામાં નાંખો, એટલે તમે તેને મનુષ્ય બનવાની સર્વોત્તમ તક આપશો.”

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular