નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ કેટલાક પત્રકારો એવા હોય છે જે ન્યૂઝ રૂમમાં સૌથી વધુ ચર્ચાતા “ન્યૂઝ” હોય છે. જેમની હાજરીથી ન્યૂઝ રૂમ ઈન્ટરેસ્ટીંગ બને છે, મારા પત્રકારત્વ દરમિયાન એવા કેટલાક લોકોને જોયા જે ન્યૂઝ મેકર્સ ઓફ ન્યૂઝ રૂમ હતા. આ લોકો માત્ર એક લેખમાં સમાઈ જાય એવા લોકો નથી, એટલે આ સિરીઝ એમના વ્યકિતત્વનો આયનો નથી પણ ન્યૂઝરૂમમાં પડતા તેમના પ્રતિબિંબને ઝીલવાનો પ્રયાસ છે.
(નોંધ: આ તદ્ન ફરમાસુ લેખ છે છતાં “તંત્રી” એના શબ્દે શબ્દ સાથે સંમત છે)
પ્રશાંત દયાળ: એ માણસ જે જીવતી વારતા લખતાં લખતાં ખુદ એક વારતા બની ગયો!
જો ન્યૂઝરૂમમાં પત્રકારો એક માણસ ફરતે ટોળું વળીને ઉભા હોય, ટોળાનું કેન્દ્ર બનેલો માણસ મોદીથી માંડી ઓફિસના પ્યૂન વિશે કંઈ પણ બોલતો હોય અને બધા સાંભળતા હોય, ચેમ્બરમાં બેઠેલો તંત્રી અકળાતો હોય કે આ લોકો હવે લખવાનું કયારે શરૂ કરશે કયારે અને પાના પુરા થશે કયારે?! તો હે સુજ્ઞ જન જાણી લેવું કે એ એક માણસ પ્રશાંત દયાળ જ હોય! પ્રશાંત દરબારનો માણસ છે, ટોળાનો માણસ છે, એ લોકો ભેગા કરવા જાય નહીં પણ એની આસ પાસ લોકો ભેગા થઈ જ જાય! વિવાદો અને લોકો એ બંનેને પ્રશાંતે આમંત્રણ આપવું પડતું નથી, પ્રશાંત જ્યાં હોય ત્યાં આ બંને હાજર હોય જ!

પ્રશાંત જન્મજાત બળવાખોર છે, એટલે એ સત્તા સામે, સ્થાપિત હિતો સામે, ઓફિસના રૂલ સામે, મેનેજમેન્ટ સામે, માલિકો સામે અને આમાના કોઈ સામે કોઈ મુદ્દો મળતો ના હોય ત્યારે પોતાની જાત સામે બળવો કરતો રહે છે, એટલે ન્યૂઝરૂમમાં હોય ત્યારે ભાગ્યે જ કોઈ બોરીંગ ક્ષણો હોય! નોકરી પ્રત્યે એને ખાસ કોઈ મોહ નહીં, એક સમય એવો હતો કે એણે ૧૪ વર્ષની કેરીયરમાં ૧૫ નોકરી બદલેલી! ફ્રસ્ટ્રેશનના સમયમાં “હું નોકરી છોડીને આમલેટની લારી કરીશ” એ એનું બ્રહ્મ વાકય બની ગયેલું! એના નોકરી છોડવાના કારણો અને આમલેટની લારી નામની આજીવિકા માટેની પ્રવૃતિ સાથે હું કયારેય સંમત થઈ શકયો નહોતો પણ કોઈ કામમાં કોઈની પણ સંમતિ લેવી જોઈએ એવા નબળા વિચારમાં પ્રશાંત માનતો નથી, રતન તાતાએ કહ્યું હતું ‘હું નિર્ણય લઉં છું પછી એમને સાચા સાબિત કરું છું’ એમ પ્રશાંત પહેલાં નિર્ણય લઈ લે પછી એને સાચો ઠેરવવાની તરખડ શરૂ કરે!
પ્રશાંતને સ્ટોરી જોઈએ, ફિલ્ડમાંથી ના મળે તો એ ન્યૂઝરૂમમાં ઘડી કાઢે અને એ જે વખતે આવા ભયંકર મૂડમાં હોય એ સમયે એની હડફેટે નહીં ચડવામાં જ શાણપણ હોય, પ્રણવ દવેને એણે એક વાર આવી ભયંકર સ્ટોરીનો એવો શિકાર બનાવેલો કે એ ટેરેસ પરથી કૂદી પડવા તૈયાર થઈ ગયેલો, માંડ માંડ રોકવો પડેલો!
કેટલાંક વર્ષો પહેલાં એની પાસે કશું જ લખવાનું ના હોય ત્યારે ન્યૂઝ રૂમમાં “સ્કૂટર” ફેરવતો એટલે કે કોઈની નકલ કરતાં કરતાં જાણે પોતે સ્કૂટર પર બેઠો હોય એમ દોડતો ન્યૂઝરૂમમાં આંટા મારતો, અને જુદા જુદા હોર્ડીંગ વાંચતો હોય એમ રનિંગ કોમેન્ટ્રી મજેદાર ટીકા ટીપ્પણ સાથે આપતો! એક વખત વડોદરાનો તત્કાલીન એડિટર પોતાની ચેન્બરમાં મિટીંગ ભરીને બેઠો હતો ત્યારે પ્રશાંત ડ્રામેટીક રીતે અંદર દાખલ થયો અને એડીટર તરફ આંગળી ચીંધીને, મિટીંગમાં બેઠેલા સૌને ઉદે્શીને બોલ્યો , “હું આનું મર્ડર કરી નાંખવાનો છું” એડીટર આ પીસ લખવા જીવતો રહ્યો છે એ દર્શાવે છે કે પ્રશાંતની દરેક ધમકીથી ડરવા જેવું હોતું નથી!
પ્રશાંતને એના ફિલ્ડની કે શહેરની ઘટનાઓની જ માહિતી હોય એવું નહીં , ન્યૂઝરૂમમાં બનતી ઘટનાઓ કે ઓફિસના લોકો વિશે પણ માહિતી હોય, કોઈના સગાંને કોઈ બીમારી હોય, કોઈની દિકરાનો એડમિશનનો પ્રોબ્લેમ હોય કે કોઈને કોઈ છોકરી સાથે ભાગીને લગ્ન કરવા હોય, પ્રશાંત આવા લોકો માટે સંકટ સમયની સાંકળ હોય! કોઈ ઢંઢેરો પીટયા વિના પ્રશાંત આવા લોકોને મદદ કરતો રહે!
તંત્રીઓ અને માલિકો સાથે થયેલી એની વાતચીત કોઈ દંતકથાઓથી કમ હોતી નથી. એમાંય પ્રશાંત અદ્ભૂત સ્ટોરી ટેલર છે એટલે એ કહેતો હોય ત્યારે લોકો સાંભળ્યા જ કરે! એ એની છેલ્લેથી બીજી કે ત્રીજી (હવે આ ગણતરી કરવી પણ જરા મુશ્કેલ છે પણ હવે એણે નિર્ણય લીધો છે કે હવે એ કયાંય નોકરી નહીં કરે માત્ર ફ્રિલાન્સ કામ કરશે એટલે ગણતરી ખોટી હોય તો પણ વાંધો નહીં) નોકરી કઈ રીતે મળી એની સ્ટોરી પ્રશાંત કંઈક આવી રીતે કહે છે, એપોઈન્ટમેન્ટ વખતે પ્રશાંતે ૧૫,૦૦૦ પગાર માંગ્યો, સંપાદકે કહ્યું “તારી પાસે હાલમાં નોકરી તો છે નહીં તો તને ૧૫૦૦૦ કેમ આપીએ?” પ્રશાંતે ખિસ્સામાંથી પેન (એના ખિસ્સામાની પેનની કિમત બે રૂપિયાથી વધુ કયારેય હોતી નથી, એ પેન સસ્તી વાપરે છે, શબ્દો મોંઘા વાપરે છે) કાઢી સંપાદક સામે ધરી કહ્યું, આ પેન બજારમાં પંદર રૂપિયામાં મળે છે તમારે જોઈતી હોય તો તેની કિંમત પંદર હજાર છે. લેવી હોય તો લો!
અખબારે પહેલીવાર એ પેન પંદર હજારમાં ખરીદેલી બીજી વાર ખરીદવા જતાં એ પેન દોઢ લાખમાં પડી હતી, અને પછી બહુ મોંઘી પણ પડી હતી!
મોટા માણસો સાથે એને જન્મજાત તકલીફ છે અને નાના માણસો પ્રત્યે એને જન્મજાત પ્રેમ એટલે ઓફિસની હાઈરાર્કીમાં કોઈ માણસ ગમે તેટલો નાનો હોય પ્રશાંત એનું જ ઉપરાણું લે. એનો વાંક હોય તો પણ પ્રશાંતની કાયદાપોથીમાં એ નિર્દોષ જ હોય. લગભગ એ બધા સાથે એને મિત્રતા હોય જ! જીવતી વારતામાં એ નાના માણસોની મોટી વારતા લખ્યા કરતો હતો, ઓફિસના લગભગ બધા જ પેજમેકર કે કંપોઝિટર પ્રશાંત જીવતી વારતાનું મેટર ફાઈલ કરે કે તરત જ વાંચી લેતા હતા. આ એ કોલમની લોકપ્રિયતાનો પુરાવો હતો. એ કોલમમાં કોઈના સંઘર્ષ વિશે, કોઈકની અનોખી પ્રેમકથા વિશે, કોઈકની તકલીફ વિશે, કોઈકની બિમારી વિશે લખતો રહ્યો અને લખતાં લખતાં એને પણ ખબર ના રહી કે ક્યારે એ ખુદ એક વારતા બની ગયો!
પત્રકારત્વના ઈતિહાસનાં એક ફૂટ નોટ જેટલી જગ્યા પણ પ્રશાંતને મળશે કે નહીં, અરે એના નામનો ઉલ્લેખ હશે કે નહીં એ પણ ખબર નથી પણ જ્યારે ન્યૂઝ રૂમમાં “વારતાઓ”ની વાતો થશે, ફરી કોઈ “ડાયરા” મંડાશે ત્યારે એક દંત કથાનો ઉલ્લેખ અચૂક થશે જેનું નામ હશે, એક હતો પ્રશાંત દયાળ….
(પ્રણવ ગોળવેલકરની ફેસબુક વોલ પરથી આભારસહ)
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












