Monday, February 17, 2025
HomeInternationalનેશનલ જિયોગ્રાફીક મેગેઝિન: જિજ્ઞાસા સંતોષતા માધ્યમનો કોઈ વિકલ્પ છે?

નેશનલ જિયોગ્રાફીક મેગેઝિન: જિજ્ઞાસા સંતોષતા માધ્યમનો કોઈ વિકલ્પ છે?

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ડિજિટલ યુગના જે મસમોટા લાભ મળ્યા છે, તેની સામે કેટલાંક જંગી નુકસાની પણ છે. આવાં એક નુકસાનના સમાચાર ગત મહિને આવ્યા; અને તે છે પ્રતિષ્ઠિત મેગેઝિન નેશનલ જિયોગ્રાફીકે (National Geographic) પોતાના તમામ સ્ટાફને વિદાય આપી છે. હવે સંભવતઃ મેગેઝિન (Magazine) થોડાંક સમય પ્રકાશિત થશે. વિશ્વના અપ્રતિપ વિડીયો-દૃશ્યો અને સ્ટોરી દર્શાવનારી નેશનલ જિયોગ્રાફીક ચેનલ (National Geographic channel) જોઈએ છીએ, તે નામ અગાઉ મેગેઝિનથી જ જાણીતું હતું. આ મેગેઝિનની ખ્યાતિ એવી છે કે આજે પણ તેનો ચાહકવર્ગ જૂના અંકો ખોળીખોળીને વાંચે છે. નેશનલ જિયોગ્રાફી મેગેઝિનનો કાગળ, તેમાં પ્રકાશિત થતી તસવીરો, તદ્ઉપરાંત તેનું કન્ટેન્ટ એટલું બધું સમૃદ્ધ છે કે તેને ફરીફરીને જોનારો-વાંચનારો વર્ગ દુનિયાભરમાં વિશાળ છે અને એટલે જ્યારે તેના બંધ થવાના સમાચાર આવ્યા તો પુરા દુનિયામાં તેના ન્યૂઝ બન્યા. નેશનલ જિયોગ્રાફીક હવે પ્રકાશિત નહીં થાય પરંતુ તેની અદ્વિતિય સફરની કેટલીક વાત થઈ શકે.

national geographic magazine news
national geographic magazine news

આજના ટેક્નોલોજી યુગમાં હવે વિડીયો અને તસવીરોની ભરમાર છે; આ વચ્ચે પણ કેટલાંક મીડિયા પોતાના કાર્યના બળે ટકી રહ્યા, તેમાંનું એક નેશનલ જિયોગ્રાફીક મેગેઝિન છે. તેની શરૂઆત 135 વર્ષ પૂર્વે અમેરિકા સ્થિત ‘નેશનલ જિયોગ્રાફી સોસાયટી’ દ્વારા થઈ હતી. આજે પણ આ સોસાયટી શૈક્ષણિક અને ખાસ કરીને વિજ્ઞાન સંબંધિત જાણકારીના પ્રચાર-પ્રસાર અર્થે વિશ્વની સૌથી મોટી સંસ્થાઓમાંની એક છે. જ્યારે તેની સ્થાપના થઈ હતી ત્યારથી જ તેમાં ભૂગોળ, પુરાતત્વ, પ્રકૃતિવિજ્ઞાન, અને તદ્ઉપરાંત વિશ્વસંસ્કૃતિ અને ઇતિહાસનો અભ્યાસ થાય તેવા ઉદ્દેશ્ય રાખવામાં આવ્યા હતા. આ ઉદ્દેશ્યોને નેશનલ જિયોગ્રાફીક મેગેઝિન સાર્થક કરતું રહ્યું અને તેની પીળા પટ્ટાની લંબચોરસ ડિઝાઈનની ઓળખ વિશ્વના ખૂણેખૂણે પહોંચી. જ્ઞાન અને પર્યાવરણની જાળવણી અને તેના માહિતી-પ્રસારનું કાર્ય કરતી આ સંસ્થા આટલી વિશાળ છે, પણ જ્યારે તેનો પાયો નંખાયો ત્યારે તેમાં 33 જેટલાં વિજ્ઞાનીઓ અને શિક્ષણવિદો જ જોડાયા હતા. આ સોસાયટીને સભ્યો મળ્યાં, ઉમદા ઉદ્દેશ્યો નક્કી થયા, પણ પછી જે ફિલ્ડમાં કામ કરવાનું હતું તેની શરૂઆત 1890માં થઈ, જ્યારે વિજ્ઞાન સંબંધિત શોધખોળ માટે સંશોધક ઇઝરાયેલ રસેલના આગેવાની હેઠળ ઉત્તર અમેરિકાના માઉન્ટ સેન્ટ એલિયાસ ક્ષેત્રનાં સરવે અને મેપિંગ કરવાનું કામ થયું.

- Advertisement -
national geographic magazine today
national geographic magazine today

નેશનલ જિયોગ્રાફીકના વેબસાઇટ પર તેમના જે શરૂઆતના પ્રોજેક્ટ વિશે માહિતી આપવામાં આવી છે, તેમાં બીજી વિગત 1890ના વર્ષની છે, જ્યારે સાત ખંડોમાં 15,000 જેટલાં સંશોધકો નેશનલ જિયોગ્રોફીક સોસાયટી દ્વારા મળ્યા. સોસાયટી અને મેગેઝિન સંલગ્ન રહ્યા છે અને તેથી જે કંઈ પણ દુનિયાભરમાં ‘નેશનલ જિયોગ્રાફી સોસાયટી’ના સભ્યો દ્વારા સંશોધન થાય તો તેના અહેવાલ મેગેઝિનમાં પ્રકાશિત થતા. આ રીતે નેશનલ જિયોગ્રાફીના પ્લેટફોર્મ થકી દુનિયાની અદ્વિતિય જગ્યાઓ લોકો સમક્ષ આવી. તેની માહિતી મળી અને સામાન્ય લોકોને પ્રકૃતિ અને ભૂગોળ તરફ આકર્ષણેય થયું. નેશનલ જિયોગ્રાફીનું આટલાં વર્ષ ટક્યું તેમાં આ સંશોધકોનો ફાળો રહ્યો, જેમણે જીવ જોખમમાં મૂકીને વિડીયો, તસવીરો અને સ્ટોરીઓ લાવી. જે રીતે નેશનલ જિયોગ્રાફીનું કામ રહ્યું તે રીતે જ તેમાં વિવિધતા, સમાનતા અને સમાવશેક નીતિ રાખવામાં આવી. આજે નેશનલ જિયોગ્રાફીનો અડધો અડધ સ્ટાફ મહિલા છે. અને 65 ટકા સંશોધકો પોતાના જ દેશમાં સંશોધન કરી શકે તેવી વ્યવસ્થા નેશનલ જિયોગ્રાફીએ કરી છે. અહીં હંમેશા અશ્વેત અને મૂળનિવાસી લોકોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જેથી ઇતિહાસમાંથી શીખીને, વર્તમાન તપાસીને અને સારાં ભવિષ્યનું ઘડતર થઈ શકે.

https://www.navajivan.in/wp-content/uploads/2023/07/magazine-national-geographic-news.jpg
magazine national geographic news

નેશનલ જિયોગ્રાફી આટલું વ્યાપક બની શક્યું તેનું એક કારણ તેના સ્થાપકો પણ હતા. આ સ્થાપકોમાં એક ગાર્ડિનર ગ્રીન હુબાર્ડ હતા. તેઓ અમેરિકાના જાણીતા વકીલ, ફાઇનાન્સર અને આગેવાન હતા. આ ઉપરાંત તેમની સાથે સ્થાપકોમાં એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ પણ હતા. એ જાણીતી વાત છે કે એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ ટેલિફોનના શોધક છે. અને બેલ મેગેઝિનના બીજા પ્રમુખ હતા. તે વખતે પ્રમુખ અંતર્ગત જ મેગેઝિનના તંત્રીપણાની જવાબદારી આવતી. મેગેઝિનમાં તે વખતથી જ વિશ્વના ગણમાન્ય વિજ્ઞાનીઓ જોડાયેલા હતા અને તે જ કારણે તેમાં ગુણવત્તા બાબતે કોઈ સમાધાન ન થયું. અને તે પછી તેના એકેએક અંકમાં વાંચવા મળતા અહેવાલોએ લોકોને તેમાં ખૂબ રસ જગાડ્યો.

magazine national geographic news today
magazine national geographic news today

નેશનલ જિયોગ્રાફીક અંકના કવરપેજનું પણ એક આકર્ષણ હતું. 1985માં ‘ધ અફઘાન ગર્લ’ નામનું કવરપેજ તો ખૂબ ચર્ચાયું. આ કવરપેજમાં જે તસવીર હતી તે ફોટોગ્રાફર સ્ટીવ મેકક્યુરીએ લીધી છે, જેમાં અફઘાનિસ્તાનની બાર વર્ષની છોકરીની તસવીર હતી. આ છોકરી પાકિસ્તાનના પેશાવરના ‘નસીર બાગ’નામના રેફ્યુજી કેમ્પમાં રહેતી હતી. તે વખતે ડિજિટલ કેમરા નહોતા. સ્ટીવ મેકક્યુરીએ જ્યારે રેફ્યુજી કેમ્પમાં અનેક તસવીરો લીધી ત્યારે તેને ખ્યાલ નહોતો કે આ તસવીરો કેવી આવશે. કારણ કે રેફ્યુજી કેમ્પની આસપાસ સતત ધૂળ ઊડતી હતી. પરંતુ જ્યારે સ્ટીવે તસવીર ડેવલપ કરી ત્યારે તેને ખ્યાલ આવી ગયો કે આ તસવીર વિશેષ છે. સ્ટીવ મેકક્યુરીએ જ્યારે તેમના એડિટરને આ તસવીર દાખવી ત્યારે તેમણે તુરંત કહ્યું કે આ આપણા નવા અંકનું કવર પેજ હશે! આ તસવીર દુનિયાભરમાં પ્રશંસા પામી.

- Advertisement -

‘ધ અફઘાન ગર્લ’ તસવીરની સ્ટોરી અહીંયા નથી અટકતી; બલકે આ તસવીર લેવાયાનાં સત્તર વર્ષ પછી ફરી નેશનલ જિયોગ્રાફીક ટાઇટલ પર આવે છે. પણ હવે તેના ચહેરા પર બુરખો છે! આ માટે નેશનલ જિયોગ્રાફીકની ફિલ્મ અને ટેલિવિઝન ટીમ ફોટોગ્રાફર સ્ટીવ મેકક્યુરી સાથે ‘ધ અફઘાન ગર્લ’ની શોધખોળ કરે છે. આ શોધખોળ દરમિયાન નેશનલ જિયોગ્રાફીકની ટીમ અનેક વખત ખોટા માર્ગે દોરવાય છે. પણ આખરે એક ભાઈ તેને ઓળખી કાઢે છે અને ટીમને સાચી માહિતી આપે છે. તે કહે છે કે આ યુવતિ હવે અફઘાનિસ્તાનમાં આવેલા તોરા બોરાની પહાડીઓમાં રહે છે. બસ પછી થોડા દિવસના તપાસ બાદ આખરે તે મળે છે અને ફરી એક વાર તે નેશનલ જિયોગ્રાફીકના ટાઇટલ પર ચમકે છે. આ અંકનું ટાઇટલ છે : ‘ફાઉન્ડ : આફ્ટર 17 યર્સ એન અફઘાન રેફ્યુજીસ સ્ટોરી’.

નેશલન જિયોગ્રાફીક મેગેઝિનનું આવું બીજું અદ્વિતિય કવર પેજ નિલ આર્મસ્ટ્રોંગનો છે, જ્યારે તેઓ ચંદ્ર પર પહોંચીને ત્યાં ચાલી રહ્યા હતા. ડિસેમ્બર, 1969નું આ કવરપેજ ઐતિહાસિક ઘટના હતી. માણસજાત માટે આ અકલ્પનીય ઘટના હતી, જ્યારે કોઈ વ્યક્તિએ ચંદ્ર પર પગ મૂક્યો હોય. આ ઘટના બની તે પછી પાંચ મહિના બાદ નેશનલ જિયોગ્રાફીકના કવર પેજ પર નિલ આર્મસ્ટ્રોંગ ચમક્યા હતા. જોકે સ્પેસશૂટમાં હોવાથી નિલ આર્મસ્ટ્રોંગનો ચહેરો દેખાતો નથી. આવું એક કવર 1978નું છે, જેનું ટાટલ છે : ‘કન્વર્ઝેશન વિથ અ ગોરિલા’. ‘કોકો’ નામની આ ગોરિલાને પેની પેટર્સન નામના મનોચિકિત્સક અને સંશોધકે હાથની નિશાનીઓ દ્વારા સંવાદ કરવાનું શીખવાડ્યું હતું. અને નેશનલ જિયોગ્રાફીકના તત્કાલિન તંત્રી રોનાલ્ડ કોહ્સના કહેવાથી ‘કોકો’એ પોતાની જ તસવીર લીધી હતી. આવી અનેક સ્ટોરીઓ નેશનલ જિયોગ્રાફીકના કવર પેજ પર ચમકી છે, જે દુનિયાભરમાં કેટકેટલું નવું થઈ રહ્યું છે તે સતત આપણી સમક્ષ મૂકાતું.

નેશનલ જિયોગ્રાફીનો આ રીતે વ્યાપ એટલો વધ્યો કે વિશ્વની 29 જુદી જુદી ભાષાઓમાં તે પ્રકાશિત થતું. પછી તેમાંથી કેટલાંક ભાષાના અંકને બંધ પણ કરવામાં આવ્યા. તેમ છતાં તેનું સર્ક્યુલેશનનો આંકડો અઢાર લાખનો હતો. નેશનલ જિયોગ્રાફીકની સફર પછી માત્ર મેગેઝિન સુધી ન રહી. અન્ય અનેક મીડિયા પ્લેટફોર્મમાં તે પ્રવેશ્યું. ફિલ્મ અને ટેલિવિઝન, સિનેમા, મ્યુઝિમની પાર્ટનશિપમાં પણ નેશનલ જિયોગ્રાફીકે દમખમ દાખવ્યો. આ ઉપરાંત આજે નેશનલ જિયોગ્રાફીનું જે પોર્ટલ ચાલી રહ્યું છે તે પણ ગુણવત્તાની દૃષ્ટિએ અદભુત છે. જોકે નેશનલ જિયોગ્રાફીકનો કન્ટ્રોલ હવે ધ વોલ્ટ ડિઝની કંપનીના હાથમાં છે. આ ઉપરાંત ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી ફોક્સ પણ તેમાં હિસ્સેદાર છે. આ રીતે અત્યાર સુધી નેશનલ જિયોગ્રાફીના જે ઉદ્દેશ્ય સ્પષ્ટ રહ્યા છે, તેમાં ઘાલમેલ થવાની શક્યતા છે. આશા છે કે નેશનલ જિયોગ્રાફીક હજુ પણ દેશ-દુનિયાના સંશોધકો-સાહસિકોને પ્રોત્સાહન પુરૂ પાડશે અને ડિજિટલ કે કોઈ અન્ય માધ્યમથી તેની અદ્ભુત સ્ટોરી અવિરત રહેશે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular