નવજીવન ન્યૂઝ.છોટાઉદેપુરઃ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પંખાડા ગામની સીમમાં બનેલી ગંભીર ઘટનામાં નસવાડી પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીને થોડા જ સમયમાં કાબૂમાં લઈ જેલભેગો કર્યો છે. મહિલાની એકલતાનો લાભ લઈ તેના પર દુષ્કર્મ આચરી અને ત્યારબાદ તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યાનો આરોપ છે.
શું બન્યું હતું?
મળતી વિગતો અનુસાર 20 ફેબ્રુઆરી 2026ના રોજ પંખાડા ગામની સીમમાં આવેલા જંગલ વિસ્તારમાં મહિલા એકલી હતી ત્યારે વિકેશભાઈ ઉર્ફે વીકો નારણભાઈ ભીલ (રહે. પંખાડા)એ તેના પર બળાત્કાર કર્યો હોવાનો આરોપ છે. આ પછી આરોપીએ મહિલાને જાનથી મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખાયું છે.
આ બનાવ અંગે ભોગ બનનાર મહિલાના ભાઈ રમણભાઈ તડવીએ નસવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
તાત્કાલિક પોલીસ કાર્યવાહી
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી ઉચ્ચ અધિકારીઓ દ્વારા આરોપીને ઝડપવા તાત્કાલિક સૂચનાઓ આપવામાં આવી હતી. અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નસવાડી પોલીસ સ્ટેશનની ટીમે તપાસ શરૂ કરી હતી.
પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તેમજ માનવ સૂત્રોની મદદથી આરોપીની હિલચાલ અંગે માહિતી મેળવી હતી. પીએસઆઈ અને તેમની ટીમે થોડા જ કલાકોમાં આરોપીને શોધી કાઢી કસ્ટડીમાં લીધો હતો.
કાયદાકીય કાર્યવાહી
પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 64(2)(કે) તથા 109(1) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી આગળની પોલીસ કસ્ટડી મેળવવાની પ્રક્રિયા ચાલુ છે.
આ બનાવમાં પોલીસની ઝડપી કામગીરીને કારણે પંથકમાં કાયદો અને વ્યવસ્થાને લઈને લોકોમાં વિશ્વાસ મજબૂત બન્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.








